Gujarat

સુરત-સૌરાષ્ટ્ર અને ઉ.ગુ.ના મતદાનની તારીખ એક જ દિવસે હોવી જોઈએ

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે ચૂંટણી પંચ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ (Congress) દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો અને સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થાય છે, ત્યારે ડબલ મતદાન ન થાય તે માટે સુરત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતની મતદાનની તારીખ એક જ હોવી જોઈએ તે સહિત અનેક રજૂઆતો કરી હતી.

ગાંધીનગર ખાતે આયોજિત ચૂંટણી પંચની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી બાબુભાઈ પટેલ, દીપક બાબરીયા, મેહુલ પટેલે રજૂઆત કરી હતી કે, મતદાર યાદીમાં ડબલ નામો ઘણાં હોય છે તો એપ બનાવી તેવું ના થાય તેવું કરવું જોઈએ. અમે એક જ વિધાનસભા મહેસાણાના 6,784 નામ ડબલ શોધી આપેલા છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને તે અંગે પત્ર લખ્યો તેમનો જવાબ મળ્યો કે ગુજરાતમાં બધાને આ સુધારણા માટે સૂચના આપી છે. પરંતુ તેમની સૂચનોનો કેટલો અમલ થયો તેની જાણ અમને કરવી જોઈએ ને ? તમે જિલ્લાવાર કેટલાં નામ ડબલ છે તેની લેખિત વિગત આપો ના હોય તો NIL લખીને આપો. ચૂંટણી બે તબક્કે થાય છે.

ઉત્તર ગુજરાત મોટે ભાગે અમદાવાદમાં – દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે. ખોટું અને ડબલ મતદાન ના થાય માટે ઉત્તર ગુજરાતની તારીખ એક જ હોવી જોઈએ. સુરત સૌરાષ્ટ્રની તારીખ એક હોવી જોઈએ. બુથની આજુબાજુ ભેગા થવાની 100 મીટર બહારની મર્યાદા છે. તો બુથ તેવી જગ્યા હોય ત્યાં જ રાખવાં જોઈએ. ગરીબ અને મધ્યમ વર્ગ વિસ્તારમાં સાથે રહેતો હોય છતાં મધ્યમ વર્ગનું બુથ અડધો કિ.મી. દૂર હોય અને ગરીબોનું બુથ દોઢ કિ.મી. દૂર હોય તે રીતે ગોઠવેલું છે જે બરાબર નથી. ઈવીએમ અને વીવીપેટની સાયન્ટિફીક ચકાસણી જરૂરી છે.

મતદાન પછી જે સ્લીપ પાંચ સેકન્ડ દેખાય છે તેને બદલે તે સ્લીપ મતદારના હાથમાં આવે તે મત બરાબર જોઈ લે અને પછી પેટીમાં નાખે તેવું કરવું જોઈએ. રિટર્નિંગ ઓફિસર સર્વેસર્વા હોય છે. નોટિફીકેશન બહાર પડ્યા પછી પરિણામ આવે ત્યાં સુધી કોર્ટમાં જઈ શકાતું નથી. બેલેટ પેપરના મત પરિણામ વખતે પહેલા ગણી પછી ઈવીએમના ગણવાના હોય છે, છતાં અધિકારીએ તે નિયમનો ભંગ કર્યો, કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. પાંચ વર્ષ પુરાં થયાં. જીતેલો ઉમેદવાર હારી ગયો. તેને ન્યાય ના મળ્યો, ખોટું કરનાર અધિકારીને કડકમાં કડક સજા કરવી જોઈએ.

Most Popular

To Top