SURAT

ગાંધી ઇજનેરી કોલેજના અધ્યાપકો કાળાં કપડાં કે પટ્ટી પહેરીને પ્રતીક ઉપવાસ પર બેસશે

સુરત: કેરિયર એડ્વાન્સ સ્કીમ સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં ગાંધી ઇજનેરી કોલેજના (Gandhi Engineering College) અધ્યાપકો કાળાં કપડાં કે પછી કાળી પટ્ટી પહેરી પ્રતીક ઉપવાસ પર બેસનારા છે. આ સાથે જ ચૂંટણી (Election) સિવાયની કામગીરીનો પણ બહિષ્કાર કરનારા છે તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ભોગે કોઇપણ સરકારી કાર્યક્રમમાં સોંપવામાં આવેલી ફરજનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વાર બાંયધરી આપવામાં આવી હોવા છતાં પણ ચાર પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેમાં પહેલી પહેલી જાન્યુઆરી, 2016 બાદ યોગ્યતા ધરાવતા અધ્યાપકોને કેરિયર એડ્વાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગારધોરણના લાભ આજદિન સુધી મંજૂર કરવામાં આવ્યા નથી. વર્ષ-2010 અને 2011માં સહાયક પ્રધ્યાપકો તરીકે સેવામાં જોડાનાર અધ્યાપકો આજે 12 વર્ષમાં બબ્બે ઉચ્ચતર પગારધોરણ માટે એલિજિબલ હોવા છતાં આજે પણ સેવામાં જોડાયા સમયના પગારધોરણમાં ફરજ બજાવે છે.

વધુમાં 8થી 10 વર્ષથી પણ વધુ સમયથી એક જ સંસ્થા ખાતે ફરજ બજાવતા વર્ગ એક અને બેના અધ્યાપકોને સ્વવિનંતી બદલીના કિસ્સામાં સરકાર મૂકબધિર રીતે વર્તે છે. સામાન્ય વહીવટ વિભાગના વખતોવખતના ઠરાવ અન્વયે ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં સ્વવિનંતી તેમજ પતિ-પત્નીના કિસ્સામાં બદલી થઈ છે. માત્ર ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકોને જ આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારના આવા ભેદભાવભર્યા વલણને લીધે ટેક્નિકલ શિક્ષણ અધ્યાપકોમાં નિરાશા સાથે રોષ ફેલાયો છે.

સહ પ્રધ્યાપક સંવર્ગમાં અંદાજે 200 કરતા વધારે જગ્યાઓ ખાલી
વર્ષ-2012 બાદ અપવાદરૂપ અને ખાસ કિસ્સાઓને બાદ કરતાં આજે 10 વર્ષથી સરકારી ઇજનેરી કોલેજોની મોટા ભાગની વિદ્યાશાખાઓમાં સહાયક પ્રધ્યાપકથી સહ પ્રાધ્યાપકની બઢતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. સહ પ્રધ્યાપક સંવર્ગમાં અંદાજે 200 કરતા વધારે જગ્યાઓ ખાલી હોય તથા એટલા જ પ્રમાણમાં એલિજિબિલિટી ધરાવતા સહાયક પ્રાધ્યાપકો પણ ઉપલબ્ધ હોવા આ વિલંબથી તેમની શૈક્ષણિક કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સરકારી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોના અધ્યાપકોને વર્ષો પહેલાં લાભ આપી દેવાયા છે. પરંતુ સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોને વર્ષોની રજૂઆત અને દરખાસ્તના અંતે પણ આ લાભ અપાયો નથી.

વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કાર્યોને ખોરવ્યા વિના જ અધ્યાપકો આંદોલન કરશે
હાલ બેથી ત્રણ અઠવાડિયા પહેલાં જ કોર્ટે પણ અલગ અલગ કેસમાં આવા 21 અધ્યાપકને લાભ આપી દેવા સ્પષ્ટ આદેશ કર્યો છે. છતાં પણ સરકાર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. જે મૂળભૂત બંધારણીય અધિકારોના હનનસમાન છે. આમ, ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવશે તો એ પછી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કાર્યોને ખોરવ્યા વિના જ અધ્યાપકો આંદોલન કરશે.

Most Popular

To Top