સૌ પ્રથમ અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે દરેક પરિસ્થિતિ માટે અપવાદ શક્ય છે. અહીં એ પ્રકારની વાત છે, એ પ્રકારનાં “બોલકા” લોકોની વાત છે કે જેઓ માત્ર વિરોધ કરવા, પોતાનું અસ્તિત્વ દેખાડવા માટે જે તે પ્રકારની વાતો વહેતી કરતાં હોય છે. સમાજમાં પોતાનાં અસ્તિત્વનું મહત્વ સ્થાપિત કરવા તેઓ જે જે વાતો કહેતાં હોય છે તેમાં પણ અપ્રમાણસરનો વિરોધાભાસ જોવા મળે. એ સમજી જ ન શકાય કે અંતે તેમને કરવું છે શું, કહેવું છે શું, તેમને જોઈએ છે શું. આ લોકો જો ટ્રાફિક પોલીસ કડક બને તો તેમને સંવેદનહીન અને અમાનવીય તરીકે દર્શાવે અને જો ટ્રાફિક પોલીસ છૂટછાટ આપે તો તેઓ પોતાની ફરજ ચૂકે છે એમ સાબિત કરવાનો પ્રયત્ન કરે. ટ્રાફિક પોલીસ કરે તો શું કરે. અહીં ટ્રાફિક પોલીસની તો માત્ર એક ઉદાહરણ તરીકે વાત થાય છે, બોલકા લોકોનો આ પ્રકારનો અભિગમ સર્વત્ર છે.
કોઈ શૈક્ષણિક સંસ્થા ફીમાં વધારો કરે તો તેની માટે આંદોલન થઈ જાય. મર્યાદિત ફીને કારણે શિક્ષણ સંસ્થા અમુક પ્રકારની સવલતો ન આપી શકે તો તેનો વાંધો હોય. શૈક્ષણિક સંસ્થા કરે તો શું કરે. ૬૦૦ રૂપિયાનો પીઝા દર અઠવાડિયે ખાનાર વ્યક્તિને પોતાની કોલેજની કેન્ટીનના ઢોંસાનો ભાવ પાંચ રૂપિયા વધે તો તેને મોંઘવારી નડવા માંડે છે. બેંકમાંથી વ્યાજે પૈસા લઈ કુટુંબ સાથે પરદેશ ફરવા જનાર વ્યક્તિને બેંકના વ્યાજમાં ૦.૨૫ પ્રતિશતનો વધારો પોષાતો નથી. એ વાત સાચી છે કે આ બધો વધારો મધ્યમ વર્ગને નડે. પરંતુ મધ્યમ વર્ગ તો પોતાની ગોઠવણ કરી લે છે. તેઓ વર્ષમાં એકવાર કદાચ ૨૦૦ રૂપિયાનો પીઝા જ ખાશે, અને વ્યાજે પૈસા લઈને આબુ પણ ફરવા નહીં જાય. તેમને તો આ બધી ચિંતા જ નથી હોતી, કદાચ હોવી જોઈએ. પરંતુ તેઓ જાણે છે કે બે-ચાર વર્ષે દૂધના ભાવમાં લીટરે ૫૦ પૈસાનો વધારો થઈ પણ શકે. પરંતુ બોલકા લોકોને અમુક પ્રકારની રજૂઆત કરવાની, અમુક પ્રકારનાં મુદ્દા ઉભાં કરવાની, અમુક પ્રકારની નકારાત્મક વિચારસરણીની આદત પડી ગઈ છે. હકીકતમાં આ લોકોને અંતે શું કરવું છે તેની જ ખબર નથી હોતી.

આ રીતે જે તે બાબતનો વિરોધ કરવો એ દંભ પણ નથી. દંભ એટલે પોતાની માન્યતા, સિદ્ધાંત, નૈતિકતા, વ્યવસ્થા, આચરણ તથા વ્યવહાર યોગ્ય ન હોય તો પણ તેને યોગ્ય તરીકે સ્થાપિત કરવાની ચેષ્ટા. એમ પણ કહી શકાય કે વ્યક્તિ પોતે અમુક ધારાધોરણનું પાલન ન કરે અને અન્યને તે માટે સમજાવે તે પણ દંભ છે. દંભમાં લુચ્ચાઈ હોય, સ્વાર્થ હોય અને ક્યારેક કપટ પણ હોય. એ રીતે આ પ્રકારે બોલકા વ્યક્તિઓ દંભી છે તેમ કહી શકાય, પરંતુ તેમનું આચરણ દંભ કરતાં પણ વધુ જોખમી, નકારાત્મક અને વિનાશક રહે.
પાપમય જીવન જીવનાર વ્યક્તિ ધાર્મિકતાના પ્રચાર માટે પ્રયત્ન કરે, વ્યસન કરનાર વ્યક્તિ વ્યસન મુક્તિના સેમીનારમાં પ્રવચન આપે, ભ્રષ્ટ રાજકારણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવે, મહેલોમાં રહેનાર વ્યક્તિ ગરીબોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરે, વારસાગત સત્તા મેળવનાર વ્યક્તિ લોકશાહીનાં મૂલ્યો વિશે વાત કરે, હિંસાને આધારે પોતાનું સામ્રાજ્ય સ્થાપના વ્યક્તિ રક્તદાનની શિબિર યોજે, જેનાં ઘરના દરેક ટોયલેટમાં બાથટબ તેમ જ શાવરની વ્યવસ્થા હોય તે વ્યક્તિ પાણી બચાવો માટે રેલી યોજે, પોતાનાં ઔદ્યોગિક એકમમાંથી ઝેરી ગેસ વાતાવરણમાં કે પ્રદૂષિત પાણી નદીમાં છોડનાર વ્યક્તિ “ગો ગ્રીન”ની વકીલાત કરે, ધર્માંધતામાં હિંસા કરનાર શાંતિદૂત બનવાનો પ્રયત્ન કરે, પુત્ર માટે દહેજ માંગનાર પુત્ર-પુત્રીની સમાનતા માટે જાગૃતિ અભિયાન ચલાવે કે અન્ય કોઈ સ્વરૂપે જો વ્યક્તિ વિચાર – વાણી – વર્તનમાં ભેદ રાખે તેવી વ્યક્તિ દંભી કહેવાય. પણ અંતે તો તેમને ખબર હોય છે કે તેઓ શું કરે છે. આવી બે મોઢાંવાળી વ્યક્તિ પણ સ્પષ્ટ હોય છે કે કયું મોઢું ક્યારે દેખાડવું. આ પ્રકારના લોકોની એક સ્પષ્ટ વિચારસરણી હોય છે. તેઓ સ્પષ્ટ હોય છે, કન્ફ્યુઝ્ડ નથી હોતાં.
જ્યારે બોલકા લોકો દ્વારા વિરોધ તો માત્ર વિરોધ કરવા માટે જ થતો હોય છે. આ પ્રકારનાં લોકો માત્ર મીડિયાના ધ્યાનમાં રહી શકાય તે માટે પ્રયત્નશીલ રહે. એ વાત સાચી છે કે દુનિયાનાં મોટાભાગનાં લોકોને સ્થાપિત વ્યવસ્થા સામે કોઈને કોઈ ફરિયાદ તો હોય જ. આચાર્ય ચાણક્ય કીધું છે કે દુનિયામાં એવો કોઈ પણ નિયમ ન હોઈ શકે કે જેનાથી દરેક વ્યક્તિને ન્યાય મળવાની સંભાવના હોય. ક્યાંક તો કચાશ રહેવાની જ. કોઈપણ નિયમ દરેક વ્યક્તિને સંતોષ ન આપી શકે. ભાર વિનાના ભણતરમાં બાળક અમુક રીતે હોશિયાર ન બની શકે, અને જો શિક્ષક કડપ દેખાડે તો બીજા પ્રકારની તકલીફ રહે.
દરેક વ્યવસ્થામાં કોઈક તો નબળાઈ હોય જ. જે બધે જ વિરોધ કરે તેને ખબર જ ન હોય કે અંતે કરવું છે શું. ન બોલ્યા માં નવ ગુણ પણ છે અને બોલે એના બોર પણ વેચાય છે – નક્કી તો કરવું પડે ને કે ગુણ જોઈએ છે કે બોર વેચવા છે. અમુક લોકો, જ્યારે કોઈ ચુપ રહે ત્યારે કહે કે બોર નથી વેચાતાં, અને બોલે તો કહે કે ગુણનો વિકાસ નથી થતો. કોઈપણ સમજી નથી શકતું કે અંતે તેમને જોઈએ છે શું.
આ બાબતની ‘અજાણતા’ હોય તો ચાલી જાય, પરંતુ જો આ કપટના ભાગ સ્વરૂપે હોય તો તેનો વિરોધ થવો જોઈએ. અંતે શું કહેવું છે, અંતે શું કરવું છે, અંતે શું જોઈએ છે, તેની જ સ્પષ્ટતા ન હોય તો સામેવાળી વ્યક્તિ કેવી રીતે ‘યોગ્ય પગલાં’ લઈ શકે. ક્યારેક એમ લાગે છે કે વિરોધ કરવો એ એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે.
ક્યારેક તો વિરોધ કરનારને ખબર પણ નથી હોતી કે અન્ય કોઈ વિકલ્પ સંભવ છે કે નહીં. વિરોધ કરનાર વ્યક્તિને સમાજે પૂછવું જોઈએ કે “સમગ્રતા”માં અંતે જોઈએ છે શું.- હેમુ ભીખુ