Gujarat

સુરતના નાસીરનગર તોડકાંડમાં PMOની એન્ટ્રી

બિલ્ડરો, અધિકારીઓ અને પોલીસની સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે હાઈ લેવલ તપાસ તેજ:નાસીરનગર તોડકાંડ હવે સ્થાનિક વિવાદમાંથી રાષ્ટ્રીય સ્તરના મુદ્દામાં ફેરવાયો

સુરતના વેડ રોડ-નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ તોડકાંડનો મામલો હવે સીધો વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલો આ વિવાદ હવે ગુજરાતના વહીવટી તંત્ર, તેમજ સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને બિલ્ડર લોબીની સંભવિત ભૂમિકાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ PMO દ્વારા સમગ્ર ઘટનાની વિગતો મંગાવવામાં આવી છે અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરે તપાસની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

નાસીરનગરમાં થયેલા તોડકાંડ બાદ સ્થાનિક રહેવાસીઓ, સામાજિક કાર્યકરો અને વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના મકાનોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પાછળ ખાનગી બિલ્ડરોના હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

શું છે સમગ્ર નાસીરનગર તોડકાંડ?
વેડ રોડ નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનો અને ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ તોડકામ પહેલાં યોગ્ય નોટિસ આપવામાં આવી નહોતી અને રહેવાસીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નહોતી. આ ઘટનાએ સમગ્ર સુરતમાં ભારે ચર્ચા જગાવી હતી. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા હતા અને અચાનક થયેલી કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બન્યા છે.

કરોડો રૂપિયાના પ્રોજેક્ટ સાથે જોડાણ હોવાના આક્ષેપ
સ્થાનિક કાર્યકરો અને કેટલાક રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અનુસાર વિવાદિત જમીન નજીક એક ભવ્ય અને કરોડો રૂપિયાના મૂલ્યનો લક્ઝરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે.વિરોધીઓનો દાવો છે કે આ પ્રોજેક્ટને કાયદાકીય મંજૂરી મેળવવા માટે સરળ અને સીધો માર્ગ ઉપલબ્ધ કરાવવા નાસીરનગર વિસ્તારમાં આવેલા મકાનો દૂર કરવામાં આવ્યા હોઈ શકે છે. જોકે આ દાવાઓને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.તેમ છતાં આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો જાહેર હિત માટે કાર્યવાહી કરવામાં આવી હોય તો પછી માત્ર ચોક્કસ વિસ્તારને જ કેમ નિશાન બનાવવામાં આવ્યો?

બિલ્ડરો, મનપા અધિકારીઓ અને પોલીસની ભૂમિકા પર પ્રશ્નો
મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે કેટલાક સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા બિલ્ડરો, તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંભવિત સાંઠગાંઠના આક્ષેપો કરવામાં આવ્યા.તેમનું કહેવું છે કે જો આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય હતી તો પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં આટલી ઝડપથી તોડકામ કેમ કરવામાં આવ્યું? શું તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું? શું અસરગ્રસ્ત લોકોને પૂરતી નોટિસ આપવામાં આવી હતી? આવા અનેક પ્રશ્નો હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે.હાલ સુધી કોઈ પણ સરકારી એજન્સીએ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ તપાસ શરૂ થતાં સમગ્ર વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે.

PMO દ્વારા વિગતો માંગવામાં આવી
અહેવાલો અનુસાર સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ મામલાની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.સૂત્રોનું માનવું છે કે કેન્દ્ર સરકાર પણ જાણવા માંગે છે કે તોડકામ દરમિયાન તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.PMOની રસદારી બાદ રાજ્યના વહીવટી તંત્રમાં પણ ચિંતા અને સતર્કતા જોવા મળી રહી છે. કારણ કે હવે મામલો માત્ર સ્થાનિક કે રાજ્ય સ્તરનો રહ્યો નથી.

વિરોધ પક્ષે સ્વતંત્ર તપાસની માંગ કરી
વિરોધ પક્ષના નેતાઓએ આ સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.તેમણે જણાવ્યું છે કે જો જાહેર સત્તાનો ઉપયોગ ખાનગી હિતોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે,”જો ગરીબ લોકોના ઘરોને ખાનગી પ્રોજેક્ટ માટે તોડવામાં આવ્યા હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ.”

પોલીસ અધિકારીઓની ભૂમિકાને લઈને પણ સવાલ
તોડકામ દરમિયાન કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર હોવાનું સામે આવ્યું છે.આ કારણે હવે સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસની ભૂમિકા માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી કે પછી તેઓ નિર્ણય પ્રક્રિયાનો પણ ભાગ હતા,જો કે તપાસ દરમિયાન આ મુદ્દો પણ મહત્વનો બની શકે છે. કારણ કે ઘટનાના અનેક ફોટોગ્રાફ્સ અને વિડિઓઝમાં પોલીસ અધિકારીઓ તોડકામ સ્થળે હાજર જોવા મળ્યા હતા.

સુરત મનપાએ રચી 6 સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ
વધતા વિવાદ અને જાહેર દબાણ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ સમગ્ર ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.આ સમિતિને નીચેના મુદ્દાઓની તપાસ સોંપવામાં આવી છે: તોડકામ માટે મંજૂરી કોણે આપી? કયા અધિકારીઓ પ્રક્રિયામાં સામેલ હતા? કયા કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી? એટલુજ નહિ અસરગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી કે નહીં? સાથે જ મહત્વ નું છે કે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા શું હતી? સમિતિએ સેન્ટ્રલ ઝોનના ચીફ અધિકારી આશિષ નાયક પાસેથી 16 જૂન સુધી વિગતવાર અહેવાલ માંગ્યો હોવાનું જાણવા મળે છે.

મ્યુનિસિપલ કમિશનરની દિલ્હી મુલાકાતે વધારી અટકળો
આ સમગ્ર વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની દિલ્હી મુલાકાતને લઈને પણ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.જોકે સરકાર અથવા મનપા તરફથી સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું નથી કે તેમની મુલાકાતનો સીધો સંબંધ નાસીરનગર તોડકાંડ સાથે છે, છતાં રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.

અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળશે?
નાસીરનગરના અનેક પરિવારો હજુ પણ પોતાના ઘરો ગુમાવવાના આઘાતમાંથી બહાર આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેમને માત્ર વહીવટી કાર્યવાહીનો ભોગ બનાવવામાં આવ્યા છે.તેઓ માંગ કરી રહ્યા છે કે:
સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે,જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય સાથે જ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે, તેમજ પુનર્વસન માટે સ્પષ્ટ યોજના જાહેર કરવામાં આવે.

સમગ્ર રાજ્યની નજર હવે તપાસ અહેવાલ પર
નાસીરનગર તોડકાંડ હવે માત્ર સુરતનો સ્થાનિક મુદ્દો રહ્યો નથી. PMO સુધી મામલો પહોંચતા હવે સમગ્ર ગુજરાતની નજર તપાસ સમિતિના અહેવાલ અને આગામી કાર્યવાહીઓ પર ટકેલી છે. તપાસમાં બિલ્ડર લોબી, મનપા અધિકારીઓ અથવા પોલીસ અધિકારીઓની કોઈ ગેરરીતિ સામે આવશે તો આ કેસ રાજ્યના સૌથી મોટા વહીવટી અને રાજકીય વિવાદોમાંનો એક બની શકે છે. બીજી તરફ જો તમામ કાર્યવાહી કાયદાકીય રીતે યોગ્ય સાબિત થશે તો મનપા અને વહીવટી તંત્રને રાહત મળી શકે છે.

હાલ માટે એક જ સવાલ સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે ,નાસીરનગરમાં ખરેખર કાયદાનું પાલન થયું હતું કે પછી કોઈ મોટા હિત માટે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું? તેની સચોટ હકીકત હવે ઉચ્ચસ્તરીય તપાસ બાદ જ સામે આવશે.

Most Popular

To Top