SURAT

સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મેયરની વરણી મુગલસરાયની બહાર થશે

સુરત: મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સુરત(SURAT)માં ઇતિહાસ સર્જાયો છે. શહેર ભાજપે 93 બેઠક જીતી હતી. જ્યારે આમ આદમી પાર્ટી(AAP)એ 27 બેઠક જીતી છે. ત્યારે જેની કાગના ડોળ રાહ જોવાઇ રહી હતી તે સરકારી ગેઝેટ જાહેર થઇ ચૂક્યું છે. અને હવે ચુંટાયેલા તમામ સભ્યોને સુરત મનપા(SMC)ના નગરસેવકો તરીકે કાયદેસરની માન્યતા મળી ગઇ હોય. નિયમ મુજબ મનપાની સામાન્ય સભા બોલાવી મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના 12 સભ્યની વરણી માટે પણ એજન્ડા બહાર પાડી દેવાયો છે.

મનપા કમિશનરે (MUNICIPAL COMMISSIONER) જાહેર કરેલા એજન્ડામાં 12મી તારીખે 11 કલાકે સંજીવકુમાર હોલમાં મનપાની સામાન્ય સભા યોજાશે, જેમાં આ વરણીઓ કરવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ (SOCIAL DISTANCING) અને અન્ય નિયમોનું પાલન કરવા માટે મનપાના સરદાર હોલને બદલે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ(SANJIV KUMAR AUDITORIUM)માં સામાન્ય સભા રાખવામાં આવી છે. તેથી સુરત મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત મુગલસરાયની બહાર મનપાના મેયરની વરણી થશે.

કાર્યકારી અધ્યક્ષની જોગવાઈ ખતમ, કમિશનરના અધ્યક્ષ પદે મેયરની વરણી થશે : મેયર પદના દાવેદારે સભા અગાઉ દાવેદારી કરવી પડશે

કોઈપણ મહાનગર પાલિકાના મેયર કે સામાન્ય સભા દ્વારા કરાતી વરણીઓ માટે એવો નિયમ હતો કે બહુમતી ધરાવતા પક્ષમાંથી કોઇ પણ એક સભ્ય સભાના કાર્યકારી અધ્યક્ષ બને તેની દરખાસ્ત સેક્રેટરી દ્વારા મુકાતી અને તે સભાનું કામ ચાલુ કરે. ત્યાર બાદ એક સભ્ય મેયર તરીકે એક સભ્યની દરખાસ્ત મૂકે તેને અન્ય સભ્યો ટેકો આપે અને જો વિપક્ષ વિરોધ કરીને પોતાના સભ્ય માટે દરખાસ્ત મૂકે તો મતદાન થાય અને બહુમતીથી મેયરની વરણી થાય. ત્યાર બાદ તે સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળે અને બાકીનાં કામો આગળ ચાલે.

જો કે, બદલાયેલા નિયમો મુજબ હવે મેયર બનવા ઇચ્છતા ચુંટાયેલા સભ્યએ મનપાના કમિશનરને સામાન્ય સભા શરૂ થવાના ઓછામાં ઓછો અડધો કલાક પહેલાં પોતાની મેયર પદ માટેની દાવેદારી રજૂ કરવી પડશે. કમિશનરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળશે અને દાવેદારો બે હશે તો ચૂંટણી થશે. એટલે હવે કાર્યકારી સભા અધ્યક્ષની જોગવાઇ પૂરી થઇ ગઇ છે. અગાઉના સામાન્ય સભા સહિત તમામ સમિતિઓના એજન્ડા પણ મ્યુનિસિપલ સેક્રેટરીની સહીથી જ બહાર પડે છે. જો કે, આ વખતે બદલાયેલા નિયમો મુજબ આચાર સંહિતામાં મનપા કમિશનરને જ પ્રથમ બોર્ડનો એજન્ડા બહાર પાડવાની સત્તા આપવામાં આવી હોય કમિશનરની સહીથી એજન્ડા જાહેર કરાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top