National

નાના જ્વેલર્સને હોલમાર્કિંગમાંથી છૂટની મર્યાદા 40 લાખથી વધારી 1 કરોડ કરવા માંગ

સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ સુધી હોય તેમને હોલમાર્કિંગની (HALLMARK) પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે. પરંતુ સોનાના ભાવો જે રીતે વધી રહ્યાં છે તે જોતા કોઈપણ નાના જવેલર્સનું (JEWELERS) ટર્નઓવર 1 કરોડ સુધી થતું હોય છે તે જોતા અખિલ ભારતીય સોની સમાજે 1 કરોડ સુધીના ટર્નઓવર સુધી હોલમાર્કિંગ માંથી મુક્તિ મળવી જોઈએ તેવી માંગ કરી છે. તે ઉપરાંત શહેરોથી દૂર આવેલા ગ્રામિણ અને અંતરીયાળ વિસ્તારના નાના જવેલર્સને હોલમાર્કિંગ સેન્ટરના નેટવર્ક સુધી પહોંચતા હજી ઘણો સમય નીકળી જશે. ગામડાઓમાંથી શહેરોમાં દાગીના લઈ હોલમાર્કિંગ માટે મોકલવામાં પણ જોખમ રહે છે. તે જોતા ગ્રાહકોએ પોતે સોનું ખરીદીને તૈયાર કરાવેલા દાગીના પર પોતે હોલમાર્કિંગ કરાવી શકે તેવી છૂટ પણ સરકારે આપવી જોઈએ.

  • અખિલ ભારતીય સોની સમાજ દ્વારા 1 કરોડ સુધીના ટર્નઓવર સુધી હોલમાર્કિંગમાંથી મુક્તિની માંગ
  • ગામડાઓમાંથી શહેરોમાં દાગીના લઈ હોલમાર્કિંગ માટે મોકલવામાં પણ જોખમ
  • સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ સમક્ષ રજૂઆત કરાઈ
પ્રતીકાત્મક તસ્વીર.

ભારતીય સોની સમાજના કાર્યાધ્યક્ષ ભરતભાઇ લાઠીએ પિયુષ ગોયેલને રજૂઆત કરતા કહ્યું હતું કે હોલમાર્કિંગને લઈ જવેલર્સની એક દિવસીય પ્રતિક હડતાળ પછી થયેલા સમાધાનમાં એક શરત એ હતી કે હોલમાર્કિંગ સેન્ટર પર નાના જવેલર્સના 10 જેટલા આર્ટિકલ પર રોટેશન મુજબ પ્રાથમિકતા આપીને હોલમાર્કિંગ કરી આપવામાં આવશે. તે અંગેનું નોટિફિકેશન હજી પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી તેથી હોલમાર્કિંગ સેન્ટર પર નાના ઝવેરીઓના ગણતરીના આર્ટિકલ્સ પર હોલમાર્કિંગ કરી આપવામાં આવતું નથી. પિયુષ ગોયેલે આ મામલે ઝડપથી નોટિફિકેશન જારી કરવાની ખાતરી આપી હતી.

તે ઉપરાંત એસોસિએશનની રજુઆત એ પણ હતી કે, નાના જવેલર્સને હસ્ત શિલ્પકારને આપવામાં આવતી હોલમાર્કિંગ જેવી સુવિધા આપવામાં આવે. અત્યારે હસ્ત શિલ્પકાર પોતે તૈયાર કરેલા આર્ટિકલને આર્ટિઝન નંબર થકી હોલમાર્કિંગ કરી શકે છે, એવી જ રીતે શહેરોથી દૂર વેપાર કરતા ગ્રામિણ વિસ્તારમાં કાર્યરત નાના જવેલર્સને પણ જાતે હોલ માર્કિંગ કરવાની છૂટ મળવી જોઈએ. શહેરોમાં ઘણા પરિવારોમાં એવી પરંપરા છે કે બજારમાંથી સોનું ખરીદીને તેમના પરંપરાગત ઝવેરીઓ પાસે તેઓ દાગીનાઓ બનાવતા હોય છે.અહીં પણ હોલમાર્કિંગનો પ્રશ્ન ઉભો થતો હોય છે.કારણ કે દાગીના બનાવનાર કારીગર હોલમાર્કિંગ કરાવી શકતો નથી, તેથી આવા પરિવારોને પણ પોતાના દાગીના હોલમાર્કિંગ કરાવી શકે તેવી છૂટ મળવી જોઇએ.

Most Popular

To Top