SURAT

ગુજરાતમિત્ર એક્સક્લુઝીવ વિડિઓ : ગ્રિષ્માના પરીવારનો આંક્રદ, વિડીયો સામે છે તો સરકાર શેની રાહ જુએ છે.. બેટી બચાઓ, બેટી પઢાઓ ના નારાનું શું?

ગ્રીષ્માની હત્યાને નજરોનજર જોનાર તેની માતા અને ભાઈ ધ્રુવના આંસું રોકાતા નથી. ભાઈ ધ્રુવે કહ્યું કે, હું સાત મીટર દૂર હતો. દુનિયાનો હું એ કમનસીબ ભાઈ છું જેણે તેની નજર સામે બહેનની નિર્મમ હત્યા થતી જોઈ છે. હું મારી બહેનને બચાવી શક્યો નહીં. તે દિવસને યાદ કરતા ધ્રુવે કહ્યું કે, મોટી બહેન ગ્રીષ્મા ઘરે આવી અને કહ્યું છોકરો મારો પીછો કરે છે. સોસાયટીના ગેટ પર ઉભો છે. તેથી હું અને મારા મોટા પપ્પા તે છોકરા પાસે ગયા ત્યારે જોયું કે તેની પાસે ચાર ચપ્પુ હતા. અમે તેની સાથે વાત કરવા પ્રયાસ કરીએ ત્યાં તો તેને ઘા ઝીંકવા માંડ્યા હતા. તેથી અમે ભાગ્યા અને અમને બચાવવા ગ્રીષ્મા ઘરેથી દોડી આવી. ફેનિલે ત્યારે ગ્રીષ્માને પકડી લીધી. હું, મારી મમ્મી, કાકી તેને સમજાવવા પ્રયાસ કરતા હતા પરંતુ તે માન્યો નહીં અને મારી બહેનને મારી નાંખી. આટલું બોલતા તો ધ્રુવ રડી પડ્યો.

ધ્રુવને સાંત્વના આપતા તેની ફોઈ રાધાબહેને કહ્યું કે, એક વર્ષ પહેલાં ગ્રીષ્માએ તેને એક છોકરો હેરાન કરતો હોવાનું કહ્યું હતું. ગ્રીષ્માને કોઈ છોકરો હેરાન કરતો હતો ત્યારે કોઈ મિત્રએ ગ્રીષ્માની ઓળખાણ ફેનિલ સાથે કરાવી હતી. ત્યારે ગ્રીષ્માની મદદ કર્યા બાદ ફેનિલ ગ્રીષ્મા પાછળ પડી ગયો હતો. તેને મેસેજ કરતો હતો કે મારી સાથે ફ્રેન્ડશીપ રાખ નહીં તો હું તારા માત-પિતાને મારી નાંખીશ. ત્યારે ગ્રીષ્માએ મને વાત કરી હતી. ગ્રીષ્મા હિંમતવાળી છોકરી હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે, આ ગુજરાત છે. અહીં કોઈ લફંગાની હિંમત નથી કે કોઈની દીકરી સાથે ગેરવર્તન કરે. ત્યારે ગ્રીષ્માને શું ખબર કે આ ગુજરાતમાં પણ જંગલીઓ રહે છે. મારી દીકરીને મારી નાંખનારના હાથ-પગ કાપી જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. સોસાયટીના રહીશોએ પણ ગ્રીષ્માની હત્યા થઈ તે જ ઠેકાણે ફેનિલને ફાંસી આપવા માંગ કરી હતી.

કોઈએ એક પત્થરો કેમ માર્યો નહીં, સોસાયટીના રહીશો સામે પિતાએ રોષ વ્યક્ત કર્યો
સાવ સુકલકડી જેવો લબરમૂછિયો છોકરો મારી દીકરીનું ગળું ચીરી રહ્યો હતો ત્યારે તમે કોઈએ એક પત્થરો પણ કેમ માર્યો નહીં? તમે પટેલ કહેવાને લાયક નથી, તેવો રોષ આજે ગ્રીષ્માના પિતા નંદલાલે સોસાયટીના રહીશો સામે વ્યક્ત કર્યો હતો. બેટી બચાવોની મોટી વાતો કરનારા પાટીદારો બાયલા થઈ ગયા છે તેવું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગ્રીષ્મા એક સંસ્કારી દીકરી હતી: પિતા
પિતા નંદલાલે કહ્યું કે, ગ્રીષ્મા ખૂબ સંસ્કારી હતી. તે કહેતી કે પપ્પા તમને નીચું જોવાનું થાય તેવું કોઈ કામ ક્યારેય નહીં કરું. તે મોબાઈલ લોક રાખતી નહોતી. અમારી સામે જ સહેલીઓ સાથે વાત કરતી હતી. હું આફ્રિકા ગયો ત્યારે રડી રડીને કહેતી કે પપ્પા નહીં જાવ. પણ હું દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે કમાવા ગયો હતો. મને શું ખબર કે હું મારી દીકરીને હવે ક્યારેય જોઈ નહીં શકું? જો મને ખબર હોત તો હું મારી દીકરીને છોડીને ક્યારેય ગયો નહોત.

ગ્રીષ્માના ભાઈ ધ્રુવે કહ્યું, ફેનિલનો આખો પરિવાર ગુનાહિત માનસિકતા ધરાવે છે
ધ્રુવે કહ્યું કે, ફેનિલનો ભાઈ મારી સ્કૂલમાં ભણે છે. તે કેટલાં દિવસથી એમ કહેતો હતો કે મારે ધ્રુવ સાથે ઝઘડો કરવાનો છે. ત્યારે મને કઈ સમજાયું નહોતું. પરંતુ હવે ખ્યાલ આવે છે કે ફેનિલ લાંબો સમયથી મારી બહેનને મારવાનો કારસો રચીને બેઠો છે.

મારી દીકરીનો ફોટો હત્યારા સાથે નહીં છાપો: ગ્રીષ્માના પિતાની મીડિયાને વિનંતી
ગ્રીષ્માની હત્યા થઈ ત્યાર બાદથી ફેનિલ તેના એકતરફી પ્રેમમાં હોવાના સમાચાર છપાઈ રહ્યાં છે. ફેનિલ અને ગ્રીષ્માના સાથે ફોટા છપાઈ રહ્યાં છે. તે અંગે દુ:ખ વ્યક્ત કરતા ગ્રીષ્માના પિતાએ કહ્યું કે, હું મીડિયાને વિનંતી કરું છું કે મહેરબાની કરી મારી દીકરીનો ફોટો તે હત્યારા સાથે નહીં છાપે. મારી દીકરીના મોતને લજવો નહીં. તે એક સંસ્કાર દીકરી હતી. હું કહું છું કે, સરકાર અને પોલીસ હત્યારાને એવી સજા આપે કે ક્યારેય કોઈ લફંગો આવી હરકત કરવાનું વિચારી પણ નહીં શકે.

Most Popular

To Top