ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સમાન નાગરિક સંહિતા અંગે પાંચ સભ્યોની સમિતિની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ રહેશે. આ કમિટિ 45 દિવસમાં રિપોર્ટ સબમીટ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિ રચવાનો નિર્ણય લેવાયો છે.
કમિટિમાં રંજના દેસાઈ ઉપરાંત સિનિયર નિવૃત્ત આઈએએસ અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે.
કમિટિના રિપોર્ટના આધારે સરકાર નિર્ણય લેશેઃ મુખ્યમંત્રી
રાજ્યમાં કોમન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે, તે અંગે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ માટે કમિટિની વરણી કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વચન પૂરું કરે છે. વન નેશન વન ઈલેક્શન, આર્ટિકલ 370, ટ્રીપલ તલાક ના વચનો પૂરા કર્યા છે. હવે સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો સંકલ્પ પુરો કરાશે. તે માટે અમે કટિબદ્ધ છે.
