Dakshin Gujarat Main

બારડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા નીકળશે, ઓલપાડમાં પોલીસનું ફ્લેગ માર્ચ

બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. DYSPથી લઈ TRB સહિત કુલ 491 જવાનોનો કાફલો ખડેપગે રહેશે. બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની જગ્યાએ તેનના કુદરતી તળાવમાં વિસર્જનનો નિર્ણય કરવામાં આવ્યા બાદ પરંપરાગત રૂટમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. રૂટમાં ફેરફાર કરવામાં આવતા ગણેશ ભક્તોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તો વહીવટી તંત્ર સામે અનેક આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

દરમ્યાન શુક્રવારે સાંજે વહીવટી તંત્રએ નિર્ણય બદલી પરંપરાગત રૂટ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પરંપરાગત રૂટ યથાવત રાખવામાં આવતાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંદોબસ્ત માટે કુલ 6 સેક્ટરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જેમાં 1 DYSP, 4 PI, 8 PSI, 92 પોલીસકર્મી, 39 મહિલા પોલીસકર્મી, 212 હોમગાર્ડ, 135 ગ્રામરક્ષક દળ મળી કુલ 491 જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રામાં નજર રાખવા માટે કુલ 5 દૂરબીન, 9 વોકીટોકીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશ વિસર્જનનો રૂટ આ પ્રમાણે હશે
બારડોલીમાં સ્ટેશન ત્રણ રસ્તાથી પ્રારંભ કરી સ્વરાજ આશ્રમ, મુદિત પેલેસ, જલારામ સર્કલ, મિનારા મસ્જિદ થઈ સરદાર ચોક, લીમડા ચોક, તલાવડી સર્કલ, બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી વિસર્જન યાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ જે ગણેશ ભક્તો પોતાનું વાહન લઈ વાહનમાં સુરતી જકાતનાકાથી કેનાલ રોડ ઉપરથી પંચવટી પાર્ક થઈ તેન ગામે તળાવમાં વિસર્જન કરવાનું રહેશે. વિસર્જન યાત્રામાં એક ગણપતિ સાથે માત્ર 15 વ્યક્તિઓ રહી શકશે અને કોરોના ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

ઓલપાડમાં ગણેશ વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસની ફ્લેગ માર્ચ

સુરત: ગણેશ મહોત્સવ પર્વમાં ભાવિક ભક્તો દ્વારા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી આજે રવિવારે વિસર્જન હોય ત્યારે શાંતિમય વાતાવરણમાં વિસર્જન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શનિવારે ઓલપાડ પોલીસના પી.આઈ. આર.આર.વસાવાની આગેવાનીમાં ઓલપાડ ટાઉનમાં મોડી સાંજે પોલીસ, જી.આર.ડી. તેમજ હોમગાર્ડ જવાનોએ પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં ઓલપાડ પોલીસના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ ખાંટ અને હોમગાર્ડ કમાન્ડર અમિત લાલા દ્વારા કમાન્ડ આપવામાં આવી હતી.

Most Popular

To Top