Dakshin Gujarat

વડોદરા મુંબઇ એક્ષપ્રેસ-વેમાં કેટલાક ગામોમાં એલાઈમેન્ટ બદલાઈ ગયું, લોકો મુશ્કેલીમાં

ઘેજ : ચીખલી (Chikhli) તાલુકામાંથી પસાર થનારા વડોદરા મુંબઇ એક્ષપ્રેસ-વેમાં કેટલાક ગામોમાં એલાઈમેન્ટ (Alignment) બદલાતા સંપાદિત જમીનમાં (Land) તફાવત આવતા ખેડૂતો (Farmers) માટે મુશ્કેલી વધી છે. કેટલાક ખેડૂતોના વળતરના એવોર્ડમાં દર્શાવેલા જમીનના ક્ષેત્રફળ કરતા સ્થળ પર વધુ જમીન તો કેટલાકમાં ઓછી પણ થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.

  • મુંબઇ એક્ષપ્રેસ-વેમાં એલાઈમેન્ટ બદલાતા ખેડૂતો મુશ્કેલીમાં
  • ચીખલી તાલુકામાંના કેટલાક ગામોમાં એલાઈમેન્ટ બદલાતા સંપાદિત જમીનમાં આવતો તફાવત
  • ખેડૂતોના વળતરના એવોર્ડમાં દર્શાવેલા ક્ષેત્રફળ કરતા જમીન વધુ કે ઓછી પણ થાય તેવી સ્થિતિ

વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે માટે ચીખલી તાલુકામાં બન્ને બાજુ હદ દર્શાવી લાઈન દોરી સ્થળ ઉપર નક્કી કરી દેવામાં આવી છે. બીજી તરફ વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમ્યાન તાલુકાના સાદકપોર, ઘેજ, મલિયાધરા સહિતના કેટલાક ગામોમાં લાઈનદોરી પશ્ચિમ તરફના છેડે 5 થી 10 મીટર ખસેડવામાં આવી હોય તેવી હકીકત બહાર આવતા ખેડૂતોની મુશ્કેલી વધવા પામી છે. લાઈનદોરીમાં ફેરફારથી ક્ષેત્રફળમાં તફાવત આવે એ સ્વભાવિક છે. સંપાદિત જમીનનું ક્ષેત્રફળ કે જે એવોર્ડમાં દર્શાવાયુ છે. તેના કરતા સ્થળ પર વધુ જમીનનો ઉપયોગ થશે તો કેટલાક કિસ્સામાં ઘટી પણ શકે. જમીનના ક્ષેત્રફળના તફાવતના સંજોગોમાં એક જ બ્લોક નંબર એક જ ખેડૂતો હોય ત્યાં સુધી તો તકલીફ ન પડે. પરંતુ બ્લોક નંબર કે ખાતેદાર બદલાય જાય તેવા કિસ્સાના ક્ષેત્રફળ કરતા વધારે જમીન જતી હોય તેવામાં આ વધારીની જમીનના વળતરનું શું ? એવા અનેક પ્રશ્નો ઊભા થશે. ઉપરોક્ત સંજોગોમાં તંત્ર દ્વારા સ્થળ પર સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ તેવી માંગ ખેડૂતોના ઊઠી છે.

જેટલી જમીન લેવાઈ તેટલી જમીનનું વળતર મળવું જોઇએ
ઘેજના ખેડૂત ડી.બી. પટેલે જણાવ્યુ હતુ કે એક્ષપ્રેસવેમાં સંપાદિત જમીનની અને ખાનગી રાહે માપણી કરાવતા વળતરના એવોર્ડમાં જે ક્ષેત્રફળ દર્શાવાયું છે તેના કરતા ચારેક ગુંઠા વધુ જમીન જાય છે. અને આ અંગે પ્રાંત કચેરીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યારે સ્થળ પર ખરેખર જેટલી જમીન લેવાઈ તેટલી જમીનનું વળતર મળવું જોઇએ.

નવેસરથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને પણ વળતર ચૂકવવું જોઈએ
ખેડૂત આગેવાન અને એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે એક્ષપ્રેસ-વેની લાઈનદોરી બદલાતા સાદકપોર સહિતના ગામોમાં સંપાદિત જમીનના ક્ષેત્રફળમાં તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે ખાતેદારો બદલાતા હોય તેવા સંજોગોમાં નવેસરથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને પણ વળતર ચૂકવવું જોઈએ. ક્યાં પછી મૂળ લાઈનદોરી રાખી સ્થળ પર સુધારો કરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top