Editorial

કોરિયન દ્વિપકલ્પમાં મોટો ભડકો થવાનો ભય વધી ગયો છે

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે, આ બંને દેશો એક સમયે એક જ હતા. આખો કોરિયન દ્વિપકલ્પ એક જ દેશ હતો, જેને ૧૯૧૦માં જાપાને કબજે કરી લીધો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ અને જાપાનની અમેરિકા સમક્ષ શરણાગતિ પછી સોવિયેટ યુનિયને જાપાન પર યુદ્ધ જાહેર કર્યું અને કોરિયા તરફ લશ્કર મોકલ્યું. બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકા અને રશિયા સહિતનું સોવિયેટ યુનિયન સાથે મળીને જર્મની અને જાપાન તથા તેમના સાથી દેશો સામે લડ્યા હતા.

પરંતુ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી ટૂંક જ સમયમાં સામ્યવાદી સોવિયેટ યુનિયન અને મૂડીવાદી અમેરિકા વચ્ચે શંકાનો માહોલ ઉભો થઇ ગયો હતો જે બાદમાં શીતયુદ્ધમાં પલટાયો. સોવિયેટ યુનિયને કોરિયામાં લશ્કર મોકલ્યું અમેરિકાને ફાળ પડી કે આ યુનિયન આખા કોરિયન દ્વિપકલ્પને પોતાના કબજા હેઠળ લઇ લેશે, તેણે સોવિયેટ યુનિયનને વિનંતી કરી કે તે ચોક્કસ સ્થળે અટકી જાય. કોરિયાના દક્ષિણ ભાગમાં અમેરિકાએ પોતાનું લશ્કર ઉતાર્યું.

ઉત્તર અને દક્ષિણ કોરિયામાં અનુક્રમે સોવિયેટ યુનિયન અને અમેરિકાના ટેકાથી સરકારો રચાઇ, એક કોરિયા બે દેશોમાં વહેંચાયું, ઉત્તર સામ્યવાદી બન્યુ અને દક્ષિણ મૂડીવાદી બન્યું અને બંને વચ્ચે જે શત્રુતા સર્જાઇ તે આજ દિન સુધી ચાલુ છે. બંને વચ્ચે ૧૯પ૦થી ૧૯પ૩ દરમ્યાન યુદ્ધ પણ થયું જે અમેરિકા અને ચીનની દખલગીરીઓ પછી શક્તિની સમતુલા સર્જાતા અટકયું પણ કોઇ સંધિ થઇ શકી નહીં. વચ્ચે વચ્ચે કામચલાઉ શાંતિ પ્રયાસો થયા છે પણ મહદઅંશે તો શત્રુતા જ રહી છે. ઉત્તર કોરિયામાં કિમ વંશની એકહથ્થુ સરમુખ્ત્યા પ્રકારની સત્તા રચાઇ, જે હજી પણ ચાલુ છે જ્યારે દક્ષિણ કોરિયામાં લશ્કરી શાસન પછી હાલ લાંબા સમયથી લોકશાહી છે.

બંને કોરિયામાંથી ઉત્તર કોરિયા કંગાળ રહ્યું છે અને વધુ આક્રમક રહ્યું છે. મૂડીવાદી દક્ષિણ કોરિયા ઠીક ઠીક સમૃદ્ધ છે અને તેની સેમસંગ જેવી કંપનીએ તો વૈશ્વિક સ્તરે નામ કાઢયું છે. દક્ષિણ કોરિયા પણ અમેરિકાના જોરે ઉત્તર કોરિયા સામે ફૂંફાડા મારતું રહે છે. હાલમાં ઉત્તર કોરિયન તાનાશાહ કીમ જોંગ રશિયા જઇ આવ્યા ત્યાં કંઇક શસ્ત્રોની સોદાબાજી કરી આવ્યા હોવાનું મનાય છે. આના પછી હવે હાલ દક્ષિણ કોરિયાએ મોટો ફૂંફાડો માર્યો છે અને એક મોટી પરેડ યોજી છે. મંગળવારે દક્ષિણ કોરિયાએ હજારો લશ્કરી સૈનિકો અને ઉત્તર કોરિયા પર ત્રાટકવા માટે સક્ષમ એવા શસ્ત્રોના જંગી પ્રદર્શન સાથે તેના આર્મ્ડ ફોર્સિસ ડે પ્રસંગે ૧૦ વર્ષનો સૌથી મોટો એવો ભવ્ય સમારંભ રાજધાની સિઉલમાં યોજ્યો હતો જેમાં ભવ્ય પરેડ યોજાઇ હતી અને પ્રમુખે કોઇ પણ ઉશ્કેરણીનો જવાબ આપવા માટે વધુ ભવ્ય લશ્કરના નિર્માણની પ્રતિજ્ઞા કરી હતી.

સિઉલમાં યોજાયેલ ભવ્ય પરેડમાં ૪૦૦૦ સાઉથ કોરિયન સૈનિકો રાઇફલો અથવા ધ્વજો સાથે પરેડ કરી રહ્યા હતા જેમની સાથે ૩૦૦ અમેરિકી સૈનિકો પણ જોડાયા હતા. ૨૦૧૩ પછી પ્રથમ વખત આવી લશ્કરી પરેડ અહીં યોજાઇ હતી. આ પરેડમાં અમેરિકન સૈનિકો પણ જોડાયા હતા તે નોંધપાત્ર છે. વળી દક્ષિણ કોરિયન પ્રમુખે આ પ્રસંગે પ્રવચન કરતા આકરા સૂર કાઢ્યા છે. સિઉલમાં લશ્કર દિન સમારંભમાં બોલતા મિલિટરી એરપોર્ટ નજીક પ્રવચન કરતા યૂને કહ્યું હતું કે તેઓ શત્રુના ભયને ખાળી શકે તેવું એક મજબૂત લશ્કર ઉભું કરશે. યુદ્ધ ક્ષમતાથી સજ્જ આપણુ લશ્કર ઉત્તર કોરિયા તરફથી થતી કોઇ પણ ઉશ્કેરણનો વળતો જવાબ આપી શકશે એમ તેમણે સીધુ નામ લેતા કહ્યૂં હતું. જો કે તેમણે પોતાના પ્રવચનમાં ઉત્તર કોરિયા અને રશિયાના સંબંધોનો ઉલ્લેખ કર્યો ન હતો.

ઉત્તર કોરિયા તો મિસાઇલ પરીક્ષણો સહિતના જાત જાતના ઉધામાઓ લાંબા સમયથી કરતું જ આવ્યું છે ત્યારે હવે દક્ષિણ કોરિયાએ કરેલો હુંકાર વિશ્વને ચિંતા કરાવી શકે તેવો છે કે ક્યાંક કોરિયન દ્વિપકલ્પમાં મોટો ભડકો તો નહીં થાય ને? યુક્રેનમાં ધીમુ ધીમુ યુદ્ધ હજી ચાલુ જ છે ત્યારે આ બીજો મોટો ભડકો આખી દુનિયાને અનેક રીતે દઝાડી શકે છે. આપણે ઉપર જોયું તેમ મહાસત્તાઓની દખલગીરીથી કોરિયાના બે ફાડચા થયા પણ બંને દેશો સમજદારી દાખવવાના બદલે, લોકહિત વિચાર્યા વિના એકબીજાના કટ્ટર શત્રુની જેમ વર્તી રહ્યા છે તે ઘણી દુ:ખદ બાબત છે.

Most Popular

To Top