Sports

સિઝનની પ્રથમ ટાઈ : સુપર ઓવરમાં દિલ્હીએ હૈદરાબાદને હરાવ્યું

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોની અર્ધસદી ઉપરાંત ઋષભ પંત અને સ્ટીવ સ્મિથની ઇનિંગની મદદથી મુકેલા 160 રનના લક્ષ્યાંક સામે 7 વિકેટે 159 રન કરતાં મેચ ટાઇ થઇ હતી. તે પછી સુપર ઓવરમાં મેચનું પરિણામ નક્કી થયું હતું.

સનરાઇઝર્સ (SUNRIZERS HYDERABAD) વતી સુપર ઓવરમાં ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સન બેટિંગમાં આવ્યા હતા અને દિલ્હી (DELHI CAPITALS) વતી સુપર ઓવર અક્ષર પટેલે ફેંકી હતી જેમાં એક ચોગ્ગા સાથે કુલ 8 રન આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ વતી ઋષભ પંત અને શિખર ધવન બેટિંગમાં આવ્યા હતા અને સનરાઇઝર્સ વતી રાશિદ ખાન બોલિંગ કરવા આવ્યો હતો અને પંત તેમજ શિખરે મળીને 8 રન કરીને દિલ્હીને મેચ જીતાડી હતી.

લક્ષ્યાંકને આંબવા માટે મેદાને પડેલી સનરાઇઝર્સ હૈદરાબાદને શરૂઆત એટલી સારી રહી નહોતી અને કેપ્ટન ડેવિડ વોર્નર માત્ર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. આક્રમક બેટિંગ કરતો બેયરસ્ટો 18 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 38 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 56 રન હતો. વિલિમ્સન એક છેડો સંભાળીને સ્કોર આગળ ધપાવતો રહ્યો હતો અને એ દરમિયાન વિરાટ સિંહ 4, કેદાર જાદવ 9, અભિષેક શર્મા 5, રાશિદ ખાન શૂન્ય અને વિજય શંકર 8 રને આઉટ થતાં તેમનો સ્કોર 18.3 ઓવરમાં 7 વિકેટે 136 રન થયો હતો અને 20 ઓવરના અંતે તેમનો સ્કોર 7 વિકેટે 159 રન થતાં મેચ ટાઇ થઇ હતી.

ટોસ જીતીને પહેલા દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શો અને શિખર ધવનની ઓપનીંગ જોડીએ સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ બોર્ડ પર 81 રન મુકી દીધા હતા. 11મી ઓવરના બીજા બોલે ધવન અંગત 28 રન કરીને આઉટ થયો હતો અને તે પછી માત્ર 3 રનના ઉમેરામાં પૃથ્વી શો રનઆઉટ થયો હતો. પંત અને સ્મિથે મળીને 58 રનની ભાગીદારી કરી હતી. પંત 37 રન કરીને આઉટ થયો હતો. જ્યારે સ્મિથ 34 રને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top