SURAT

છેલ્લાં 97 વર્ષથી અગરબત્તી અને અત્તરની સુંગધથી સુરતીઓને મહેકાવનારી B.M. સરૈયા પેઢી

પૂજા-અર્ચનાના સમયે ધૂપ-અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. અગરબત્તીથી પ્રસરતી સુગંધની અસર થી પૂજામાં એકાગ્રતાનો અનુભવ થાય છે અને વાતાવરણ ભક્તિમય બને છે. સુરતમાં છેલ્લાં 97 વર્ષથી ધૂપ-અગરબત્તી અને અત્તર તથા સ્પ્રે-પરફ્યૂમની સુંગધ સમગ્ર સુરતમાં પ્રસરાવનાર ભાગાતળાવ વિસ્તારની બી.એમ. સરૈયા પેઢીની શરૂઆત થઈ ત્યારે માત્ર અગરબત્તી અને જૈન મંદિરોની વસ્તુઓ વેચવામાં આવતી. સરકતા સમયની સાથે આ પેઢીએ પોતાના ધંધાનો વિસ્તાર કરી અલગ-અલગ બ્રાન્ડના સ્પ્રે- પરફ્યૂમ, મહેંદી, પૂજાની અન્ય સામગ્રી વેચવાનું શરૂ કર્યું. શરૂઆતથી જ ગુણવત્તામાં કોઈપણ રીતે બાંધછોડ નહીં કરવાના સિદ્ધાંતને વળગી રહેલી આ પેઢીના માલની ક્વોલિટી પર આજે વર્ષોના વહાણા વીત્યા બાદ પણ સુરતીઓનો વિશ્વાસ કેમ અકબંધ રહ્યાો છે અને ભરૂચ, બારડોલી, ચીખલી, વલસાડ, નવસારી,અંકલેશ્વરથી અહીંના પરફ્યૂમ અને અત્તર ખરીદવા લોકો કેમ આવે છે તે આપણે આ દુકાનના ત્રીજી પેઢીના સંચાલકો પાસેથી જાણીએ.

બેંગ્લોર, કોલકતા,પુણેના જૈન મંદિરોમાં માલ જતો: અસિત સરૈયા
આ દુકાનના ત્રીજી પેઢીના સંચાલક અસિતભાઈ સરૈયાએ જણાવ્યું કે, પેઢીની સ્થાપના થઇ ત્યાર બાદ મારા દાદા બાલુભાઈ સરૈયા જૈન મંદિરોની વસ્તુઓ બરાસ, કેસર, વાસક્ષેપ, સુખડનો પાઉડર, વરખ, બાદલુ દેશના અલગ-અલગ શહેર મહારાષ્ટ્રમાં પુણે, નંદુરબાર, ધૂલીયા ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભરૂચ તથા અન્ય શહેર બેંગ્લોર, કોઈમ્બતુર, ચેન્નાઇ, કલકતાના જૈન મંદિરોમાં સપ્લાય કરતાં હતાં. તેઓ શરૂઆતમાં બાય બસ કે ટ્રેનથી આ શહેરોમાં જતા અને મંદિરના ટ્રસ્ટીઓને મળતા અને તેમને પોતાની વસ્તુઓ વિશે જણાવતાં પછીથી ઓર્ડર આવતા માલ ટ્રેન મારફત મોકલાતો. જોકે હવે જૈન મંદિરોમા આ પેઢીની વસ્તુઓ નથી જતી પણ વ્યક્તિગત વેચાણ થાય છે.

1926માં બાલુભાઈ સરૈયાએ આ પેઢીનો પાયો નાંખ્યો હતો
14 ફેબ્રુઆરી 1926માં આ પેઢીનો પાયો બાલુભાઈ સરૈયાએ તેમના મિત્ર કહો કે પાર્ટનર મગનભાઈ શાહની સાથે મળીને નાંખ્યો હતો. બાલુભાઈ પહેલાં ફુરજા રોડ પરની સરૈયાની એક દુકાનમાં નૌકરી કરતાં હતાં. તેમણે 1925માં નૌકરી છોડી અને ઘરે અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ રાત્રે અગરબત્તી બનાવતા અને દિવસે ટોપલો લઈને ચાલતાં-ચાલતાં અગરબત્તીઓ વેચવા જતાં. આ રીતે તેમણે 8 મહિના અગરબત્તીઓ વેચી એ દરમિયાન તેમના એક મિત્રએ તેમને કહ્યું કે ભાગાતળાવ પર એક દુકાન ભાડે થી આપવાની છે આ દુકાન તેમણે તદ્દન નોમીનલ ભાડાથી લીધી અને અગરબત્તી અને જૈન મંદિરોની વસ્તુઓ વેચવાની શરૂઆત કરી. મગનભાઈ શાહ સાથે ભાગીદારીમાં આ દુકાન શરૂ કરી હોવાથી પેઢીને બી.એમ.સરૈયા નામ આપ્યું. ત્યારે ભાગળ, મહિધરપુરા, ગોપીપુરા, નાનપુરાથી ગ્રાહકો આવતાં હતાં.

ટપાલથી ઓર્ડર આવતો
એ સમયે સંદેશા વ્યવહાર ટપાલથી જ થતો. મંદીરના ટ્રસ્ટીઓ કે મહેતાજીઓ ટપાલથી ઓર્ડર આપતા. એ વખતે વસ્તુઓની પબ્લિસિટી માઉથ ટૂ માઇથ થતી. એને કારણે જ સાઉથમાં બેંગ્લોર, ચેન્નાઇ આદિ શહેરોમાં આ પેઢીનો માલ જતો.

2006ના પૂરમાં 50થી 60 હજાર રૂ.ના માલને નુકસાન થયું હતું: રાજનભાઈ સરૈયા
2006ની સાલમાં સુરતમાં આવેલા ભયાનક પુરની યાદો સુરતીઓના માનસપટ પર કાયમ અંકિત રહેશે. આ પુરમાં આ દુકાનમાં 7 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. રોડ લેવલથી 9 ફૂટ જેટલું પુરનું પાણી આવ્યું હતું. અગરબત્તી, અત્તર, લોબાન, કપૂર, અબીલ-ગુલાલના માલને 50થી 60 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. અત્તર અને પરફ્યુમની બોટલમાં પુરનું પાણી ભરાઇ ગયું હતું. ત્યારે લગભગ એક મહિનો દુકાનમાં વેચાણ નહિવત હતું.

મંદિરની અગરબત્તીમાં નવપદ, પાંદડી વેરાયટીની શરૂઆત કરી
અસિતભાઈ સરૈયાએ જણાવ્યું કે મારા પિતા રમેંશચંદ્રભાઈએ મહારાષ્ટ્રમાં અમલનેર, રાજસ્થાનના ભીનમાલ, શિરોહી, માઉન્ટ આબુમાં જૈન મંદિરોની વસ્તુઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે મંદિરની અગરબત્તીમાં ડેનીમ, પાંદડી, નવપદ, જીનેન્દ્ર, જીનદર્શન વેરાયટીની શરૂઆત કરી હતી. આ વેરાયટીની અગરબત્તી બીજી કોઈ દુકાનમાં નથી વેચાતી.

પૂજામાં મુકાતા અત્તર ગુલાબ, ખસ, કેવડા, સુખડ ગ્રાહકોની પસંદ
આ પેઢી દ્વારા પૂજામાં રખાતા અત્તર જેવાકે ગુલાબ, મોગરા, હિના, કેવડા, ચમેલી, ખસ, સુખડ ગ્રાહકોની પસંદ છે આ અત્તર કનૌજ, અમદાવાદ, મુંબઈથી મંગાવાય છે. ફેન્સી અત્તરમાં ફુલવોટર, નિવ્યા, જન્નત ઉલ ફિરદોસ (જન્નત ઉલ ફિરદોસ મુંબઈ, અમદાવાદથી આવતું અને હજી પણ આવે છે), પોન્ડસ, બ્રુટ ગ્રાહકોની પસંદ છે. જ્યારે પૂજાની સામગ્રી જેમકે કંકુ, ચંદન, અબીલ-ગુલાલ, સિંદૂર, કપૂર, ધૂપ, ગૂગળ,લોબાન અને મહેંદીનું વેચાણ આ પેઢી દ્વારા થાય છે.

અમેરિકા શિફ્ટ થયેલાં ગ્રાહકો હજી પણ અગરબત્તી, અબીલ-ગુલાલ, કંકુ, સિંદૂર લઈ જાય છે
રાજનભાઈ સરૈયાએ જણાવ્યું કે અમેરિકામાં ન્યુયોર્ક, કેલિફોર્નિયા, ફ્લોરિડા અને લંડન તથા સાઉથ આફ્રિકામાં શિફ્ટ થયેલાં ગ્રાહકો બે-ત્રણ વર્ષે જ્યારે પણ ઇન્ડિયા આવે ત્યારે આ દુકાને અચૂક આવે અને અબીલ-ગુલાલ, અગરબત્તી, અત્તર, કંકુ અને સિંદૂરનો સ્ટોક લઈ જાય છે. તેમના મિત્રો અને સગા-સંબંધીઓ માટે પણ આ બધી વસ્તુઓ લઈ જાય છે. કેટલાક ગ્રાહકો એવા છે કે જેમના દાદા અને પિતા પણ આ દુકાનેથી વસ્તુ લઈ જતા એમને ક્વોલિટી પર વિશ્વાસ હોવાથી ઇન્ડિયા આવે ત્યારે આ દુકાનની અચૂક મુલાકાત લે છે અને જૂની વાતોને વાગોળે છે.

1994-95ના ડિમોલિશનમાં દુકાનનો 12 ફૂટ હિસ્સો કપાયો
અસિતભાઈ સરૈયાએ જણાવ્યું કે તેમના દાદા બાલુભાઈએ આ દુકાન ભાડેથી લીધી હતી આજે પણ દુકાનનું ભાડું ચૂકવાય છે. 1994-95માં સુરત મહાનગરપાલિકાના કમિશનર એસ.આર.રાવના સમયે ચોકથી ભાગળ જવાના રસ્તે ડાબી બાજુની દુકાનોનું રસ્તો પહોળો કરવા ડિમોલિશન થયું હતું ત્યારે આ દુકાનનો પણ 12 ફૂટનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. ડિમોલિશન સંદર્ભની નોટિસ પ્રમાણે એલાઈનમેન્ટ કરીને આપવામાં આવ્યું હતું. કમિશનર રાવ સાહેબે ડિમોલિશન માટે મકાન માલિક અને ભાડુઆતનો સહકાર માંગ્યો હતો. ડિમોલિશન પહેલાં આ દુકાન 24 ફૂટ ઉંડી અને 10 ફૂટ પહોળી હતી.

1980ની આસપાસનો યાદગાર પ્રસંગ
અસિતભાઈ સરૈયાએ આ પેઢી અને તેમના દાદા સાથે સંકળાયેલા એક યાદગાર પ્રસંગ વિશે જણાવ્યું હતું કે 1980ની આસપાસ જૈન મંદિરોની વસ્તુઓનું વેચાણ ઓછું થયું હતું જેમાં ચાંદીના બાદલુનું પણ વેચાણ ઓછું થયું હતું. તેનું કારણ એ હતું કે બજારમાં મિક્સિંગ વાળું બાદલુ સસ્તા ભાવે વેચાતું એટલે મેં દાદાને કહ્યું હતું કે આપણે પણ મિક્સિંગ કરીએ ત્યારે દાદા બાલુભાઈએ ચોખ્ખી ના પાડી હતી તેમણે કહ્યું હતું કે આપણી પેઢીની પ્રેસ્ટીજ ખરાબ થાય તેવું કામ જિંદગીમાં ક્યારેય કરવું નહીં બસ એ જ સિદ્ધાંત પર આજની તારીખે પણ ગુણવત્તાનું ધ્યાન રખાય છે.

ધીરુભાઈ અંબાણી હેર ઓઇલ માટે આંબળાની પડી મંગાવતા
અસિતભાઈ સરૈયાએ જણાવ્યું કે વર્ષો પહેલાં રિલાયન્સના ધીરુભાઈ અંબાણી આ પેઢી દ્વારા બનાવાતી આંબળાની પડી મંગાવવા મુંબઈથી માણસ મોકલાવતા. જે ભાઈ આંબળાની પડી લઈ જતાં તેમણે કીધું હતું કે આ ક્યાં જાય છે તમને ખબર છે આ ધીરુભાઈ અંબાણીને ત્યાં જાય છે. એ ભાઈ અમારી પેઢીમાંથી રેગ્યુલર આંબળાની પડી લઈ જતાં હતાં. આંબળાની પડીના 100 ગ્રામના 10 પેકેટમાંથી 15કિલો હેર ઓઇલ બને છે.

ચંદનના લાકડા કર્ણાટકના શિમોગાથી આવતા
શરૂઆતમાં અગરબત્તીનું રો-મટીરીયલ અમદાવાદ અને મુંબઇથી આવતું જ્યારે ચંદનના લાકડાં કર્ણાટકના મૈસુર નજીકના શિમોગાથી આવતા. અબીલ અને ગુલાલ અમદાવાદથી અને કંકુ સોલાપુર ડિસ્ટ્રીકટના કેમથી લાવવામાં આવતું. અત્તર U.P.ના કનૌજ અને મુંબઈથી આવતું અને હજીપણ આવે છે. અમદાવાદથી હજી પણ અગરબત્તીનું રો-મટીરીયલ આવે છે.

Most Popular

To Top