આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. પરંપરાગત ગોખણપટ્ટી અને માત્ર માર્ક્સ લાવવાની સ્પર્ધા હવે ભૂતકાળ બની રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રવેશ સાથે હવે શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અને તેને વ્યવહારિક જીવન માટે તૈયાર કરવાનો છે. આજના ‘નવા શિક્ષણ’માં કેટલાક મહત્વના પરિવર્તનો આવશ્યક બની ગયા છે જેમ કે કૌશલ્ય આધારિત શિક્ષણહવે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓમાં ક્રિટીકલ થીંકિંગ, કોડિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો ખીલવવા જરૂરી છે.
પ્રાયોગિક અને અનુભવાત્મક શિક્ષણમાં વિજ્ઞાન કે ગણિત જેવા વિષયો માત્ર બ્લેકબોર્ડ પર શીખવવાને બદલે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ, પ્રયોગશાળાઓ અને ડિજિટલ ટૂલ્સ દ્વારા શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ જેથી બાળક પોતાની માતૃભાષામાં સૌથી ઝડપથી અને સહેલાઈથી શીખી શકે છે. નવા શિક્ષણ અભિગમમાં માતૃભાષાની સાથે આધુનિક જ્ઞાનનો સમન્વય થવો જરૂરી છે. અભ્યાસના અતિશય બોજ અને પરીક્ષાના તણાવમાંથી વિદ્યાર્થીઓને મુક્ત કરીને રમતગમત, કળા અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો જ એક ભાગ બનાવવો જોઈએ. નવું શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને માત્ર ‘નોકરી શોધનાર’ નહીં, પણ ‘જ્ઞાની અને આત્મનિર્ભર નાગરિક’ બનાવે. શાળા, શિક્ષકો અને વાલીઓ તમામે મળીને બાળકોને ગોખણપટ્ટીની રેસમાંથી બહાર કાઢીને તેમની અંદર રહેલી ક્ષમતાઓને ઓળખવાની તક આપવી પડશે.
સુરત – સુરતી નીતિનકુમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.