Editorial

બે દાયકામાં પ્રથમ વખત મુદ્દાવિહીન ચૂંટણીને કારણે મતદાનની ટકાવારી ઘટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આ વખતે મતદારો ભારે નિ:રસ જોવા મળ્યા. જ્યાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાય ત્યાં આ વખતે ઉત્સાહની કમી જોવા મળી હતી. મતદારોમાં નિ:રસતાને કારણે આ વખતે પ્રથમ તબક્કામાં ચાર ટકા જેટલું મતદાન ઓછું થયું છે અને તેને કારણે રાજકીય પક્ષના ઉમેદવારો, આગેવાનો તેમજ કાર્યકરો ચિંતામાં પડી ગયા છે. ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન કરાવશે તેની ચર્ચામાં લોકો પડી ગયા છે. ઓછું મતદાન થવાના અનેક કારણો છે પરંતુ તમામ કારણોમાં સૌથી મોટું કારણ એ છે કે આ વખતની ચૂંટણીમાં એવો કોઈ મુદ્દો જ નહોતો કે જેના આધારે મોટાપાયે મતદાન થાય.

કોંગ્રેસે આ વખતે ભાજપને કોઈ જ એવી તક આપી નહી કે તેને મુદ્દો મળે. બીજી તરફ ભાજપે મુદ્દા ઊભા કરવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એકેય એવો મુદ્દો ઊભો કરી શક્યા નથી કે જેના આધારે ભાજપ ચૂંટણીની વૈતરણી તરી જાય. ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા માટે આપ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ આપ પણ એવી કોઈ જ લહેર ઊભી કરી શક્યું નહીં અને સરવાળે ઓછા મતદાનથી લોકશાહીને નુકસાન થયું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બાદમાં વડાપ્રધાન બન્યા તેના 20 વર્ષમાં આ એવી પ્રથમ ચૂંટણી રહી છે કે જેમાં મજબૂત મુદ્દાઓ રહ્યા નથી. જ્યારે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ ચૂંટણીમાં ગોધરાકાંડનો મુદ્દો હતો.

આ મુદ્દાને કારણે ભાજપ-કોંગ્રેસ, બંને પક્ષ માટે આક્રમક મતદાન થયું હતું. બીજી ચૂંટણી 2007માં આવી. આ સમયે મોદી સામે પડકાર ફેંકનાર પાટીદાર ધારાસભ્યો અને કેશુભાઈ પટેલની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં પાટીદાર મોટો મુદ્દો હતો. આ સમયે નરેન્દ્ર મોદીએ ઓબીસીને પોતાની તરફ ખેંચ્યા અને મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો. બાદમાં 2012ની ચૂંટણી આવી. આ ચૂંટણી વખતે પણ સોનીયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ‘મોતના સૌદાગર’ કહ્યા અને આ મુદ્દાને ભાજપે પકડી લીધો. બાદમાં 2017ની ચૂંટણી આવી. આ પ્રથમ ચૂંટણી હતી કે જ્યારે મોદી મુખ્યમંત્રી તરીકે નહોતા. ચૂંટણી વિજય રૂપાણીના નેજા હેઠળ લડાઈ અને તેમાં પાટીદાર અનામત આંદોલન મુખ્ય મુદ્દો રહ્યો. પાટીદાર અનામત આંદોલનને કારણે રાજ્યભરમાં થયેલા તોફાનો અને સાથે સાથે પાટીદારોની નારાજગીનો મુદ્દો ચૂંટણીમાં હાવી રહ્યો. પરંતુ હાલની 2022ની ચૂંટણીમાં કોઈ જ મુદ્દો જોવા મળ્યો નહી.

મોદીથી ગણવામાં આવે તો છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ તાજેતરમાં જ ભાજપ દ્વારા મુખ્યમંત્રી બદલવાને કારણે ભાજપ પોતાના વિકાસના કામોની એવી કોઈ જ અસર ઊભી કરી શક્યો નહીં. બીજી તરફ કોંગ્રેસે આ વખતે સાયલન્ટ પ્રચાર કર્યો. કોંગ્રેસે પોતાના એવા કોઈ જ સ્ટાર પ્રચારકો બોલાવ્યા નહી. રાહુલ ગાંધીએ પણ અત્યાર સુધીમાં એક-બે સભાઓ કરી. કોંગ્રેસ સમજી ગયું કે હોહા કરવાથી મતો નહી મળે અને કોંગ્રેસે ડોર ટુ ડોર તેમજ ખાટલા બેઠકો પર વધારે ભાર મુક્યો. બીજી તરફ આપ દ્વારા આક્રમક પ્રચાર કરવાની રણનીતિ અપનાવવામાં આવી. પરંતુ ગુજરાતમાં આપનું નબળું સંગઠન અને સાથે સાથે માત્ર એક જ સમાજની પાર્ટી હોવાની છાપને કારણે આપ પણ એવા કોઈ મુદ્દા કે ધારી અસર પાડી શક્યો નહી. માત્ર સુરતમાં આપના કાર્યકરોમાં ઉત્સાહ દેખાયો પરંતુ મતદારો ઉત્સાહમાં દેખાયા નહીં.

આ વખતની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષ માટે ટેન્શન ઊભું કરી દીધું છે. જ્યારે પણ મતદાર મૌન થાય છે ત્યારે પરિણામો આંચકાજનક આવે છે. ભાજપ એવો દાવો કરી રહ્યું છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં તેમના ફાળે મોટાભાગની સીટ આવશે. જ્યારે કોંગ્રેસ એવો દાવો કરી રહ્યું છે કે મોટાભાગની સીટ તેમની આવશે. આવો જ દાવો આપનો છે. હજુ ચૂંટણીનો બીજો તબક્કો બાકી છે. પ્રથમ તબક્કામાં ત્રિ-પાંખિયો જંગ હતો. જેમાં આપનું દક્ષિણ ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્રમાં વજુદ દેખાતું હતું. પરંતુ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આપનું એટલું જોર નથી. આ સંજોગોમાં બીજા તબક્કાની ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. જો બીજા તબક્કામાં પણ મતદારો નિ:રસ જ રહેશે તો આ વખતની ચૂંટણીના પરિણામો રાજકીય રીતે અલગ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top