Dakshin Gujarat

ડાંગ જિલ્લામાં 60 વર્ષના ખેડૂતે 14 મહિનામાં 32 ફૂટનો કૂવો ખોદી પાણી કાઢ્યું

ડાંગ: ગુજરાતના (Gujarat) ચેરાપૂંજી ગણાતા ડાંગ (Dang) જિલ્લામાં દર વર્ષે સારો વરસાદ (Rain) પડે છે પરંતુ આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા (Vasurna) ગામમાં સ્થિતિ કઈ જૂદી જ જોવા મળે છે. આ ગામમાં પહાડો અને ડુંગરો હોવાથી વરસાદી પાણીનો સગ્રહ થઈ શકતો નથી. આ ગામમાં સરકારની કેટલીક યોજાનાનો અભાવ જોવા મળે છે. તેથી ભારે વરસાદ વરસ્યા બાદ ઉનાળામાં ખેડૂતોને (Farmer) તેમજ ગામની મહિલાઓને પાણી માટે દૂર સુધી જવું પડતું હોય છે. ત્યારે ગામમાં રહેતા એક ખેડૂતે સખત પરિશ્રમ બાદ એક કૂવો (Well) ખોદી નોખ્યો છે. કોઈની પણ મદદ લીધા વગર આ કામ તેમણે જાતે જ કર્યું છે. કૂવો ખોદયા બાદ ખેડૂતની માંગણી છે કે જો સરકાર કૂવાનુ પાકું બાંધકામ કરી આપે તો પાણી માટે પડતી મુશ્કેલીમાં રાહત થશે.

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામના એક ખેડૂતે અનોખું કામ કરી બતાવ્યું છે. વાસુર્ણા ગામમાં વસતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર જેમને ખેતી માટે કુવાની જરૂર હતી. પરંતુ ગામમાં ખેતી માટેના પાણીના અભાવના કારણે તેમણે જાતે જ કૂવો ખોદવોનું શરૂ કર્યું હતું. તેમણે 20 વર્ષ સુધી સરપંચને કૂવા અંગે રજૂઆત કરી હતી. આ સાથે જ અવારનવાર સરકારી કુવાની માંગણી પણ કરી હતી, પરંતુ તેમની માંગણી ન સ્વીકારાતા તેમણે જાત મહેનત જિંદાબાદમા માનીને જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કરી દીધું હતું.

ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવારના અનુસાર તેમણે પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી હતી. પરંતુ આ કૂવામાં પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. થાક્યા વગક તેમણે ત્રીજો કૂવો ખોદવાનું શરૂ રાખ્યું હતું. ત્રીજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું. પરંતુ આ કૂવાને સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી થાક્યા વગર તેમણે પાંચમાં કૂવાનું કામ હાથે ધર્યું હતું. આ વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ. રાત દિવસે સખત મહેનક કરી કોઈની પણ મદદ વગર તેઓ કુવાના ખોદકામમાં જોતરાઈ ગયા હતા. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનતથી તેમણે 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ કૂવામાંથી પાણી નીકળતા ખેડૂત તથા તેમના પરિવારો ખુુશ થઈ ગયા હતા. આખરે ખેડૂતની 14 મહિનાની મહેનત ફળી હતી, પાણીને જોતા જ ખેડૂતનો થાક ઉતરી ગયો હતો.

ખેડૂતને સખત પરિશ્રમ બાદ કૂવા ખોદવામાં સફળતા મળી હતી. જ્યારે તેમના પરિજનોને તેમજ ગ્રામજનોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓને આંનદનો પાર ન રહ્યો હતો. ગ્રામજનો કૂવો જોવા માટે દોડી ગયા હતા. ગામમના સરપંચ ગીતાબેન ગાવિતને પણ જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે પણ ખેડૂતની મહેનતને બિરદાવી હતી. 

Most Popular

To Top