Business

કોરોના વેક્સિનની અછત લોકડાઉનને નોતરશે, જે શેરબજાર માટે માઠા સમાચાર બની રહેશે

ભારતીય શેરબજાર ( stock market) માં વિતેલા સપ્તાહમાં શેરબજારમાં એપ્રિલ સીરિઝના અંતિમ સપ્તાહમાં પોઝિટિવ ( positive) સંકેતો જોવા મળ્યા હતા, જેનાથી ખુશ થવા જેવું નથી, કેમ કે સીરિઝના અંતમાં શોર્ટ કવરીંગના લીધે બાઉન્સ બેક જોવાયું હતું અને તેના લીધે શેરબજાર પોઝિટિવ રહ્યું હતુ, પરંતુ મે સીરિઝની શરૂઆત ભારે કડાકા સાથે લાલ નિશાન સાથે જોવા મળી છે. જે દર્શાવે છે કે, રોકાણકારો દેશમાં વધી રહેલા કોરોનાના કેસો ( corona cases) થી ચિંતિત છે.

ભારત દેશમાં ચાર લાખથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે અને તે ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યા છે. જે આગામી સપ્તાહ વચ્ચે પાંચ લાખને આંબી જાય તો નવાઇ નહિં. જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને જોતાં આવનારા દિવસોમાં દેશમાં ફરીથી લોકડાઉન ( lock down) થવાની હલચલ જોવા મળી રહી છે. જો લોકડાઉન થશે તો ગત માર્ચ મહિનામાં આવેલા કડાકા-ભડાકા જોવા મળી શકે છે. હાલની સ્થિતિએ મોદી સરકાર લોકડાઉન કરવાની દિશામાં આગળ વધતી હોય તેમ લાગતું નથી, તેઓ અન્ય પ્રતિબંધો કે નાઇટ કફર્યુ ( night curfew) સહિતના કડક પગલાંઓથી કોરોનાના વધી રહેલા કેસોને નિયંત્રણમાં લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે.

કોરોનાના વધી રહેલા કેસો ઉપર કાબુ ન આવે તો વાંધો નહિં, પરંતુ તેની સામે કોરોના વેકસીનની સ્પીડ વધારવાની જરૂર છે. મોદી સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે કોરોના વેકસીન લગાવવાની જાહેરાત કરી હતી અન તેની 1લી મેથી શરૂઆત પણ કરી દેવામાં આવી છે. પરંતુ વેકસીન માટે યુવાનોનો ઉત્સાહ જોવાઇ રહ્યો છે, તેને જોતાં ફરીથી વેકસીનની અછત સર્જાય તો નવાઇ નહિં. જો વેકસીનની અછત સર્જાશે તો જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતાં સરકાર પાસે લોકડાઉન સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.
જે સ્પીડે ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેને જોતાં સમગ્ર વિશ્વ ચિંતીત થઇ ગયું છે અને વિશ્વના દેશો ભારતને નીચલા ગ્રેડમાં મુકવા લાગ્યા છે. વિદેશ જનારા ભારતીયો ઉપર નજર રાખવામાં આવી રહી છે. જે ભારતની નાજુક સ્થિતિની ચાડી ખાય છે. પ્રથમ વેવમાં જે રીતે ભારતની કોરોના સામે મજબૂત સ્થિતિ હતી, તેનાથી વિપરીત સ્થિતિ બીજા વેવમાં જોવાઇ રહી છે, જે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય કહી શકાય.
પશ્ચિમ બંગાળની ચૂંટણી કે મોદી માટે મરો કે મારોની સ્થિતિ હતી. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પણ કોરોના ફેલાવવાનું એક મહત્વનું પરિબળ કહી શકાય. આ ચૂંટણીઓના કારણે જ મોદી સરકાર દ્વારા જે લોકડાઉન લગાવી દેવાનું હતું, તે લગાવાયું નથી, તેવું ચર્ચાઇ રહ્યું છે. જેના લીધે દેશની સ્થિતિ આટલી ગંભીર થઇ ગઇ છે. બીજા વેવ માટે સરકારને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી અને આ ખતરાની ઘંટડી વગાડાયા બાદ પણ સરકાર દ્વારા આક્રમક પગલાંઓ લેવાયા નહિં, તેની સામે સવાલ ઉભા થાય છે.
જોકે, જે થઇ ગયું, તે થઇ ગયું, તેની ઉપર ચર્ચા કરવાના બદલે, હવે વધુ સ્થિતિ ન બગડે તે માટેના સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ અને ખાસ કરીને કોરોના વેકસીન ઉપર ભાર મુકવો જોઇએ. સરકારે વેકસીનેશનમાં ઝડપ વધારવી જરૂરી છે. જેનાથી કોરોનાના લીધે જે દેશની સ્થિતિ છે, તે વધુ બગડે નહિં અને રીકવરી ઝડપી આવી શકે.

આ તમામ પરિસ્થિતિને જોતાં આર્થિક બાબતોમાં જોઇએ તો તેની સીધી અસર જોવા મળશે. ખાસ કરીને લઘુ અને માઇક્રો ઉદ્યોગો મરણ પથારીએ બેસી જશે. કેટલાક ઉદ્યોગો બંધ થવાના આરે હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. આમ, પ્રથમ વેવ બાદ અર્થતંત્રમાં રીકવરી જોવા મળી રહી હતી, તે રીકવરી મંદ પડશે અથવા તો બ્રેક વાગી જશે. જેની સીધી અસર શેરબજાર ઉપર જોવા મળશે. રોકાણકારો કોરોનાના વધી રહેલા કેસોને જોતાં ખૂબજ ચિંતીત છે અને નફાવસુલી કરતાં જોવા મળી રહ્યા છે.
બીજી તરફ, કંપનીઓના ચોથા કવાર્ટરના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આ પરિણામો અંદાજ મુજબના આવી રહ્યા છે અથવા તો અંદાજ કરતાં ઘણા સારા આવી રહ્યા છે, જે શેરબજાર માટે હકારાત્મક પાસું કહી શકાય. આ ઉપરાંત, જીએસટી કલેકશનના આંકડા પણ ખૂબજ સારા આવી રહ્યા છે. એપ્રિલ મહિનાના જાહેર થયેલા આંકડાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે અને કુલ કલેકશન 1.41 લાખ કરોડથી વધુનું થયું છે. જે ખુબજ સારી નિશાની કહી શકાય. આ ઉપરાંત, ઓટો કંપનીઓના માર્ચ મહિનાના વેચાણના આંકડા પણ જાહેર થનારા છે, તે પણ ઠીકઠાક રહેવાનું અનુમાન છે. તેવા સંજોગોમાં બજારમાં નકારાત્મકની સામે હકારાત્મક પાસાંઓ પણ દેખાઇ રહ્યા છે. જેનાથી શેરબજારમાં આગામી સપ્તાહમાં બેઉતરફી ઉથલપાથલ જોવા મળશે.
ખાસ કરીને કોરોનાના વધી રહેલા કેસો ઉપર કાબુ મેળવી લેવાય અને વેકસીનેશનમાં ઝડપ સાથે દેશના 20 ટકાથી વધુ લોકોનું વેકસીનેશન થઇ જાય તો શેરબજારમાં ઘટાડાને કોઇ અવકાશ દેખાતો નથી. જોકે, ટુંકાગાળા માટે શેરબજારમાં બેઉતરફી ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.

Most Popular

To Top