Dakshin Gujarat

તાપી-સુરત જિલ્લાના ખેડૂતોને રાહતદરે બોર કરી આપવાની લાલચ આપી રૂ.4.26 લાખની છેતરપિંડી

સુરત: વ્યારા, સોનગઢ, મહુવા, માંડવી સહિતના ખેડૂતોને (Farmers) રાહતદરે બોર કરી આપવાની લાલચ આપી બોરના કુલ રૂ.24,22,638 તથા સભાસદ પેટેના કુલ રૂ.3,960 મળી કુલ રૂ. 4,26,598 પડાવ્યા બાદ તેઓને ખોટા વાયદા (False Promises) કરી બોર નહીં કરી આપતાં તેમજ મહિલા કર્મચારીનો પગાર રૂ.18 હજાર તથા કમિશન પેટેના રૂ.11,500 તેમજ બોરની ગાડી ચાલુ કરવા માટે ઉછીના લીધેલા રૂ.10 હજાર પરત નહીં આપી આ મહિલાની સાથે સાથે અન્ય ખેડૂતો સાથે વિશ્વાસઘાત (Fraud) કરતાં સ્ટેવી ગ્રુપ તથા અપોધ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. વ્યારાના મુખ્ય સંચાલક સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

એક બોર પ્રમાણે પગાર ઉપરાંત રૂ. 300 કમીશન પેટે આપવા જણાવ્યું
પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા દક્ષિણાપથ સ્કૂલની પાછળ બેથેલ સોસાયટીમાં શરૂ કરેલી સ્ટેવી ગ્રુપ ઓફિસમાં વ્યારાના ગોરૈયા ગામે નિશાળ ફળિયાની સને-2019માં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતી મહિલા ઉષાબેન ઠાકોરભાઇ ગામીત (ઉં.વ.૪૧)ને પગાર પેટે ૫હેલા માસિક રૂ.6 હજારથી રૂ.9 હજાર આપવાનું નક્કી કર્યુ હતું. સ્ટેવી ગ્રુપ ઓફિસ બદલી વ્યારા-ઉનાઇ રોડ ઉપર ગોલ્ડન નગર ખાતે અપોધ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના નામથી ઓફિસ ચાલુ કરવામાં આવી હતી. જેના મુખ્ય સંચાલક સુનીલ ગામીતે તેને વ્યારા તાલુકાના ગામોમાં જઇને ખેડૂતોને સરકારની યોજનામાં રાહત દરે બોર કરી આપવા તેમજ એક બોરના રૂ. 11,500 તથા સભાસદ પેટે રૂ. 120 મળી કુલ્લે રૂ. 11,620 વ્યારા ઓફિસ ખાતે આવી જમા કરાવવા ખેડૂતોને સમજાવવા અને યોજનાની માહિતી આપવા તેમજ જે ખેડૂત પૈસા જમા કરાવશે તેમાં એક બોર પ્રમાણે પગાર ઉપરાંત રૂ. 300 કમીશન પેટે આપવા જણાવ્યું હતું.

બોરનાં નામે નાણાં જમા કરાવ્યાં,પણ સંચાલકોએ બોર કરી આપ્યા ન હતા
ગામડે ગામડે જઇને ખેડૂતોને સરકારની યોજનામાં રાહત દરે બોર કરી આપવાની માહિતી ઉષાબેન ગામીતે આપી હતી. જેમાં કુલ 33 ખેડૂતોએ બોરનાં નામે નાણાં જમા કરાવ્યાં હતાં. પણ સંચાલકોએ બોર કરી આપ્યા ન હતા, કે તેઓએ ભરેલી રકમ પરત આપી ન હતી. કર્મચારી ઉષા ગામીતના પગાર રૂ.18 હજાર તથા કમિશન પેટેના રૂ. 11,500 પણ ચૂકવ્યા ન હતા. ઉપરાંત તેની પાસેથી બોરની ગાડી ચાલુ કરવા ઉછીના લીધેલ રૂ.10 હજાર પણ પરત આપ્યા ન હતા. આમ સ્ટેવી ગ્રુપ તથા અપોધ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. વ્યારાના સંચાલકોએ તમામ ખેડૂતોને રાહતદરે બોર કરી આપવાની યોજના બહાર પાડી ખેડૂત ખાતેદારોને લાલચ આપી બોરના કુલ રૂ.4,22,638 તથા સભાસદ પેટેના કુલ રૂ.9,960 મળી કુલ રૂ.4,26,598ની છેતરપિંડી કરી હતી.

છેતરપિંડી કરનારા આરોપીઓ
સ્ટેવી ગ્રુપ તથા અપોધ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. વ્યારાના મુખ્ય સંચાલક સુનીલ નગીન ગામીત (રહે.,નિશાળ ફળિયું, મેઢસીંગી, તા.સોનગઢ, જિ.તાપી), તેજલ ધર્મેશ ગામીત (રહે.,દાદરિયા, તા.વાલોડ, જિ.તાપી), બકુલ ગામીત (રહે.,દોણ, તા.સોનગઢ, જિ.તાપી),

છેતરપિંડી આચરવા આ કર્મચારીઓની પણ મદદ લેવાઈ હતી
નેહા ચૌધરી (રહે.,વાસકુંઇ, તા.વ્યારા, જિ.તાપી), નેલાબેન ગામીત તથા રેખા સીંગા ગામીત (રહે., વેકુર, તા.સોનગઢ, જિ.તાપી)ની નિમણૂક કરવામાં આવી હતી. સ્ટેવી ગ્રુપની ઓફિસમાં સંગીતા સુરેશ ગામીત (રહે., મશાનપાડા, તા.સોનગઢ, જિ.તાપી) જે કોઇ ખેડૂત બોર નોંધાવવા ઓફિસમાં આવે ત્યારે આ કર્મચારીઓ પૈસા લઇ ખેડૂતોને રસીદ આપતા હતા.

ભોગ બનનાર ખેડૂતો
વ્યારા તાલુકાનાં ઉમરકુવાનાં કલ્પેશ પ્રેમશંકર ચૌધરી, શાંતિલાલ મંગા ચૌધરી, કોલગી કોકેણ ગામીત, પ્રવીણ જયંતી ગામીત, અમરત રાયસીંગ ગામીત, અજીત બાલુ ચૌધરી, કંછી ભંગીયા ચૌધરી, રસિક જમા ચૌધરી, વીરસીંગ નારસીંગ ચૌધરી, શુક્કર જેઠિયા ચૌધરી, મનુ રણછોડ ગામીત, છગન લાછણીયા ચૌધરી, વ્યારા કટાસવાણનાં નિલેશ નગીન ગામીત, નરેશ જમ્બુ ગામીત, નવીન દુર્લબ ગામીત, નંદુ ખુશાલ ગામીત, નરેશ કેવજી ગામીત, ગુલસીંગ ઠાકોર ચૌધરી, નરેશ શંકર ગામીત, તાડકુવાના ધનસુખ ડુંગરિયા, શરદિયા વજીયા, ઇંદુગામનાં શર્મિલા ધનસુખ ગામીત, શકુ કિશન ગામીત, સુનીલ શામજી ગામીત, વિનુ રમેશ ગામીત, માંડવીનાં નાનીચેર ગામનાં ગીતા નારસીંગ ચૌધરી, શૈલેષ ઇશ્વર ચૌધરી, ધર્મેશ રમેશ ચૌધરી, જૂનું ઢોડિયાવાડ, વ્યારાના દેવેન્દ્ર ઘેલા ઢોડિયા, મહેશ નાથુ ઢોડિયા, ભારતી શાંતિલાલ ધારિયા, મહુવાનાં કુકણા ડુંગરી ગામના નુરા જાના ગામીત, વ્યારા ડુંગર ગામના રોહિત જમલા ચૌધરી આમ કુલ 33 ખેડૂતોએ કુલ રૂ.4,26,598 ભર્યા હતા. વ્યારા તાલુકાના મીરપુર ગામના આશરે ૨૦ જેટલા ખેડૂત ખાતેદારોને પણ રાહતદરે બોર કરી આપવાના બહાને છેતરપિંડી કરી છે.

Most Popular

To Top