આસ્થાના મહાકુંભ પ્રયાગરાજ જવા માટે પ્લેન કે ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી. ત્યારે શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ દ્વારા સુરતથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો સર્વિસ શરૂ કરવામાં આવી છે. આજે તા. 4 ફેબ્રુઆરીએ સુરતથી મહાકુંભ તરફ પ્રસ્થાન કરતી નવી વોલ્વોને ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું.
આજે સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને હર્ષ સંઘવીએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. પહેલાં દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી. જેમાં 35 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના થયા હતા. આવતીકાલથી સુરતથી પ્રયાગરાજ માટે રોજની બે બસ ઉપડશે, જેનું ૫૦ ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે. યાત્રાળુઓએ કહ્યું કે, અગાઉ પણ મહાકુંભમાં જવા માટે પ્લાન બનાવ્યા હતા પણ ટિકિટ મળતી ન હતી. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આ વોલ્વો બસ શરૂ કરવામાં બુકિંગ શરૂ થતાની સાથે જ અમે બુકિંગ કરાવી લીધું હતું.
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે, ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો છે. તેના પગલે રાજ્ય સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ હતી. જ્યારે આજથી વધુ પાંચ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે. ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે. ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો. આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો. સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એસી વોલ્વોનું ભાડું 8300
સરકારે સુરતથી મહાકુંભમાં જવા ઇચ્છતા શ્રદ્ધાળુ માટે પેકેજ જાહેર કર્યું છે, જેમાં 3 રાત્રિ અને 4 દિવસનું વ્યક્તિ દીઠ 8,300નું પેકેજ રહેશે. એમાં જીએસઆરટીસીની એસી વોલ્વો બસ રહેશે. જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે. દિવસનું અને રાતનું ભોજન પેસેન્જરના સ્વખર્ચાનું રહેશે એટલે ભોજનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પેકેજમાં નથી.
