રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. મંગળવારે મોડી રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં 1 વ્યક્તિનું મોત થયું અને 5 લોકો ઘાયલ થયા હોવાનું કીવની સૈન્ય પ્રશાસને જણાવ્યું છે. બીજી તરફ, રશિયાએ પણ યુક્રેનના ડ્રોન હુમલાઓમાં અનેક નાગરિકોના મોત અને ઈજાના દાવા કર્યા છે.
કીવમાં મિસાઇલ હુમલા બાદ ધડાકાના અવાજો
કીવની સૈન્ય પ્રશાસનના જણાવ્યા અનુસાર, હુમલા પહેલાં યુક્રેનની વાયુસેનાએ શહેર તરફ બેલિસ્ટિક મિસાઇલ આવી રહી હોવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ રાજધાનીના વિવિધ વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા. પ્રાથમિક માહિતી મુજબ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાથી કેટલું ભૌતિક નુકસાન થયું તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
રશિયામાં બીચ પર ડ્રોનના કાટમાળથી 7ના મોત
આ પહેલા સોમવારે દક્ષિણ રશિયાના લોકપ્રિય પ્રવાસન શહેર ગેલેન્દઝિકમાં યુક્રેનના ડ્રોનના કાટમાળ પડતાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાનું રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASSના અહેવાલ મુજબ મૃતકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 58 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ઘણા હજુ સારવાર હેઠળ છે.
ડ્રોન કેવી રીતે પડ્યુ તે અંગે સ્પષ્ટતા નથી
પ્રાદેશિક ગવર્નર વેનિયામિન કોન્ડ્રાત્યેવના જણાવ્યા મુજબ, માનવરહિત ડ્રોનના કાટમાળ બીચ પર પડતાં જાનહાનિ થઈ હતી. જોકે, રશિયન સત્તાવાળાઓએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે ડ્રોન સ્વયં નીચે પડ્યુ હતુ કે પછી તેને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યુ હતુ.
યુક્રેને રશિયાની એર ડિફેન્સને જવાબદાર ઠેરવ્યું
યુક્રેનના સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશનના વડા આન્દ્રી કોવાલેન્કોએ દાવો કર્યો કે આ દુર્ઘટના માટે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ જવાબદાર છે. તેમણે કહ્યું કે ડ્રોનને પ્રવાસીઓથી ભરેલા બીચ ઉપર જ તોડી પાડવામાં આવ્યુ હતુ. યુક્રેનનો દાવો છે કે તે માત્ર રશિયાના યુદ્ધ સંબંધિત સૈન્ય અને ઔદ્યોગિક માળખાને જ નિશાન બનાવે છે.
મોસ્કો વિસ્તારમાં પણ ડ્રોન હુમલાનો દાવો
રશિયન અધિકારીઓએ જણાવ્યું કે મોસ્કો વિસ્તારમાં પણ રાત્રે યુક્રેન તરફથી ડ્રોન હુમલા થયા હતા. TASSના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા હુમલામાં 5 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા. હુમલાના કારણે અનેક સ્થળોએ આગ લાગી હતી. ઉપરાંત વીજ સબસ્ટેશન અને એક વહીવટી ઇમારતને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે.
હવાઈ હુમલાઓથી તણાવ વધુ વધ્યો
તાજેતરના હુમલાઓ દર્શાવે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા અંતરના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ સતત વધી રહ્યા છે. બંને દેશો એકબીજા પર નાગરિક વિસ્તારો અને મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવવાના આરોપ લગાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે બંને તરફ નાગરિક જાનહાનિ અને માળખાકીય નુકસાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.