Madhya Gujarat

પેટલાદના ગઠિયાએ વેપારી સાથે છ લાખની ઠગાઇ કરી

આણંદ : આણંદમાં મોબાઇલ લે વેચ કરતા વેપારી પાસે નિયમિત આવતા પેટલાદના બે ગઠિયાએ ઓનલાઇન 70 ટકા ભરી ખરીદેલા મોબાઇલ બારોબાર વેચી દીધા હતા અને ગઠિયાઓએ બાકીની રકમ કંપનીમાં ભરી નહતી. જેના કારણે વેપારીએ ખરીદેલા મોબાઇલ લોક થઇ ગયાં હતાં. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ત્રણને પકડી પાડ્યાં હતાં. જ્યારે બે ફરાર છે. આણંદની પોલસન ડેરી રોડ પર રહેતા અબ્દુલઅહદ ઐયુબભાઈ વ્હોરા મોબાઇલ લે- વેચનો વ્યવસાય કરે છે. તેમની પાસે ઇમરાન વ્હોરા તથા મહેબુબ વ્હોરા (બન્ને રહે.પેટલાદ) અવાર નવાર આવતાં હતાં. જોકે, છેલ્લા બે વરસ દરમિયાન ઇમરાન અને મહેબુબે ઓનલાઇન કંપનીમાંથી 70 ટકા રકમ ભરી આશરે આઠ સો જેટલા મોબાઇલની ખરીદી કરી હતી.

આ મોબાઇલ તેઓએ બારોબાર અબ્દુલઅહદને વેચી દીધાં હતાં. બીજી તરફ કંપનીમાં 30 ટકા રકમ ભરી ન હોવાથી આ મોબાઇલ આપોઆપ લોક થવા લાગ્યાં હતાં. જેથી ગ્રાહકોની ફરિયાદ આવતાં અબ્દુલઅહદ ચોંકી ગયાં હતાં અને તેઓએ ઇમરાન અને મહેબુબનો ઉધડો લીધો હતો. જોકે, આ સમયે પણ બન્ને ગઠિયાએ લોક ખોલી આપવાના બહાને નાણા પડાવવાનું શરૂ કરી દીધું હતું. આ બન્ને ગઠિયાએ અબ્દુલઅહદ પાસેથી છએક લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હતી.

આખરે આ મામલો છેતરપિંડીનો હોવાનું જણાતાં અબ્દુલઅહદે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ઇમરાન અને મહેબુબ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે મહેબુબ અબ્દુલ વ્હોરા (રહે.પેટલાદ), ઇમરાન નુરમહંમદ વ્હોરા (રહે.પેટલાદ), નિલેશ કિશોર લખવાણી (રહે. પેટલાદ), અજય ખુરાના (સાંઇનાથ સોસાયટી, પેટલાદ) અને મીત સોલંકી (મોટી પોસ્ટ ઓફિસ, પેટલાદ) હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી નિલેશ, મહેબુબ અને ઇમરાનની ધરપકડ કરી હતી. જ્યારે અજય અને મીતની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે સાત મોબાઇલ, 22 સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કેવી રીતે છેતરપિંડી કરતા હતા ?
ફ્લીપકાર્ડ પર બોગસ નામે બોગસ સીમકાર્ડ દ્વારા બોગસ આઈડી બનાવી લોનના હપ્તાવાળા મોબાઇલોની ઓનલાઇન ડીલીવરી મેળવી હતી. તે મોબાઇલ બજારમાં અલગ અલગ ભાવે વેચી આ મોબાઇલ હપ્તાઓ ન ભરવાના કારણે જ્યારે ફ્લીપકાર્ડ કંપની મોબાઇલો બ્લોક કરી દે ત્યારે પણ ગ્રાહકોને લાચાર બનાવી લોક ખોલાવવાના બહાને પણ મોટો ચાર્જ વસુલ કરી ગ્રાહકોને છેતરવા અંગેનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. બોગસ સીમકાર્ડ મેળવી તેના ઉપરથી બોગસ આઈડી બનાવી એક આઈડી પર નવથી દસ મોબાઇલ ખરીદવામાં આવી રહ્યાં હતાં અને અલગ અલગ ભળતા નામે ગ્રાહક તરીકે ઓનલાઇન દર્શાવવામાં આવતાં હતાં. આ મોબાઇલના ઇનવોઇસ ચેક કરતા નોટ ફોર સેલના પ્રકારના હતાં. હજુ પણ સંખ્યાબંધ મોબાઇલ આ પ્રકારે બજારમાં વેચાઇ રહ્યાં છે.

Most Popular

To Top