અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 2 ના મોત 18 લોકો ઘાયલ થયા: અમેરિકાએ માફી માંગી

તાલિબાને કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે આજે શુક્રવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ ધડાકા થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં 2 ના મોત અને 18 ઘાયલ હોવાના અહેવાલ સાંપડ્યા છે. અફઘાનિસ્તાનની એક ચેનલ નંગરહારના અહેવાલ અનુસાર જલાલાબાદના PD 6 વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. અહીંથી તાલિબાનોનું એક વાહન પસાર થઈ રહ્યું હતું, ત્યારે બોમ્બ ફૂટ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હતા. જે તમામ સ્થાનિક નાગરિકો હોવાની માહિતી સાંપડી છે. તમામને સ્થાનિક નંગરહાર પ્રાંતીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર આ ઘટનામાં 2 લોકો મૃત્યુ પામ્યા છે અને 18 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરોએ તાલીબાનના વાહનને ટાર્ગેટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જલાલાબાદ નંગરહારની રાજધાની છે.

અમેરિકાએ એરસ્ટ્રાઈક બદલ માફી માંગી
દરમિયાન અમેરિકાએ ગયા મહિને કાબુલ પર કરેલા એરસ્ટ્રાઈક હુમલા માટે માફી માંગી છે. બદલો લેવાની ઉતાવળમાં નિર્દોષ લોકો હૂમલામાં માર્યા ગયા હોવાની ભૂલનો અમેરિકાએ સ્વીકાર કર્યો છે. US સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ કેનેથ મૈકેન્જી (Kenneth McKenzie) એ ડ્રોન હમલા માટે માફી માંગતા કહ્યું કે, હમે અસરગ્રસ્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે તેમની માફી માંગીએ છીએ. અમે આ ભૂલથી શીખવાનો પ્રયાસ કરીશું. મૈકેન્જીએ કહ્યું કે, હુમલો એ વિશ્વાસ સાથે કરવામાં આવ્યો હતો કે આતંકવાદીઓને નુકસાન પહોંચાડી રેસ્ક્યૂ મિશન ઝડપથી શરૂ કરી શકાય. પરંતુ તે એક ભૂલ હતી અને તે બદલ હું માફી માંગુ છું.

ગઈ તા. 29 ઓગસ્ટે અમેરિકા દ્વારા થયેલા ડ્રોન હુમલામાં કાબુલમાં 7 બાળકો સહિત કુલ 10 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. તેમ છતાં ઘણા દિવસો સુધી અમેરિકા તરફથી તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નહોતો અને હુમલો સારી રીતે પાર પાડવામાં આવ્યો હોવાનું જ રટણ કરવામાં આવ્યું હતું. આખરે આજે અમેરિકાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબ્જો જમાવી લીધા બાદ સમગ્ર દેશમાં અરાજકતા વ્યાપી ગઈ છે. ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ અહીં રોજિંંદી ઘટના બની ગયા છે. લોકો પર ખાસ કરીને મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. વિશ્વ આખાયની નજર હાલ અફઘાનિસ્તાન પર છે.

Related Posts