Columns

પિતાની પેટી

એક મોટા સરકારી અધિકારી હતા. તેમના પિતા ૯૦ વર્ષના થયા. બીમાર રહેતા હતા.એક દિવસ રવિવારે અધિકારી પિતાની પાસે બેસી તેમને નાસ્તો કરવી રહ્યા હતા ત્યારે તેમણે પિતાને પૂછ્યું, ‘આ તમારી જૂની નાનકડી પેટીમાં તમે શું રાખ્યું છે, જોવા દો મને, જો વસ્તુઓ કામની ન હોય તો આ વર્ષો જૂની તૂટેલી પેટી ફેંકી દઈએ?’ પિતાએ કહ્યું, ‘અરે,મારી પેટી છે. ભલે જૂની હોય તેમાં મારી થોડી કિંમતી વસ્તુઓ છે. ફેંકવાની તો વાત દૂર કોઈએ હાથ પણ લગાડવાનો નથી.’ સરકારી અધિકારીએ વિચાર્યું, ‘ભલે હશે. પપ્પાની કોઈ નાની મોટી સોના ચાંદીની વસ્તુ ભલે તેમને મમત છે તો મારે જીદ કરવી નથી.’ થોડા દિવસો વીત્યા. પેટીની વાત ભૂલાઈ ગઈ.

એક દિવસ સવારે બીમાર પિતા રાત્રે સૂતા સવારે ઊઠ્યા જ નહિ.એક સાંજે પિતાને યાદ કરતા અધિકારી પોતે પિતાની રૂમમાં ગયા અને તેમના ખાટલા પર બેસીને તેમની જૂની જૂની યાદો યાદ કરતા હતા કે પિતા ગામડામાં ખભે બેસાડી શાળામાં મૂકવા આવતાં અને મેળો જોવા લઇ જતા. દરેક રીઝલ્ટ વખતે લાડુ વહેંચતા.અચાનક અધિકારીની નજર તેમના પિતાની પેલી પેટી પર ગઈ. તરત એમણે પેલી પેટી હાથમાં લીધી કે જોવા દે આમાં મારા પિતાની કઈ કિંમતી વસ્તુઓ છે.

પેટી ખોલતાં જ તેમની આંખો વરસી પડી.પેટીમાં પિતાની થોડી યુવાનીની યાદો, મા નો ફોટો હતો અને અધિકારીના નાનપણના ફોટા, શાળા અને કોલેજના રિઝલ્ટ, મેડલ અને સર્ટીફીકેટ, ઝભલાથી લઈને યુનિફોર્મ સુધી ઘણી નાની મોટી યાદો હતી. એક નહિ પણ ત્રણ ત્રણ ડાયરી હતી, જેમાં દરેક પાનાં પર પિતાએ પોતાના દીકરાના જન્મથી તે મોટો થયો, અધિકારી બન્યો, લગ્ન થયા ત્યાં સુધીની દરેક મહત્ત્વની યાદો તારીખ વાર સમય અને વર્ણન સાથે લખી હતી.

પહેલો દાંત ફૂટયો, ચાલતાં કયારે શીખ્યો,પહેલો જન્મદિન, પહેલો શાળાનો દિન વગેરે બધા વિષે અત્યારે અધિકારી બનેલા પુત્રને યાદ પણ ન હોય તે બધું પિતાએ ચીવટથી લખ્યું અને જાળવ્યું હતું. પિતા બહુ ભણેલા ન હતા. માંડ આઠમી સુધી ભણ્યા હશે, પણ તેમણે પુત્રને બહુ ભણાવી મોટો માણસ બનાવવાનું સપનું જોયું હતું તે પણ લખ્યું હતું કે ભલે મારી પાસે પૈસા નથી પણ હું દિન રાત મજૂરી કરીને પણ નાનકાને બહુ ભણાવી મોટો માણસ બનાવીશ.પિતાને યાદો સાથે દરેક પાને ભગવાનને પ્રાર્થના લખી હતી કે મારા દીકરાને જાળવજે ,તેને આશિષ આપજે, મારા પુણ્યનું ફળ તેને આપજે વગેરે વગેરે.

અધિકારી કલાકો સુધી આ બધું વાંચતા રહ્યા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા કે મારા પિતા માટે સૌથી કિંમતી હું હતો અને મારી દરેક સફળતા મારી હોશિયારી નહિ પણ મારા પિતાના સતત વરસતા આશિષ હતા.અધિકારીએ આ પેટી સંભાળીને મૂકી અને તે રૂમમાં પિતાનાં ચશ્માં,તેમનો ગ્લાસ, તેમનો રૂમાલ જેવી પિતાની જેટલી યાદો હતી તે પણ સમેટીને મૂકી. આવી પેટી દરેક પિતાએ બનાવી હોય કે ન હોય તેમના દિલમાં આવી પેટી અચૂક હોય છે, જેમાં પોતાનાં સંતાનોની યાદો અને તેમના માટે પારાવાર પ્રેમ અને આશિષ ભર્યા હોય છે.

Most Popular

To Top