Columns

નારદજીનાં પ્રશ્નોના ભગવાનના જવાબ!

એક દિવસ ફરતાં ફરતાં નારદજી દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે ગયા.ભગવાન કૃષ્ણ ,મહારાણી રુકમણી અને અન્ય રાણીઓ સાથે ઝૂલા પર ઝૂલતા ઝૂલતા અલકમલકની વાતો કરી રહ્યા હતા.રાણી રુક્મણીએ દેવર્ષિ નારદનું સ્વાગત કર્યું અને ભગવાને તેમને પધારવાનું પ્રયોજન પૂછ્યું. નારદજી નમન કરી બોલ્યા, ‘પ્રભુ,નારાયણ નારાયણ …મારી મૂંઝવણ લઈને તમારી પાસે આવ્યો છું.મારા મનમાં ઘણા સમયથી થોડા પ્રશ્નો છે અને મને તેનો કોઈ સચોટ જવાબ જડતો નથી તેથી તે પ્રશ્નો આજે મારે તમને પૂછવા છે આજ્ઞા હોય તો પૂછું?’

કૃષ્ણે પોતાનું ચિરપરિચિત સ્મિત આપ્યું અને કહ્યું, ‘પૂછો દેવર્ષિ ,ક્યા પ્રશ્નો છે મનમાં …આપને થોડી ના પાડી શકાશે ..પૂછો મને આવડશે એવા જવાબ આપીશ.’નારદજી હસ્યા.પ્રભુની પાસે ગયા અને વંદન કરી પૂછ્યું, ‘પ્રભુ, મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં જળથી પાતળું શું છે?’ ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, ‘જળ જીવન છે અને જળથી પાતળું જ્ઞાન છે, જે જીવનનો આધાર છે.જેટલું જ્ઞાન મેળવો એટલું ઓછું છે.જેટલું ઈચ્છો એટલું જ્ઞાન તમે તમારા મગજમાં સમાવી શકો છો.’

નારદજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ,ભૂમિથી ભારે કોણ છે?’ ભગવાન કૃષ્ણે કહ્યું, ‘ભૂમિ સૌથી ભારે છે. તે સમગ્ર સૃષ્ટિનો; દરેક જીવનો ભાર ઉપાડે છે.પણ એથી પણ ભારે છે પાપ.પાપનો બોજ ઉપાડી શકાતો નથી.પાપના બોજા હેઠળ જીવવું દુષ્કર બની જાય છે.’ નારદજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘ભગવન, અગ્નિ પ્રખર અને તેજ છે, જે બધું બાળીને ભસ્મ કરે છે અને સંયમિત અવસ્થામાં પ્રકાશ આપે છે અને ઉપયોગી છે તો મને કહો કે અગ્નિથી વધુ તેજ અને પ્રખર કોણ છે?’ ભગવાન કૃષ્ણે કહ્યું, ‘અગ્નિ પોતાના તેજ અને ગરમીથી અન્યને બાળે છે જયારે અગ્નિથી પ્રખર ક્રોધ છે, કારણ ક્રોધ પોતાની જાતને બાળે છે.અન્ય કરતાં ક્રોધ કરનારને વધુ નુકસાન થાય છે. તેના મન અને મગજની શાંતિ હણાઈ જાય છે.’

નારદજીએ આગળ પૂછ્યું, ‘પ્રભુ, કાજળથી પણ વધુ કાળું કોણ છે?’ ભગવાન કૃષ્ણ ઝૂલા પરથી ઊભા થયા અને હસતાં હસતાં બોલ્યા, ‘કાળો તો હું પણ છું અને કાળું કાજળ પણ છે પણ કાજળથી પણ વધુ કાળું કલંક છે.કાજળની કાળાશ તો રોજ ધોઈ શકાય છે, પણ એક વાર બદનામીની કાળાશ લાગી જાય તો તે કયારેય ધોઈને દૂર કરી શકાતી નથી.’ જવાબો સાંભળી નારદજીએ કહ્યું, ‘પ્રભુ; તમે મારા મનનું સમાધાન થાય તેવા ઉત્તર આપ્યા. આભાર. નારાયણ નારયણ. હવે હું વિદાય લઉં છું.’

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top