Business

સુરત: વહેલી સવારે ઘરફોડ ચોરી કરતો રીઢો ચોર બે સાગરીત સાથે ઝડપાયો

સુરત : શહેરના ઘરોમાં, ઓફિસોમાં અને હોટેલમાં મળસ્કે ઘુસીને ચોરી કરતી ગેંગને (Gang of Thieves) ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડતા અલગ અલગ 10 થી વધારે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે બાતમીના આધારે આરોપીઓ સાહીલ સલીમ પઠાણ, હરીશ પ્રકાશભાઈ માળી તથા સુમિત શીવાજીભાઈ પાટીલને આજરોજ ચોરીના ત્રણ મોબાઈલ ફોન, આઈપેડ, ગેમઝોનની ત્રણ ગન, સેન્સર જેકેટ, શુઝ, સાઈન મોટર સાઈકલ અને સ્પ્લેન્ડર મોટર સાઈકલ મળી કુલ 3.01 લાખના મુદ્દામાલ સાથે કતારગામ કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સાહીલ સલીમ પઠાણ પોતે રીઢો ચોર છે. તે નાનપણથી જ અવાર નવાર નાની મોટી ઘરફોડ, ગલ્લા ચોરી, વાહન ચોરી તથા શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચુક્યો છે. હાલ વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં પકડાયો હતો. પરંતુ જુવેનાઇલ હોવાથી વડોદરા રીમાન્ડ હોમ ખાતે મોકલ્યો હતો. અને બાદમાં પુખ્ત વયનો થતા મહેસાણા જેલ ખાતે મોકલ્યો હતો.

આજથી બે મહીના પહેલા જામીન પર છુટ્યો હતો. અને સુરત ખાતે આવી તેના મિત્રો હરીશ માળી અને સુમિત પાટીલ સાથે મળીને બે જગ્યાએથી મોટર સાઈકલ ચોરી કરી હતી. અને શહેરના જુદા-જુદા વિસ્તાર ઉમરા પોલીસની હદમાં આવેલા રો હાઉસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલો, મેડીકલ, ઓફીસોમાં અંદર પ્રવેશીને રોકડા રૂપિયા, મોબાઇલ તેમજ સરસામાનની પોતાના મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓની ધરપકડ કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં 3, સચિન પોલીસનો એક, મહિધરપુરા પોલીસનો એક, પૂણા પોલીસનો એક, ખટોદરા પોલીસનો એક, નવસારી રૂરલનો એક, ડિંડોલી પોલીસનો એક અને રાંદેર પોલીસનો એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

સાહીલે 15 વર્ષની વયે પાંચ બાઈક ચોરી કરી હતી
આરોપી સાહીલ સલીમ પઠાણ વર્ષ 2018 માં સચિન પોલીસ સ્ટેશનમાં ચાર મોટર સાઈકલની ચોરીના ગુનામાં અને સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં એક મોટર સાઈકલની ચોરીના ગુનામાં પકડાયો હતો. ત્યારે બાળ કિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં ચારેક મહિના રહ્યો હતો. ત્યારપછી ઉમરા પોલીસ સ્ટેશનમાં મિત્ર અનિલ કોમડીની સાથે મર્સીડીઝ મોટર કારની ચોરીના ગુનામાં પકડાયો હતો. બાળકિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં ત્રણેક મહિના રહ્યો હતો. બાદમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં ચલથાણ પોલીસ ચોકીમાં મિત્ર અજ્જુ અને નિખિલની સાથે અર્જુન દારૂના અડ્ડાવાળાના મર્ડરના ગુનામાં પકડાયો હતો. અને બાળકિશોર તરીકે જુવેનાઈલ રીમાન્ડ હોમમાં સાતેક મહિના રહ્યો હતો. વર્ષ 2022 જાન્યુઆરીમાં વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેશ વસાવા, દિપક વસાવા, સુનિલ વસાવા, જસ્સીની સાથે એક ઈકો કાર ચાલકને દેશી કટ્ટો બતાવીને રોકડા રૂપિયા 50 હજારની લૂ્ંટ કરી હતી. આ ગુનામાં પકડાતા વડોદરા જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં ત્રણેક મહિના સુધી અટકાયતી તરીકે રાખ્યો હતો. અને એપ્રિલ મહિનામાં 18 વર્ષનો થતા મહેસાણા ખાતે જેલમાં મોકલી આપ્યો હતો. તે પછી 25 જુન 2022 માં જામીન પર છુટ્યો હતો.

બે આરોપી પણ જુવેનાઈલ વયથી રીઢા હતા
આરોપી સુમિત પાટીલ બે વર્ષ પહેલા વર્ષ 2019 માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં મિત્ર દાદુ ઉર્ફે હર્ષલ કોળી સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં પંદર દિવસ કૈદ રહ્યો હતો. વર્ષ 2020 માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં મિત્રો ચેતન, સચિન, શિવા, ગોકુળની સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં એક મહિના સુધી કૈદ રહ્યો હતો. એકાદ વર્ષ પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટના ગુનામાં મિત્ર ચિરાગ અને સાહુલ સાથે પકડાયો હતો. જુવેનાઈલ ચિલ્ડ્રન હોમમાં 26 દિવસ સુધી કૈદ રહ્યો હતો.

Most Popular

To Top