SURAT

સુરતમાં બપોર પહેલા એકલ-દોકલ મૂર્તિઓનું વિસર્જન, 1 વાગ્યા બાદ ભાગળ પર ગણેશ વિસર્જન યાત્રા જામી

સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ જામ્યો ન હતો. બીજી તરફ બપોરે 3 વાગ્યા સુધી ચોકબજાર ચાર રસ્તાનો વિસ્તાર સુનસાન ભાસતો હતો. ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visarjan Yatra) દરમ્યાન મુખ્યમાર્ગ પર ભાગળ (Bhagal) ચાર રસ્તા પર સૌથી વધુ ધૂમ હોય છે. પરંતુ રવિવારે બપોરે 1 વાગ્યા સુધી આ વિસ્તાર સુનસાન હતો. બપોરે એક વાગ્યા બાદ અહીં ગણપતિ લઈ જતા ભક્તોની થોડી ભીડ દેખાઈ હતી. બીજી તરફ શહેરના અન્ય વિસ્તારો જેવા કે રિંગરોડ, અડાજણ, ડિંડોલી, કતારગામમાં પણ બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો રંગ દેખાયો હતો.

ભાગળ ચાર રસ્તા
બપોરે 2 વાગ્યા સુધી સુનસાન દેખાતો ચોકબજાર વિસ્તાર

સૌથી વધુ વિસર્જન વરાછા વિસ્તારમાં, બપોરે 4 સુધીમાં 22065 મૂર્તિનું વિસર્જન કરાયું
સવારે ધીમી ગતિએ શરૂ થયેલા વિસર્જનની પ્રક્રિયાએ બપોરે 12 વાગ્યા બાદ જોર પકડ્યું હતું. સૌથી વધુ વરાછા વિસ્તારમાં મૂર્તિ વિસર્જિત કરાઈ હતી. અહીંના હરેક્રિષ્ણા ઓવારા પર 3 વાગ્યા સુધીમાં શહેરમાં સૌથી વધુ 2266 સહિત મળી સમગ્ર વરાછા ઝોનમાં કુલ 3393 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ત્યાર બાદ ઉધના ઝોનમાં 3298, કતારગામ ઝોનમાં 3195 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં 484 મૂર્તિનું વિસર્જન રહ્યું છે.

કતારગામ
ભાગળ ચાર રસ્તા

પોલીસનો ચાંપતો બંદોબસ્ત

વિસર્જન યાત્રાને લઈ સુરત શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત દેખાયો હતો. પોલીસે સવારથી જ રાજમાર્ગની તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ રાજમાર્ગ પર પોલીસની વિવિધ ટુકડીઓ, રાયટ કંટ્રોલ ટીમ ઉપરાંત એસઆરપીની પણ બટાલિયન ખડકી દેવાઈ હતી.

લાલગેટ ચાર રસ્તા
વરાછા

મોટાભાગના લોકોએ મોહલ્લા અને ઘરમાં કર્યું વિસર્જન

કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. જોકે આ વખતે વિસર્જન યાત્રા 25 ટકા જ દેખાઈ હતી. મોટાભાગના લોકોએ ઘર પાસે જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું. બપોરે 1 વાગ્યા બાદ ધીમે ધીમે માહોલ જામવા માંડ્યો હતો. મોહલ્લામાં લોકોએ ધૂમધામથી ઢોલ નગારાના તાલે ગણપતિને વિદાય આપી હતી. બીજી તરફ સવારે રાજમાર્ગ, લિંબાયત, રીંગરોડ, વરાછા, પાલ-અડાજણ, વેસૂ રોડ પર ધીમી ગતિએ વિસર્જન યાત્રા નીકળી હતી. બપોરે 4 વાગ્યા સુધીમાં શહેરમાં 22,065 શ્રીજીની પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top