SURAT

ભાગાતળાવ પર બેન્ડબાજા સાથે નીકળેલી ગણેશજીની વિસર્જન યાત્રાએ આકર્ષણ જમાવ્યું

ડીજેની ધૂમ વચ્ચે સુરતમાં બેન્ડબાજાનો ક્રેઝ વધ્યો, એટલા બધા ઓર્ડર મળ્યા કે છેક મધ્યપ્રદેશથી બેન્ડવાળાને બોલાવવા પડ્યા
સુરત: સુરત શહેરમાં આ વર્ષે પરંપરાથી અલગ અનેક ટ્રેન્ડ જોવા મળ્યા છે. વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપવા માટે જાણીતા સુરતીલાલાઓએ આ વખતે વહેલી વિસર્જન યાત્રા કાઢીને રાત ગજવી મુકી હતી. ઢોલ નગાડા ઉપરાંત ડીજે સાઉન્ડના કાન ફાડી નાંખતા અવાજ વચ્ચે બાપ્પાની જોરશોરથી વિદાયયાત્રા કાઢવામાં આવી હતી. તો કેટલાંક મંડળોએ જૂના પુરાણા બેન્ડનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. આ વખતે ખાસ વિસર્જન યાત્રા માટે સુરતના ગણેશ મંડળોએ મધ્યપ્રદેશથી બેન્ડ વાળાઓને તેડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ડીજેના કાન ફાડી નાંખતા સાઉન્ડ વચ્ચે આજે સુરત શહેરમાં કેટલીક હટકે વિસર્જન યાત્રાઓએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભાગાતળાવ પર નીકળેલી એક વિસર્જન યાત્રામાં બાળકો યુનિફોર્મ સાથે જોડાયા હતા. આ યાત્રા બેન્ડબાજા સાથે નીકળી હતી. જાણવા મળ્યા મુજબ આ વખતે કેટલાંક મંડળોએ ડીજેના બદલે બેન્ડબાજા સાથે વિસર્જન યાત્રા કરવાનું પસંદ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે ગણેશ વિસર્જન શહેરના 35 બેન્ડ ગ્રુપના માલિકોને ફળ્યું છે. વિસર્જનના દિવસે હાફ બેન્ડ (10 બેન્ડવાળા)નું ચલણ વધ્યું છે. ગણેશ મંડળો દ્વારા બે કલાક માટે 30,000 સુધી રકમ ચુકવવામાં આવી છે. કેટલાંક મંડળોએ 4 કલાક માટે 60,000 ચૂકવ્યા હોવાની વિગતો પણ મળી છે. આ વખતે બેન્ડ માટે એટલા બધા ઓર્ડર હતા કે સુરતમાં બેન્ડની વ્યવસ્થા કરી આપતા ગ્રુપવાળાઓએ મધ્યપ્રદેશથી બેન્ડવાળાઓને બોલાવવા પડ્યા હતા. આ વખતે મધ્યપ્રદેશના રતલામ, ઈન્દોર, બુરહાનપુરના બેન્ડવાળાએ સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં બેન્ડ વગાડ્યા છે.

Most Popular

To Top