Dakshin Gujarat Main

ઉમરગામમાં ૧૦ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ: નીચાણવાળા વિસ્તારો જળબંબોળ

ઉમરગામ તાલુકામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ૧૦ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી જેને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. કલેક્ટરે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. પાછલા એક મહિનાથી વરસાદ હાથ તાળી આપી રહ્યો હતો, જેથી અસહ્ય ગરમીથી લોકો પરેશાન હતાં, ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ કાન્હાના આગમન જન્માષ્ટમી પર્વની સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મંગળવારે ગાજવીજ સાથે મળસ્કેના ચાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ધોધમાર ૩૦૧ મી.મી એટલે કે ૧૨ ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો.

જો કે, ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉમરગામ શહેરના મુખ્ય માર્ગો પર ગોકુલધામ બેલા ફાર્મ, ઉમરગામ દેહરી બ્રહ્મદેવ મંદિરની સામે કોસ્ટલ હાઇવે ઉપર, ઉમરગામ જીઆઈડીસી વિસ્તારના માર્ગો ઉપર અને સોળસુંબા જૈન મંદિરની સામેના વિસ્તારમાં જળબંબાકાર થઈ જતાં વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી હતી

સોળસુંબાની અનેક દુકાનોમાં પણ પાણી ભરાઇ જતાં વેપારીઓને ભારે હાલાકી

સોળસુંબા વિસ્તારની કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેથી વેપારીઓ હાલાકીમાં મુકાઈ ગયા હતા ઉમરગામ-તલાસરી વચ્ચે ઝરી ખાડીનો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો એક બાજુ ઉમરગામ-સોળસુંબા પૂર્વ અને પશ્ચિમને જોડતો એલ.સી. ગેટ ફાટક નંબર ૬૬ ઓવરબ્રિજની કામગીરીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ છે બીજી બાજુ સોળસુંબા કોડીવાડ રેલવે એલ.સી. ગેટ નંબર ૬૭ પણ મરામતના કામે બંધ કરવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ભીલાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.

Most Popular

To Top