સરકારે બોર્ડની પરીક્ષા અંગે સત્વરે નિર્ણય જાહેર કરી દેવો જોઇએ

કોરોના મહામારીમાં માણસની જિંદગીની સૌથી પહેલી ચિંતા માણસને પોતાને પછી સરકારને હોય એ સ્વાભાવિક છે. અને જરૂરી પણ છે. તેથી સરકારનું સઘળું ધ્યાન અત્યારે કોરોના સંક્રમણ ઘટે અને માણસનું જીવન બચે એ દિશામાં કેન્દ્રિત છે. અને સમગ્રતંત્ર એ માટે કામે લાગ્યું હોવાથી બોર્ડની પરીક્ષાનો નિર્ણય અત્યારે પ્રાયોરિટીમાં નથી.

આપણે વાત કરી રહયાં છીએ વિદ્યાર્થઓની પરીક્ષા, મૂલ્યાંકન અને તેની મનોદશાની! કોરોના કાળમાં વિદ્યાર્થીની મનોસ્થિતિ તરફ ઝાઝુ ધ્યાન ગયું નથી અને આ પાસું ઉપેક્ષિત રહયું છે! મે મહિનામાં બોર્ડની પરીક્ષાનું આયોજન હતુન જે હાલની સ્થિતિ જોતાં શકય બનવાનું નથી. સીબીએસઇ એ પરીક્ષા નહિ યોજવાનો નિર્ણય જાહેર કર્યો છે પરંતુ ગુજરાત બોર્ડ હજુ દ્વિધાની દશામાં છે! એ માટે બોર્ડનો તર્ક શું છે તે પણ સમજાતું નથી! વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા નિર્ણાયક હોય છે અને આગળ કઇ લાઇનમાં જવું તેનો આધાર બોર્ડની પરીક્ષાના પરિણામ પર નિર્ભર છે તેથી અત્યારે સૌથી વધુ જો કોઇ ચિનતિત હોય તો તે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી છે! વિદ્યાર્થીને અત્યારે હૂંફ અને સ્વીકારના ઇન્જેકશનની જરૂર છે અને સંવેનાના ઓકિસજનની જરૂર છે! શાળા કક્ષાએ તો પરીક્ષા એટલી મહત્વની નથી. ઉપલા વર્ગમાં સહેલાઇથી પહોંચી શકાય છે પરંતુ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના ભાવિ માટે નિર્ણાયક સાબિત થાય છે. હમણા ઘણાં વખતથી મા.

શિક્ષણ મંત્રીશ્રી જાહેરમાં દેખાતા નથી! તે પણ સ-ખેદ આશ્ચર્ય સર્જે છે! કદાચ ખૂબ ગહન ચિંતનમાં હોય એવું લાગી રહયું છે! આપણે પ્રાર્થીએ, કે તેઓ કોરોનાગ્રસ્ત ન બને. કોરોના પોઝિટિવ વ્યકિતને માત્ર એક જ ચિંતા સતાવે છે પોતાના જીવને બચાવવાની. જયારે વિદ્યાર્થી પક્ષે, જો તેના પરિવારમાં કોઇ કોરોના પોઝિટિવ આવ્યું હોય તો તેને તેની અને પરીક્ષાની એમ બે વડી ચિંતા રહે છે. અને આ વડી મોટી જનસંખ્યામાં તેની સંભાવના સાવ નકારી શકાય તેમ નથી.

આ લખનાર શિક્ષણ ક્ષેત્રે ઘણા વર્ષોથી સંકળાયેલ હોવાથી પ્રાયોગિક ધોરણે કેટલાંક વિદ્યાર્થીઓનો અને વાલીઓનો ટેલીફોનથી સંપર્ક કરી તેમની દશા-દિશા અને વેદના જાણવાનો પ્રયત્ન કર્યો. ઇન્કવાયરી દ્વારા જાણવા મળ્યું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને સ્વપ્નમાં પરીક્ષા હોલના બિહામણાં દ્રશ્યો દેખાય છે! પરીક્ષા હોલમાન સારવાર લેતા દર્દીઓ અને સ્વજનો દેખાય છે! એક બાજુ વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય અને બીજી બાજુ પરિવારના સ્વજનોની ચિતાના દ્રશ્યો દેખાય છે! કેટલાક વિદ્યાર્થીઓને ઉંઘમાં સતત એમ્બ્યુલન્સના હોર્ન જ સંભળાય છે! એક વિદ્યાર્થીએ કહયું તેને તેની શિક્ષિકાઓ નર્સના ડ્રેસમાં દેખાય છે! કેટલાક વિદ્યાર્થીને નબળા પરિણામની ચિંતા સતાવે છે. તો વળી કેટલાકને આપઘાતના વિચારો આવે છે!

મોટા ભાગના વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ચોંટતું નથી! અનેક પ્રકારના નકારાત્મક વિચારો સતત વિદ્યાર્થીને ઘેરી વળે છે! તેમને કોરોનાના ભય કરતાં પરીક્ષાનો ભય અને તેની અનિશ્ચિતતા વધુ સતાવે છે! એક વિદ્યાર્થીએ કહયું કે તેના પરિવારમાં બધા જ કોરોના સંક્રમિત છે, એક માત્ર તેને છોડીને! આ દશા માત્ર ગણ્યાં-ગાંઠયા વિદ્યાર્થી નથી હજ્જારો વિદ્યાર્થીઓની છે!!

બીજા તબક્કામાં નાના-ભૂલકાંઓના વાલીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે નાનાં ભૂલકાંઓનો ઉત્સાહ, ઉમંગ અને ચેતના ધીમે ધીમે ઘટવા માંડયા છે! જે સતત ઉછળકૂદ અને કિલ્લો, કરતા જોવા મળતા હતા તે ઘરની ચાર દિવાલોમાં કેદ છે. તેને સાચવવાનું વાલી માટે દુષ્કર બન્યું છે. આ લખનારની જાણમાં એવા કેટલાંક બાળકો છે જેનું વજન એક જ વર્ષમાં 3 થી 5 કિલો વધી ગયું છે! તેમનામાં ચિડિયાપણું આવી ગયું છે! તેને શાંત રાખવા માતા-પિતા ટી.વી. મોબાઇલ જેવા માધ્યમોનો ના છૂટકે, છૂટથી ઉપયોગ કરવા દે છે! કેટલાંક બાળકોએ ગુસ્સામાં ટી.વી. અને મોબાઇલ તોડી નાંખ્યાના ઉદાહરણો પણ છે! આપણને સિનિયર સિટીઝન્સની ચિંતા થાય અને દયા ઉપજે એ સ્વાભાવિક છે પરંતુ નાના બચ્ચાં, જેઓ જીવનપથ પર પા પા પગલી માંડી રહયા છે તે ઉપેક્ષિત જણાય છે! એવું પણ નથી કે વાલીને તેના બાળકોની ચિંતા નથી, ચિંતા છે પણ માર્ગ સૂઝતો નથી.

બીજી તરફ કેટલાંક વાલીઓનો શૂર એવો પણ છે કે તેમનાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો વધુ સર્જનાત્મક બન્યાં છે પરંતુ તેની સંખ્યા ખૂબ જ ઓછી છે! હજુ સુધી આપણને વિદ્યાર્થીઓની મનોદશા ને બચાવવાનો માસ્ક, મનો મીટર કે મનોકસીજન મળ્યો નથી! બે દિવસપહેલાં જ ઓન લાઇન શિક્ષણ પૂરું કરી, રમકડાં સાથે રમતાં બાળકના હાથમાં મેં પ્લાસ્ટીની પિસ્તોલ જોઇ! તરત જ જિગ્નાષાવસ એ બાળકને મોબાઇલમાં પૂછયું: ‘આ પિસ્તોલનું શું કરીશ?’ બાકે તેની કાલી કાલી ભાષામાં કહયું: ‘માલા ટીચરને માલી છ!’ આ બચ્ચું કોરોના કતાં તેના ટીચરથી વધુ ત્રાસી ગયું હોય એવું મને લાગ્યું. બચ્ચાંના ક્રોધનું સંક્રમણ વધતું વધતું તેના ટીચર સુધી પહોંચ્યું! એનો અર્થ એ થયો કે ઘણાં બાળકો આ પ્રકારના ઓનલાઇન શિક્ષણથી કંટાળ્યા હોય એવું લાગે છે.

આ તો નાના બચ્ચાંની વાત થઇ. બોર્ડના વિદ્યાર્થીઓના તો કોઇ બેલી જ નથી! આ વિદ્યાર્થીઓ કયા પ્રકારના કર્મોની સજા ભોગવી રહયા છે? કોઇ આધ્યાત્મિક ગુરૂ સમજાવશે? શિક્ષકો, વાલીઓ, શૈક્ષણિક સંઘના આગેવાનો, બોર્ડના ચૂંટાયેલા સભ્યો સૌ મૌન છે! સરકારને પરીક્ષા બાબતે ભારપૂર્વક અને દબાણપૂર્વક રજૂઆત કરવાનો સમય પાકી ગયો છે. અત્યાર સુધી આપણે નમ્રતાપૂર્વક રજૂઆતો કરી હવે આક્રોશપૂર્વક રજૂઆતો કરવી પડશે. સરકાર પરીક્ષા સંબંધી નિર્ણય જાહેર કરવામાં આટલો બધો વિલંબ કેમ કરે છે એજ સમજાતું નથી! શું આપણે સૌ એ લાચાર બની સરકારના તમાશા જ જોવાના છે? મારો પાર્થ (વિદ્યાર્થી) લાચાર છે. હતાશ છે. દિશાહીન છે. અનિર્ણાયક દ્વિધાયુકત પરિસ્થિતિમાં સંતુલન ગુમાવી રહયો છે. સરકાર પણ સંવેદનહિન બની છે!

સાથે પ્રજા તરીકે આપણે પણ કયાં વિદ્યાર્થી પક્ષે છીએ!! જો થોડી ઘણી સંવેદના બચી હોય તો એક જાગૃત પ્રજા તરીકે આપણે વિદ્યાર્થીઓનો પક્ષ લઇ સરકારના કાન આમળવા જોઇએ. ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહના એક વિદ્યાર્થીએ મને કહયું ‘સર નર્સરીથી કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું. ત્રિકોણ, ગુરૂકોણ, લઘુકોણ, ષટકોણ પણ ‘આપણું કોણ?’ એ કોરોનાએ શીખવ્યું અને આ શિક્ષણ વિભાગે, હોતી હૈ, ચલતી હૈ, ચિંતા ન કર, ધીરજ ધર-એ શીખવ્યું!’ યાદ રહે, ચૂંટણીની ચિંતા કરતી સરકાર, વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની ચિંતા નહિ કરશે તો નવ નિર્માણ આંદોલનની જેમ આપણો પાર્થ સરકાર સામે બાણ ચઢાવશે અને ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે.

  • વિનોદ પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts