Gujarat

જમીન સંપાદનના વળતર કેસમાં વિલંબ બદલ મહેસુલના 14 અધિકારીને ચાર્જશીટ

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મેંદરા ગામના ખેડુતની (Farmer) જમીન (Land) કેનાલ માટે સંપાદન થયા બાદ તેણે જમીન સંપાદન અધિનિયમની કલમ 28-A ની કલમ હેઠળ વધુ વળતર મેળવવાની અરજીના સંદર્ભમાં આખરી નિર્ણય લેવા માટે 8 વર્ષનો વિલંબ થઈ જતાં ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે રાજય સરકારના મહેસુલના અધિક કલેકટર તથા ડેપ્યૂટી કલેકટર સહિતના 14 જેટલા અધિકારીઓને ચાર્જશીટ આપી દેવાઈ છે.

જે મહેસુલી અધિકારીઓને ચાર્જશીટ અપાઈ છે, તેમાં અધિક કલેકટર બી કે પટેલ, મમતા સોજીત્રા, ડે. કલેકટર પૈકી વી. આઈ. પ્રજાપ્રતિ, આર. કે. ધગ્ગલ, એ. જે. પટેલ, એ. ટી. રાઠોડ, એમ.એમ. દેસાઈ, કર્મચારીઓ પૈકી નિવૃત્ત મામલતદાર સુનીલ રાવલ, શ્રીમતી વી. જે. મહેતા, સી. પી. પટેલ, એ. એ. કાદરી, એ.આર.દેસાઈ , કે.સી.સોલંકી, એમ.એસ.રાઠોડ નો સમાવેશ થાય છે.

ગાંધીનગરના મેદરાના ખેડૂત મૂકેશ નાથાભાઈ પટેલ દ્વારા વધુ વળતર મેળવવા માટે અરજી કરાઈ હતી. જે અરજી અમદાવાદમાં વેજલપુરમાં બેસતા ડે. કલેકટર – ખાસ જમીન સંપાદન અધિકારી – નર્મદા દ્વારા સુનાવણી કરાઈ હતી. જો કે તે પછી તેના પર કોઈ આદેશ કર્યો નહોતો. એટલે કે તેનો નિકાલ કર્યો ન હતો. જેના પગલે ખેડૂત દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વધુ વળતર મેળવવા માટે અરજી કરાઈ હતી. જેમાં સરકાર તરફે આ ગંભીર ભૂલ ધ્યાને આવી હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની બનેલી ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં ખેડૂતની અરજી પર નિર્ણય લેવામાં થયેલા 8 વર્ષના વિલંબના મામલે આકરૂ વલણ અખત્યાર કરીને જે જવાબદાર અધિકારીઓ હોય તેઓને તાત્કાલિક અસરથી ચાર્જશીટ કરવા આદેશ કર્યો હતો. આ ચાર્જશીટ ઈશ્યુ કરવાની જવાબદારી ચીફ સેક્રેટરીની રહેશે, તેમ જણાવ્યુ હતું. જેના પગલે રાત્રે 12.30 વાગ્યા સુધી સચિવાલયની ઓફિસ ખુલ્લી રાખીને ચાર્જશીટ તૈયાર કરીને ઈશ્યુ કરી દેવાઈ છે.

Most Popular

To Top