SURAT

પ્રજાની જનતા રેડ: કતારગામમાં બારોબાર અનાજ સગેવગે કરનાર દુકાનદારને લોકોએ ઉઘાડો પાડ્યો

સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ કરનારા દુકાનદાર સામે જનતારેડ કરાઇ હતી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગોબાચારી ચાલતી હતી. કતારગામ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો સમયસર નહીં ખોલવા સહિત અનાજનો જથ્થો પણ પૂરતો નહીં અપાતો હોવાની ફરિયાદો ઊઠી હતી. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

દરમિયાન શનિવારે સવારે કતારગામ ઝોનમાં આવેલી સસ્તા અનાજની દુકાન નં. કે-40માં જનતા રેડ થઇ હતી. આ દુકાનના માલિક બાબુ નાગર પટેલ સરકારી અનાજ સગેવેગ કરતો હોવાની ગંધ આવી હતી. સ્થાનિક લોકોએ વોચ ગોઠવી ટેમ્પો-અનાજ સગેવગે કરતી વખતે દુકાનદારને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકો અને આપના નેતાઓએ સ્થળ ઉપર દોડી જઇ પુરવઠા વિભાગને માહિતી આપી હતી. જેના પગલે પુરવઠા વિભાગની ટીમે સ્થળ ઉપર જઇ 77 કટ્ટા ઘઉં, 18 કટ્ટા ચોખા તેમજ 405 લીટર તેલ સહિત 31 કિલો દાળ કબજે કરી આશરે 48 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રેઈડને પગલે દુકાનદારને છાતીમાં દુખાવો ઉપડ્યો

કતારગામ ઝોનની આ દુકાનમાં મોટા પાયે સરકારી અનાજ સગેવગે કરાતી હોવાની રાવ બાદ જનતા રેડ બાદ તમાશો થતાં દુકાનદારેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સ્થાનિક લોકોના હાથે ચઢતાં પહેલાં દુકાનદાર 108 એમ્બ્યુલન્સ મારફત સીધો હોસ્પિટલ ભેગો થઇ ગયો હતો. જો કે, આ દુકાનદાર સામે હવે કલેક્ટર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. કેમ કે, આ દુકાનદાર સસ્તા અનાજની દુકાનોના સંગઠનનો પ્રમુખ છે. જેના પગલે દિવસ દરમિયાન સસ્તા અનાજની દુકાનોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જો કે, પુરવઠા વિભાગ આ મામલે ફોજદારી કરે છે કે નહીં એ જોવું રહ્યું. કેમ કે, ભૂતકાળમાં આવી અનેક દુકાનોમાં ફરિયાદ બાદ પુરવઠા વિભાગે દેખાડા ખાતર પગલાં ભરી હળવી સજા કરી દુકાનદારોને જલસા કરાવી દીધા હતા.

Most Popular

To Top