SURAT

તપાસના ફુંફાડા બાદ જીપીસીબી પાંડેસરા જીઆઈડીસીની ન્યુ પારસ, ભાગ્યલક્ષ્મી સહિતની મિલો સામે ‘પાણી’માં

સુરત શહેરના પાંડેસરા વિસ્તારને પ્રદુષિત કરનારી જીઆઇડીસીની ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી મિલ સામે જીપીસીબીએ તપાસનું નાટક હજી પુરૂ કર્યું નથી. આ બે મિલ સામેના રિપોર્ટનું રહસ્ય હજીય અકબંધ હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં ઠેરઠેર બોઇલરમાં બળતણ તરીકે ચિંધી અને પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ થઇ રહ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં રોજ સવારે અને સાંજના સમયે ધૂમાડાના પગલે આસપાસના લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે.જીપીસીબીએ વીસેક દિવસ પહેલા પાંડેસરા જીઆઇડીસીની પારસ મિલ, ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી મિલમાં તપાસ કરી હતી. આ તપાસમાં એર કવોલીટી સહિત મિલમાંથી નીકળતા દુષિત પાણી અને બળતણના વપરાશ અંગે તપાસ કરાઇ હતી.

આ તપાસ થયાને લાંબા સમય થયો પરંતુ હજી સુધી આ મિલ સામે કોઇ પગલા ભરાયા નથી. જીપીસીબીમાં પ્રમાણિક છાપ ધરાવતા પ્રાદેશિક અધિકારી પરાગ દવેના રાજમાં આ સ્થિતિ ઘણી ગંભીર લેખાઇ રહી છે કેમકે સામાન્ય રીતે જીપીસીબીની ટીમ સ્થળ તપાસ બાદ અહેવાલ સબમીટ કરે કે ગણતરીના દિવસોમાં જે તે એકમો સામે કલોઝર સહિતના પગલા ભરવા હેડ ઓફિસેથી ઓર્ડર આવી જાય છે. પરંતુ પાંડેસરા જીઆઇડીસીની ન્યુ પારસ પ્રિન્ટ , પારસ મિલ અને ભાગ્યલક્ષમી મિલ સામે કોઇ પગલા ભરાયા નથી.

સામાન્ય વગ વગરના માણસોની મિલ હોત તો આવી મિલને કયારનું કલોઝર આવી ગયું હોત. પરંતુ કહેવાય છે કે જીપીસીબીના કેટલાંક હપ્તાબાજ કર્મચારીઓની ટોળકી અને હેડઓફિસના ભારે સેટિંગને કારણે આ મિલનો રિપોટ દબાવી રખાયો છે. આ મિલો સામે આસપાસના લોકોએ અવારનવાર રાવ કરી હતી. પરંતુ જીપીસીબીની ટીમ એકલદોકલ તપાસ કરી નાટક કરી નીકળી જતી હતી. જેને પગલે પાંડેસરા જીઆઇડીસીમાં ઠેરઠેર પ્રદુષણ ઓકતી મિલોની ભરમાર થઇ ગઇ છે.

બબલુ અને કાલુએ ડુંગર ખડકાય તેટલા ઉંચા ચિંધીના પહાડો બનાવી સ્ટોક કરી રાખ્યો

પાંડેસરા જીઆઇડીસી અને સચીન જીઆઇડીસી વિસ્તારની મિલોને કાપડ વેસ્ટની ચિંધી અને પ્લાસ્ટિક વેસ્ટ પહોંચાડતા બબલુ અને કાલુએ ડાંઇગ એકમોમાં ધૂમ મચાવી છે. બબલુ અને કાલુ સીધા મિલો સાથે સંપર્ક કરી ચિંધી સપ્લાય કરે છે. કહેવાય છે કે પાંડેસરા જીઆઇડીસીની 85 જેટલી મિલોમાં ચિંધીનો વપરાશ થાય છેે તે માટે મિલના કોન્ટ્રાકટર સાથે સીધા ચિંધીના વેપારીઓ કોન્ટેક્ટ કરી ટેમ્પા ભરીને ઠાલવે છે.

શહેરના સચીન જીઆઇડીસી સહિત પાંડેસરા વિસ્તારમાં આ બે મહાશયોએ ચિંધીનો સ્ટોક કરી રાખ્યો છે. ઉંચા પહાડ ખડકાઇ જાય તેટલો સ્ટોક ચિંધી બબલુ અને કાલુ પાસે છે. પાંડેસરા જીઆઇડીસીમાં બબલુ અને કાલુ સહિત દસકે વેપારી છે. જે આખા શહેરભરમાં પ્રદુષણ ફેલાવવામાં વિલનની ભૂમિકામાં છે. જીપીસીબી પાસે આ ચિંધીના વેપારીઓ અને મિલ માલિકોની યાદી છે. પરંતુ ચોકકસ કારણોસર તેઓ પગલા ભરતા ખચકાઇ રહયા છે.

જીપીસીબીમાં પ્રમાણિક છાપ ધરાવતા પરાગ દવે ફોન ઉપર વાત કરવામાં ગલ્લાતલ્લા કરે છે

શહેરના પાંડેસરા જીઆઇડીસીની પારસ ડાંઇગ સહિત ન્યુ પારસ પ્રિન્ટ અને ભાગ્યલક્ષ્મી મિલ સામે તપાસનો રિપોટ આપવામાં જીપીસીબીના અધિકારી પરાગ દવે ગલ્લાતલ્લા કરે છે. પરાગ દવેએ ગયા સપ્તાહમાં આવી મિલો સામે કડક પગલા ભરવાના ફુંફાડો માર્યો હતો. પરંતુ આજે સવારથી કમસેકમ દસેક વખત તેમને કોલ કરાયા હતા. પરંતુ તેમણે કોલ રિસિવ કર્યો નથી. તેમને પણ આ મિલો અંગેની માહિતી આપવામાં ડર લાગી રહ્યો છે તેવું ફલિત થઈ રહ્યું છે. કેમ કે જીપીસીબીમાં પ્રમાણિક અને બાહોશ અધિકારીની છાપ ધરાવતા પરાગ દવેએ જે રીતે બિહેવ કરી રહ્યા છે તે ઘણું સૂચક લેખાઇ રહ્યું છે

Most Popular

To Top