SURAT

બાકી બિલના નામે એપલ હોસ્પિટલએ મૃતદેહ નહીં આપતા પરિવારજનોનો હોબાળો

surat : ઉધનાની એપલ હોસ્પિટલ ( apple hospital) માં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતા બેફામ બિલની રકમ વસુલાત કરી રહ્યા હોવાના હોસ્પિટલના સંચાલક વિરૂધ્ધ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. અને મૃતકની બોડી નહી આપતા પરિવારજનોએ સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે મામલો ઢાળે પાડીને મૃતકની બોડી પરિવારજનોને સોપી દીધી હતી.

મોડી રાત્રે પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનાના કાશીનગરમાં રહેતા હિતેશભાઇ બાબુભાઇ જરીવાળાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે ગત તારીખ 18 મી ના રોજ ઉધનાની એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બાદમાં પરિવારજનોએ સારવાર દરમિયાન કુલ રૂપિયા 3,80,000 જેટલી રકમ ભરપાઇ કરી હતી. દરમિયાન મંગળવારે સાંજે સાત વાગ્યે હિતેશભાઇને અવસાન થતા વધુ 4 લાખનું બિલ પરિવારજનોને મળતા ચોકી ગયા હતા. અને હોસ્પિટલના સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું કે હિતેશભાઇનો કોરોનાનો રિપોર્ટ ચાર દિવસ પહેલા નેગેટિવ આવ્યો છે. બાકી રહેલી 4 લાખની રકમ ભરપાઇ કર્યા બાદ જ મૃતકની બોડી મળશે.

પરિવારજનોમાં એક બાજુ સ્વજનના મોતથી ઘેરાઇ ગયું તો બીજી તરફ બિલની મોટી રકમ ભરપાઇ કરવાની મુશકેલીમાં મુકાયા હતા. જેથી હિતેશભાઇના સોસાયટીના પ્રમુખ અને સુરત કોંગ્રેસના માજી ઉપપ્રમુખ હરિશ સૂર્યવંશીને જાણ થતા હોસ્પિટલના સંચાલકોને રજુઆત કરીને મૃતકની બોડી આપવાનું કહેતા હોસ્પિટલના સંચાલકોએ ઇન્કાર કરી દીધો હતો. કોરોનામાં મોત થયું નથી તો બિલની રકમ કેમ એટલી મોટી છે. તે બાબતે તકરાર થતા બાદમાં હરિશભાઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બાદમાં સલાબતપુરાના પોલીસકર્મીઓ હોસ્પિટલ ધસી જઇને બંન્ને પક્ષકારો વચ્ચે સમજુતી કરીને મૃતક પરિવારજનોને બોડી આપી હતી. એપલ હોસ્પિટલમાં બેફામ લૂંટ થતી હોવાના હરિશભાઇએ આક્ષેપ કર્યો હતા.

Most Popular

To Top