Business

સ્ફોટક માહિતી!

અરે ઇ તી વડાપાંઉ વાલી મુલગી આહે ના –રૂપા – તીચા લગીન કેવ્હાં ચ ઝાલેલે આહે…’ મેં નવાઈ પામી શિંદે સામે જોયું. ચાની પ્યાલી મોઢે માંડી એ બાજુના કમ્પાઉન્ડમાં વડાપાંઉ વેચતી રૂપાના સ્ટોલ તરફ જોઈ રહ્યો હતો જે સવારથી બંધ હતો. હવાલદાર તરીકે ફરજ બજાવતો શિંદે બિન સત્તાવાર જાસુસ બની હમણાંથી સતત સ્ફોટક માહિતીઓ લઇ આવતો હતો પણ મુશ્કેલી એ હતી કે એની કોઈ માહિતી સાબુત નહોતી. ક્યારેક એમાં મહત્વની કડી ખૂટતી હોય, ક્યારેક માત્ર એનો અંદાજો હોય અને ક્યારેક એવાં સૂત્ર પાસેથી એ વાત લઇ આવતો જે બિલકુલ ભરોસા લાયક ન હોય. પણ શિંદે જ્યારે વાત કરતો ત્યારે એવાં પ્રચંડ આત્મવિશ્વાસ સાથે કરતો કે જાણે એ બધું પોતે નજરે જોઈ આવ્યો હોય.

‘તુમ કો કિસને બોલા કી રૂપા કી શાદી હો ગઇ હૈ!’ મેં શિંદેને પૂછ્યું.‘વહાણવાલા બોલા…’ ફિરદોસ વહાણવાલા! એમને આ વિસ્તારમાં આવ્યાને માંડ મહિનો કે બે મહિના થયા હશે. અને રૂપાને અહીં સ્ટોલ શરુ કર્યાને માંડ ત્રણેક મહિના. અચાનક એ પારસી બાવાને રૂપા વિશેની માહિતી કઈ રીતે ખબર હોય? સિવાય કે રૂપાએ એમને કહ્યું હોય. હા એમ બને પણ શિંદેએ જુદી જ વાત કરી ‘નહિ રે બાબા, રૂપાને ઉસકો નહિ બોલા…કીસીને નહિ બોલા – વો ઈન સબ કો બોલતા હૈ…’ શિંદે શું ભરડતો હતો? કોઈએ વહાણવાલાને નથી કહ્યું – વહાણવાલા સહુને કહી રહ્યા છે! એટલે?

શિંદેની વાતોમાં ઊંડા ઉતરવું ફાવે એમ નહોતું કેમ કે સતત ચાના વિવિધ ઓર્ડર આવતા રહેતા હતા, બીના શક્કર, બીના દૂધ, કમ શક્કર, અદ્રક ડાલકે, અદ્રક બીના…એવી એવી માંગ રહેતી કે ધ્યાન ચૂકવું પાલવે નહિ. એટલે શિંદેને અને એની માહિતીને મેં બાજુમાં ખસેડી ધંધા પર ધ્યાન આપવું મુનાસીબ માન્યું. શિંદે પણ મને વ્યસ્ત જોઈ ચાલ્યો ગયો. એક ભાઈ એમના દસેક વર્ષના બાબા સાથે ચા પીવા આવ્યા હતા. એમણે બાબા માટે દૂધ મળશે કે એમ પૂછ્યું. મેં બાપ –દીકરાને દૂધ અને ચા આપ્યા. અને બીજા ઓર્ડરની ચા બનાવવા માંડ્યો.

અચાનક બાબાએ એના પપ્પાને પૂછ્યું ‘લોકશાહી એટલે શું પપ્પા?’ થોડે દુર બેઠેલા એક વડીલે હસતા હસતા કહ્યું ‘લોકો પર ઢોળાયેલી શાહી એટલે લોકશાહી…’ બે ચાર જણ હસી પડ્યા. બાબો મૂંઝાયો કેમકે એના પપ્પા પણ હસી રહ્યા હતા. આખરે એના પપ્પાએ કહ્યું ‘લોકશાહી એટલે જે રાજ વિશે આવી મજાક પણ કરી શકાય,…’ ‘ઓકે, તો લોકશાહી એટલે મજાક?’ બાબાએ નિર્દોષ ભાવે પૂછ્યું. ફરી પેલા વડીલ બોલી ઉઠ્યા ‘એકદમ સાચું દીકરા…’ પણ એના પપ્પા બોલ્યા ‘ના ના બેટા એ કાકા બહુ મજાકિયા મૂડમાં છે- જો લોકશાહી એટલે લોકો માટે લોકોએ નક્કી કરેલી લોકો વડે ચાલતી દેશ ચલાવવાની પદ્ધતિ…’

‘એ તો અમને ટીચરે પણ કહ્યું પણ એનો મતલબ શું થાય પપ્પા!’ પપ્પા મૂંઝાયા. એમણે પ્રયાસ કર્યો : ‘બેટા લોકશાહીમાં બધું લોકો નક્કી કરે એમ જ થાય-’  ‘કયા લોકો?’ બાબાએ પૂછ્યું. અને સાંભળનારા બે ઘડી ચુપ થઇ ગયા. શાશન પદ્ધતિ પર ડોળ કરતા પેલા દુર બેઠેલા વડીલ પણ ગુમસુમ થઇ ગયા. હું પણ વિચારમાં પડી ગયો. બાબાના પપ્પાએ માંડ શબ્દો ગોઠવી કહ્યું ‘એ લોકો જેમને આપણે ચૂંટણીમાં જીતાડીને મોકલીએ છીએ’ ‘તો જીતીને જાય એ લોકો આપણને પૂછીને બધું કરે ને?’ ‘શું બધું?’ ‘દેશમાં કોણ રહે અને કોણ નહિ રહે એવું બધું?’ ‘બેટા તું શું સવાલો કરે છે? દેશમાં તો બધા રહે જ છે ને? કોણ કોને કાઢી મુકે છે?’

બાબાએ કહ્યું ‘મારા ક્લાસમાં ઇલીયાસ છે એ કહેતો હતો કે આમીરખાનને સરકાર દેશ બહાર કાઢી મુકશે..’‘ઇલીયાસને કંઈ ખબર નથી –એની વાત પર ધ્યાન નહિ આપ…’‘આમીરખાનને કોઈ કાઢી નહિ મુકે? સાચ્ચે?’‘સાચ્ચે’‘ખાલી નસીરખાન અને જાવેદને કાઢી મુકશે?’ ‘કોણ નસીરખાન અને જાવેદ! શું શું ગપ્પા મારે છે? બાબાના પપ્પા અકળાયા ‘દૂધ પતાવ જલ્દી…’ ‘એ તો નસીરુદ્દીન શાહ અને જાવેદ અખ્તરની વાત કરે છે…’ એક ત્રીજા શ્રોતાએ બાબા વતી સ્પષ્ટતા કરી. ‘ભાઈ સા’બ તમે ક્યાં ખોટી વાતોને સપોર્ટ કરો છો! કોઈ કોઈને ક્યાંય કાઢી નથી મુકવાનું…’ બાબાના પપ્પાએ કંઇક વ્યગ્રતા સાથે એ ટાપસી પૂરીને માહિતી આપનારને કહ્યું. ‘અરે સાહેબ તો અમે ક્યા કહીએ છીએ કે કાઢી મુકશે! આ તો તમારો બાબો નામ બરાબર નથી જાણતો એટલે કહ્યું…’ પેલાએ બચાવ કર્યો.

‘પપ્પા હું શું કે’તો તો..કે-’ બાબાએ ફરી કશું કહેવાની કોશિશ કરી પણ એના પપ્પાએ એને વઢતા કહ્યું ‘તું પહેલા તારું દૂધ પૂરું કર પછી વાત…’  બાબો ચુપચાપ દૂધ પીવા માંડ્યો. એના પપ્પાએ આજુ બાજુ જોતા પરસેવો લૂછ્યો.  મને એ પપ્પા વિશે સહાનુભુતિ થઇ, બાળક નિર્દોષતાથી એવાં સવાલ કરી રહ્યો હતો જેના પપ્પા પાસે સંતોષકારક જવાબો નહોતા…પપ્પા પાસે શું કામ કદાચ સાંભળનારા અમે સહુમાંથી કોઈની પાસે જ નહોતા…એટલામાં ચા પીવા મારી નિયમિત ગ્રાહક લૈલા આવી. અને બેસવા માટે પેલા બાબાની બાજુમાં જગ્યા હોવાથી ત્યાં બેઠી. અને મને એક ટેન્શન થઇ ગયું. કઈ વાતનું એ કહું પછી…

મેં લૈલાને ચા આપી…લૈલાએ ચાના બાંકડે બાળકને દૂધ પીતો જોઈ આનંદ અનુભવ્યો અને હસીને બાળકને પૂછ્યું ‘તમે કયા ધોરણમાં ભણો છો…?’ બાળકે સ્મિત કરી જવાબ આપ્યો ‘પાંચમાં ધોરણમાં…’ ‘શું ભણો છો?’ ‘લોકશાહી’ બાળકે કહ્યું અને લૈલાને ખડખડાટ હસવું આવ્યું. બાબાના પપ્પા ટેન્સ થઇ ગયા. અને હું તો થોડીવાર અગાઉ જ મેં કહ્યું તેમ લૈલાને જોઇને જ ટેન્સ થઇ ગયેલો તે આ જ કારણે….  ખેર, બાબાએ લૈલાને પૂછ્યું ‘તમે કેમ હસી પડ્યા?’ ‘બેટા, તમે આટલા નાના છો અને લોકશાહી ભણો છો… આપણા દેશમાં મોટા મોટા લોકો- સરકારમાં છે એ લોકો પણ હજી લોકશાહી એટલે શું તે ભણી નથી શક્યા એટલે હસવું આવી ગયું. સોરી તમને ખરાબ તો નથી લાગ્યું ને!’

બાબાએ માથું ધુણાવી સ્મિત કર્યું અને પૂછ્યું ‘તમને સરકાર એટલે શું એ ખબર છે?’ બાબાના પપ્પા ફરી અકળાયા ‘ દીદીને ખોટો ડીસ્ટર્બ ન કર રીન્કુ ચાલ દૂધ પતાવ ક્યારનો ટાઈમ પાસ કરે છે તે…’ બાબો ચુપચાપ દૂધ પીવા માંડ્યો. લૈલાએ બાબાના પપ્પાને કહ્યું ‘તમારો બાબો મને જરાયે ડીસ્ટર્બ નથી કર્યો ઉલટાનું એની વાતો સાંભળી મને ખુબ સારું લાગ્યું… થેંક્યું રીન્કુ બાબા…’ બાબાના પપ્પાને શું કહેવું એ સમજાયું નહી…એ અચકાઈને બોલ્યા ‘એ તો બાળક છે.. કંઈ પણ બોલે..’ ‘ના અંકલ…બાળક છે એટલે કંઈ પણ બોલે એમ ન માનતા. કંઈ પણ બોલવામાં આપણે મોટાઓએ કંઈ બાકી નથી રાખ્યું. બાળક જે વિચારે એ જ બોલે. એમના મનમાં કોઈ ગણતરીઓ ન હોય…’

બાબાના પપ્પા કંઈ બોલી ન શક્યા. લૈલાએ રીન્કુને કહ્યું ‘બેટા તમે સરકાર વિશે પૂછ્યું ને- સાચું કહું તો મને નથી ખબર કે સરકાર એટલે શું…’ ‘હું કહું?’ ‘હા બોલો’ ‘સરકાર એટલે લોકો શાંતિથી રહી શકે એ સંભાળ રાખનારા લોકોનું મેનેજમેન્ટ…’ રીન્કુએ પોતાને જવાબ આવડે છે એના ગર્વપૂર્વક કહ્યું. ‘શાબ્બાશ…તમે તો બહુ હોંશિયાર છો…’ લૈલાએ તાળીઓ પાડતાં કહ્યું. રીન્કુનું દૂધ પત્યું. તરત પપ્પા ઉઠ્યા અને ‘ચાલો, દીદીને બાય કહો બેટા…’ કહેતા મને પૈસા ચૂકવી ઉતાવળે ચાલતા થયા. લૈલાએ મને કહ્યું ‘પેલા અંકલ તો એવાં ભાગ્યા જાણે હું એમના બચ્ચાને કિડનેપ કરવાની હોઉં..’ મેં હસી પડતા કહ્યું ‘એ બાળક અજાણપણે પોલીટીક્સ વિશે બોલી રહ્યો હતો એટલામાં તમે આવ્યા એટલે હું પણ થોડો ટેન્શનમાં આવી ગયેલો…’ ‘નારે ના.. એમ કંઈ બાળક સાથે હું ચર્ચા શરુ થોડી કરી દઉં…!’ લૈલાએ સ્મિત કરતાં કહ્યું. પછી કંઇક ઉદાસ સ્વરમાં ઉમેર્યું ‘નાદાન છે… જોયું ને સરકારની વ્યાખ્યા કેવી સરળ કરી!’ હું શું બોલું?

કદાચ મૂડ બદલવા લૈલાએ પૂછ્યું ‘તમારી વડાપાંઉ વાળી દેખાતી નથી આજે!’ ‘એ મારી વડાપાંઉ વાળી નથી…’ ‘ઓકે ઓકે’ લૈલાએ હસી પડતા કહ્યું. મને રૂપા પર મનોમન બહુ ગુસ્સો આવ્યો. મારી સાથે એ એટલી છૂટથી વહેવાર કરતી કે કોઈને પણ શંકા જાય. મને ગુસ્સો એ વાતનો આવતો કે એનો સ્વભાવ જ એવો હોય તો સહુ સાથે છૂટથી વાતો કરવી જોઈએ ને! કોઈ એક માણસ સાથે અલગ રીતે વર્તે તો કોઈને પણ શંકા જાય અને અહીં મારે સહુને ખુલાસા આપ્યા કરવાના કે: ‘ના ના અમારે એવું કંઈ નથી!’

એટલામાં શિંદે આવ્યો. ‘કાય શિંદે ભાઉ…કસ કાય?’ લૈલાએ શિંદેને કહ્યું. ‘જસ ચ તસ ચ…કાહી નવીન નાહી…’ શિંદેએ શુષ્ક સ્વરમાં કહ્યું. એ સાંભળી મેં લૈલાને કહ્યું ‘શિંદે મોટો જાસુસ બની ગયો છે…નવું નવું શોધી લાવે છે…એની લેટેસ્ટ બ્રેકીંગ ન્યુઝ એ છે કે વડાપાંઉ વાળી રૂપા પરણેલી છે…’ ‘શું વાત કરો છો!’ લૈલાએ તાજ્જુબ થઇ પૂછ્યું અને શિંદેને પૂછ્યું ‘ક્યા શિંદે સા’બ ઇતના બડા બાત લે કર આયા ઔર બોલતે હો નવીન કાહી નાહી…!’ શિંદે એ કઈ જવાબ ન આપતા પાણી પીવા માંડ્યું. મેં લૈલાને કહ્યું ‘અને આ વાત એ લાવ્યો ક્યાંથી એ તો પૂછો- વહાણવાલા પાસેથી…’ ‘પેલા પારસી બાવા એન્ટીક વાળા છે એ? એમને કેવી રીતે ખબર!’ ‘શિંદે જાણે અને એ બાવા જાણે!’ મેં શિંદેને ચા આપતા કહ્યું.

‘ક્યા શિંદે ભાઉ કુછ તો બોલો’ લૈલાએ ઉત્સુકતાથી કહ્યું. એને જવાબ આપવાને બદલે શિંદેએ મને ધારદાર નજરે જોતા કહ્યું ‘તુમ કો ક્યા વો બાવા પાગલ લગતા હૈ? ઉસને ઔર ભી બહુત કુછ બતાયા હૈ…’ કહી લૈલા તરફ જોઈ આગળ બોલ્યો ‘સુનોગે તો હોશ ઉડ જાયેંગે…’  ‘ક્યા બોલા ઔર બતાઓ બતાઓ…’ લૈલાએ ગોસીપ પ્રેમી કન્યાની જેમ જીદ ભર્યા સ્વરમાં પૂછ્યું. મને એ ન સમજાયું કે શિંદે મને તાકી તાકીને જોતા કેમ વાત કરી રહ્યો હતો! જાણે મારી કોઈ ચોરી એણે પકડી પાડી હોય! મેં એને પૂછ્યું ‘ઇતના સસ્પેન્સ ક્યા બઢા રહા હૈ? બોલો ના ઔર ક્યા પતા ચલા!’ ‘ઔર પતા ચલા કી..’ શિંદેએ નાટ્યાત્મક વિરામ લઇ મારા તરફ આંગળી બતાવતા લૈલાને કહ્યું ‘યે રાજુકા ભી શાદી હો ચુકા હૈ…’ હું આ સાંભળી હેબતાઈ ગયો…

Most Popular

To Top