SURAT

સુરતમાં ટોય કાર અને પાલખીમાં નીકળી બાપ્પાની યાત્રા: બપોરે 1 સુધીમાં 10,045 શ્રીજી મૂર્તિનું વિસર્જન

સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા સુરતીઓ આળસ મરડીને મોડા જાગ્યા અને લોચા-ખમણો નાસ્તો કર્યા બાદ બાપ્પાને વિદાય આપવા સજ્જ થયા, જેના પગલે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધીના સમયગાળામાં રસ્તાઓ પર વિસર્જનના સરઘસો ઓછા જોવા મળ્યા. બપોરે 11 વાગ્યા બાદ ધીમે ધીમે માહોલ જામવા માંડ્યો હતો. રાજમાર્ગ, લિંબાયત, રીંગરોડ, વરાછા, પાલ-અડાજણ, વેસૂ રોડ પર ધીમી ગતિએ વિસર્જન યાત્રા નીકળવા માંડી છે. બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં 10,045 શ્રીજીની પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

બેગમપુરાની રાણા શેરીમાં બેટરીથી ચાલતી ટોય કારમાં બાપ્પાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. અહીં ભક્તો ઉત્સાહભેર ગણેશજીની વિસર્જન યાત્રામાં જોડાયા હતા. કોરોનાની ગાઈડલાઈનના લીધે રાજમાર્ગ પર ટ્રક, ડીજે, ઢોલ સહિતના મોટા સરઘસ લઈ નહીં નીકળી શકાય તેમ હોય ભક્તોએ બાપ્પાની યાત્રાને યાદગાર બનાવવા માટે અવનવા પ્રયોગો કર્યા હતા. રાજમાર્ગ પર બેગમપુરા રાણા શેરીના ભક્તોએ ટોય કારમાં બાપ્પાની યાત્રા કાઢી હતી, તો ક્યાંક ટ્રેકટર, પાલખી, કાર અને લારીઓમાં પણ શ્રીજીની પ્રતિમાને ઓવારા સુધી લઈ જતા ભક્તો જોવા મળ્યા હતા.

વિયર કમ કોઝવેના કૃત્રિમ તળાવ પર મોટી પ્રતિમાઓનું ક્રેઈનથી વિસર્જન કરાયું.

ડુમસ-હજીરા દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ: રસ્તા સૂમસામ ભાસ્યા
ડુમસ અને હજીરાના દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ હોવાના લીધે ડુમસમાં ખૂબ જ ઓછી મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી. સૌથી વધુ લિંબાયત ડિંડોલી વિસ્તારમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 5 જ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે વિસર્જનના દિવસે અઠવા, પીપલોદ, ડુમસ રોડ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. વિસર્જન સરઘસના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. મગદલ્લા ચોકડીથી ડુમસ તરફ જવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે આ વર્ષે અઠવા, પીપલોદ પર સામાન્ય વાહનો જ જોવા મળી રહ્યાં છે. એકલદોકલ યાત્રાઓ જોવા મળી રહી છે. ડુમસ એરપોર્ટ રોડ તો સાવ સૂમસામ ભાસી રહ્યો છે. અહીં વિસર્જન માટે વહેલી સવારથી કમર કસીને તૈયાર મજૂરો આરામ કરતા જોવા મળી રહ્યાં છે.

હેરમાં અંદાજે 35 હજાર પ્રતિમાનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન થઈ રહ્યું છે. સવારથી લોકો વિસર્જન ધીમી ગતિએ કરવા માટે જઈ રહ્યા છે. પાલ આરટીઓની બાજુના કૃત્રિમ તળાવમાં સવારે 7થી 10 વાગ્યા દરમિયાન માત્ર 30 મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી. કોરોના મહામારી સાથે ગણપતિ વિસર્જનનું કાર્ય શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. સુરક્ષા બંદોબસ્તના હેતુથી વિસર્જન યાત્રા દરમિયાન શહેરમાં 10 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. ઠેરઠેર રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ​​​​​​​57 સીસીટીવી​​​​​​​ કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે. DCP વિધિ ચૌધરી દ્વારા ડક્કા ઓવરની મુલાકાત લેવામાં આવી હતી.

કોરોનાની ગાઈડલાઈનના લીધે ઘરઆંગણે વિસર્જનનો ટ્રેન્ડ જોવા મળ્યો

કોરોના મહામારીના લીધે બે વર્ષ બાદ ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી રહી છે, પરંતુ કોરોનાની કડક ગાઈડલાઈનના લીધે લોકોએ ઘરઆંગણે જ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાનું પસંદ કર્યું છે. એક અંદાજ અનુસાર શહેરમાં 35 હજાર પૈકી 10 હજાર નાની મૂર્તિઓનું લોકો ઘરઆંગણે જ વિસર્જન કરશે. વેસૂ, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ઘરઆંગણે વાસણ, ડ્રમ સહિતના મોટા પાત્રમાં પાણી ભરી તેમાં ફૂલ, ગુલાલ નાંખી શ્રીજીની મૂર્તિના વિસર્જનનો ટ્રેન ચાલ્યો આવ્યો છે. આ વર્ષે કોરોનાના લીધે આ ટ્રેન્ડ આખાય શહેરમાં ફેલાયો છે.

કતારગામના 5 કૃત્રિમ તળાવમાં બપોરે 1 વાગ્યા સુધીમા 2000 મૂર્તિનું વિસર્જન

કતારગામ, સિંગણપોર, વરાછાના વિસ્તારોમાં ખૂબ જ શાંતિપૂર્વક રીતે વિસર્જન યાત્રા નીકળી હતી. અહીંના પાંચ કૃત્રિમ તળાવમાં સવારથી જ લોકો બાપ્પાને વિદાય આપવા પહોંચી ગયા હતા. બપોરે 1 વાગ્યા સુધીમાં અહીંના 5 કૃત્રિમ તળાવમાં 2000 પ્રતિમાનું વિસર્જન કરી દેવાયું હતું.

ઉતરાણ-મોટા વરાછાના કૃત્રિમ તળાવ પર ભક્તોનો કોરોના ટેસ્ટ કરાયો

કોરોના મહામારી વચ્ચે ગણેશજીની વિસર્જન યાત્રામાં ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે, ત્યારે કોરોનાનો રોગ વકરે નહીં તેની તકેદારી પણ તંત્ર રાખી રહ્યું છે. શહેરના ઉતરાણ અને મોટા વરાછાના કૃત્રિમ તળાવ પર મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કૃત્રિમ તળાવમાં સેવા આપનારા કાર્યકરો ઉપરાંત ભક્તોના સતત કોરોનાના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

મેયરે ડક્કા ઓવરામાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું, મ્યુ.કમિશનરે હજીરા પર વ્યવસ્થાનું અવલોકન કર્યું
ગણેશ પ્રતિમાના વિસર્જનના કાર્ય વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ હજીરાના ઓવરા ખાતે જઈ સ્થિતિનું અવલોકન કર્યું હતું. કમિશનરે ફરજ પરના અધિકારીઓને વ્યવસ્થા જાળવી રાખવા કેટલાંક મહત્ત્વના સૂચના કર્યા હતા. આ તરફ મેયર હેમાલી બોઘાવાલાએ ડક્કા ઓવારા પર પરિવાર સહિત જઈ ગણપતિની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું. મુકેશ દલાલ અને કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલાએ પાલ RTO ઓવારા ખાતે સવારે 10 કલાકે લંબોદરની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

બપોરે 1 વાગ્યા સુધી 10,045 મૂર્તિનું વિસર્જન કરાયું

  • ડુમસ 5
  • વીઆઈપી રોડ 629
  • ડક્કા ઓવરા 246
  • હરેક્રિષ્ણા 1235
  • વીટી સર્કલ 429
  • મોટા વરાછા 225
  • ડીંડોલી 2977
  • ભેસ્તાન 775
  • સબજેલ 821
  • સચીન 291
  • પાલ RTO 210
  • જહાંગીરપુરા 112
  • રામજી ઓવરા 136
  • કોસાડ 371
  • કોઝવે 1059
  • ડભોલી 90
  • ઉત્રાણ 168
  • લંકાવિજય 266
  • કુલ 10,045

Most Popular

To Top