Gujarat

રાજ્યમાં જીઆઈડીસીની નવી 7 વસાહતો, પાંચ સ્થળે એગ્રોફૂડ પાર્ક સ્થાપવાનું આયોજન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં સોમવારે ઉદ્યોગ વિભાગનું 5997 કરોડનું બજેટ મંજુર કરાયું હતું. ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલે કહ્યું હતું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ થકી ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઇ રહ્યું છે. ત્યારે, કૌશલ્યા-ધી સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના થકી, રાજ્યના યુવાનો વધુ કૌશલ્ય મેળવી સુસજ્જતા સાથે તેનો લાભ મેળવી શકશે. દેશના Exportમાં ગુજરાતનો ફાળો 21% કરતા પણ વધુ છે, જે વર્ષ 2020-21માં વધીને રૂ.4.48 લાખ કરોડ થઈ છે.

રાજ્યમાં તા.01-09-2020થી સ્ટાર્ટઅપ-ઇનોવેશન યોજના- 2020 અમલમાં આવી છે. જે અંતર્ગત સ્ટાર્ટઅપને રૂ.20,000 પ્રતિ માસ પ્રતિ સ્ટાર્ટઅપ અને જો ઓછામાં ઓછા એક ઇનોવેટર મહિલા સહ સંસ્થાપક હોય તો રૂ.25,000 પ્રતિ માસ, પ્રતિ સ્ટાર્ટઅપ સસ્ટેનન્‍સ અલાઉન્‍સ આપવામાં આવે છે.
રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે સરકાર દ્વારા વાયેબલ માંદા એકમોને રાહત અને છૂટછાટ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના માટે આગામી વર્ષ 2022-23 માટે માંદા એકમોના પુનર્વસનની યોજના હેઠળ રૂ.4500 લાખની બજેટ જોગવાઇ સૂચવવામાં આવી છે. રાજ્યની જી.આઈ.ડી.સી. તથા અન્ય ઔદ્યોગિક વસાહતો / પાર્ક વિસસાવવા માટે સિડ-બી (Small Industrial Development Bank) લોન મારફત સહાય અંતર્ગત નવી બાબત તરીકે રૂ.400 કરોડની જોગવાઇ કરાઈ છે.

રાજ્યમાં જીઆઈડીસીની નવીન 7 વસાહતો (ઓડ-આણંદ, ખાંડીવાવ-બાલાસિનોર, મોરબી, માઢીયા-ભાવનગર, દહેજ સેઝ-ભરૂચ, બલ્ક ડ્રગ પાર્ક-જંબુસર અને ધ્રોલ વિસ્તરણ-જામનગર) પણ આયોજન હેઠળ છે, જેનો વિસ્તાર અંદાજે 1911 હેક્ટર થવા પામે છે. રાજ્યમાં પાંચ સ્થળોએ એગ્રો-ફુડ પાર્કની સ્થાપના કરવાનું આયોજન છે. મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી નિકાસને વેગ આપવા પાંચ ‘સી-ફુડ પાર્ક’ની સ્થાપના કરવાનું આયોજન છે.
રાજ્યના નવા સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરવામાં આવતા પ્રોજેક્ટનું કોમર્શીયલાઈઝેશન થાય એટલે કે, તે પ્રોજેક્ટ ઉત્પાદન લઈ જવા માટે સહાય આપવા નવી બાબત તરીકે ગુજરાત યેગ એન્ટરપ્રિનિયોર વેન્ચર ફંડ અંતર્ગત 200 કરોડની જોગવાઈ કરાઈ છે.

મીઠા ઉદ્યોગના વિકાસ-જરૂરી સવલતો માટે રૂા. 1650 લાખની જોગવાઈ
મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અગરીયાઓ દ્વારા ખરીદવામાં આવતા સોલાર પંપ ઉપર 80 ટકા સબસીડી આપવાની યોજના અમલમાં છે. ચાલુ નાણાંકિય વર્ષ 2021-22માં મીઠા ઉદ્યોગનો વિકાસ અને તેના માટે પૂર્વ જરૂરી સવલતો માટે રૂ. 1650 લાખ બજેટની જોગવાઇ મંજુર કરવામાં આવી છે. જે અન્વયે આજદિન સુધી કુલ રૂા. 1504.81 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી
વર્ષ 2022-23માં રૂ.1650 લાખની જોગવાઈ સૂચવેલ છે.

હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રેવર્ષ 2022-23માં વિવિધ યોજનાઓ થકી રૂ. ‌‌‌486 કરોડના આયોજ્ન થકી 1,29,000‌‌‌‌‌‌‌‌‌‌‌‌થી વધુ લાભાર્થીઓને આવરી લેવાશે.
આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને પુરતી આવક અને રોજગારી ઉભી કરવા માટે વિના મુલ્યે સાધન અને ઓજાર આપવામાં માટેની માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જે અંતર્ગત, ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી 27 ટ્રેડનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા સાથે સાંકળી પ્રત્યક્ષ લાભ આપી અંદાજીત 34,000 નાના વ્યવસાયકારોને રૂ. 48 કરોડના સાધન ઓજાર પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top