SURAT

બેશરમ શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થીનું સ્કર્ટ ઊંચું કર્યું, કોર્ટે 5 વર્ષ જેલમાં પૂરવા આદેશ કર્યો

સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવા હેતુસર શિક્ષકને તકસીરવાર ઠેરવ્યો હતો અને બીજો કોઇ શિક્ષક આવો ગુનો કરતાં અચકાઇ તેવો હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાની છેડતી કરનાર શિક્ષકને પાંચ વર્ષની કેદની સજા તેમજ 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ભાઠેના વિસ્તારમાં રહેતી 11 વર્ષની સગીરા પાંચમાં ધોરણમાં પ્રવેશી હતી. તેની માતાએ સગીરાને સ્કૂલમાં પાઠ્યપુસ્તકો લઇ જવા માટે જણાવ્યું હતું. પરંતુ સગીરાએ માતાને ના પાડી દીધી હતી અને કહ્યું કે, મારે હવે સ્કૂલમાં જવું નથી અને મારે ભણવું જ નથી. માતાએ પૂછ્યું, પરંતુ સગીરાએ કોઇ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ ફરીવાર માતાએ કડકાઇથી પૂછતા સગીરા રડવા લાગી હતી અને માતાને કહ્યું કે, અમારી સ્કૂલની જીતુ સર અમને છેડે છે, અમારા શરીરે હાથ ફેરવે છે. મારી ગુજરાતીની વાર્ષિક પરીક્ષાના દિવસે જીતુ સરે ચેકિંગ કરવાના બહાને સગીરાના શર્ટનાં બટન ખોલી છાતી ઉપર હાથ ફેરવી અડપલાં કર્યાં હતાં.

પરીક્ષાના છેલ્લા દિવસે પણ આ શિક્ષકે મારું સ્કર્ટ ઉતારી શર્ટનાં બટન ખોલી છેડતી કરી હતી. પુત્રીની વાત સાંભળી માતા ચોંકી ઊઠી હતી. તેમણે પરિવારને જાણ કરી મૂળ મહેસાણાના વિસનગરના જેતલવાસણના વતની અને સુરતમાં અડાજણના પાલનપુર જકાતનાકા પાસે મનોજનગર સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર વિષ્ણુ લીંબાચીયાની સામે સલાબતપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી જિતેન્દ્રની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કિશોર રેવલીયાએ દલીલો કરી હતી અને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી શિક્ષકને પાંચ વર્ષની સખત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકરતો હુકમ કર્યો હતો.

સગીરાએ બહેનપણી સાથે મહિલા શિક્ષકને જાણ કરી આચાર્યને ફરિયાદ કરી હતી

સગીરાની છેલ્લી પરીક્ષા પૂરી થઇ ત્યારે સગીરા અને તેની બહેનપણીએ એક કાગળમાં સમગ્ર ઘટના લખીને સ્કૂલનાં અન્ય મહિલા શિક્ષકને જાણ કરી હતી. ત્યારબાદ આચાર્યને ફરિયાદ કરવામાં આવી હતી. સગીરાનાં માતા-પિતા સ્કૂલમાં શિક્ષકને સામે ફરિયાદ કરવા માટે આવ્યા ત્યારે શિક્ષક જિતેન્દ્રએ માફી માંગી હતી. આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયું હતું અને ત્યાં સામાજિક કાર્યકર પણ આવી ગયા હતા. આ બાબતે પોલીસ કંટ્રોલમાં ફોન કરી દેવામાં આવતાં સલાબતપુરા પોલીસ પણ આવી પહોંચી હતી.

Most Popular

To Top