Business

ઇઝરાયેલ જેલબ્રેક

ઇઝરાયેલ સુરક્ષા મામલે જે કંઈ કરે છે તે વિશ્વમાં માપદંડ તરીકે સ્થાપિત છે. ઇઝરાયેલના સિક્યુરિટી સંબંધિત ઓપરેશન એટલાં બધા જાણીતાં થયાં છે કે વિશ્વભરમાં તેની નોંધ લેવાય છે. ભારતમાં પણ તેનો મોટો ચાહક વર્ગ છે. ઇઝરાયેલ સિક્યુરિટીની બાબતમાં વધુ પડતાં સભાન રીતે વર્તે છે અને તે વર્તવાનું કારણ ત્યાં ઇઝરાયેલના જન્મથી ચાલી આવી રહેલો પેલેસ્ટાઇન સાથેનો વિવાદ છે. ઇઝરાયેલની આ અવ્વલ દરજ્જાની સિક્યુરિટીને હાલમાં સેંધ લાગી હોય તેવી ઘટના બની. સ્વાભાવિક છે કે દુનિયાભરમાં તે ન્યૂઝ ચમક્યા અને ઇઝરાયેલની જે સિક્યુરિટી વિશ્વમાં પ્રમાણિત હોવાનો દાવો કરવામાં આવે છે તે સિક્યુરિટીએ એમ સ્વીકારવું પડ્યું કે અમારી આ મસમોટી ચૂક થઈ છે.

ઘટના છે ઇઝરાયેલની સૌથી વધુ સુરક્ષિત મનાતી ગિલ્બોઆ જેલમાંથી છ પેલેસ્ટાઇન કેદીઓની ભાગી છૂટવાની. ઇઝરાયેલ સરકારના નિવેદન મુજબ આ છએ છ પેલેસ્ટાઇન આતંકવાદી ગંભીર આરોપસર આજીવન કેદની સજા કાપી રહ્યા હતા. તેઓ 6 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી ભાગી છૂટ્યા અને પછી પેલેસ્ટાઇનમાં ઉજવણી શરૂ થઈ. જો કે હવે એક પછી એક ઇઝરાયેલની સિક્યુરીટી એજન્સી ભાગી છૂટનારાં છમાંથી ચાર કેદીઓને પકડી ચૂકી છે. ઇઝરાયેલ ભૂલ સુધારીને પોતાની વ્યવસ્થા ફરી ગોઠવવા તત્પર છે.

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સતત ચાલી રહેલાં વિવાદ સાથે ત્યાં ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જન્મતી આવી છે. આ સ્ટોરીઓમાંથી ફિલ્મ, વેબસીરિઝ અને નવલકથાના પ્લોટ ઘડાયાં છે. આ ઘટના પણ કંઈક એવી જ છે. ઇઝરાયેલની હાઇ સિક્યુરિટી જેલમાંથી જેવાં આ છ કેદીઓ ભાગવાની ઘટના સામે આવી અને તેટલી જ ઝડપે ઇઝરાયેલની તમામ ટોપ સિક્યુરિટી એજન્સીઓએ તે વિશેની તપાસ આરંભી. ખુદ ઇઝરાયેલના વડા પ્રધાને આ ઘટના વિશે કહ્યું હતું કે, આ ‘ગંભીર ઘટના’ છે અને તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. ઇઝરાયેલ તરફથી થયેલી સૌથી મોટી ભૂલ જે સામે આવી રહી છે તે આ જેલનું નિર્માણ કરનારી કંપની દ્વારા તેનો પ્રોજેક્ટ ઓનલાઈન મુકાવાની છે. ઇઝરાયેલ પ્રિઝન ઓથોરિટીએ આ જ બાબતને સુરક્ષાની સૌથી મોટી ચૂક ગણાવી છે.

ઇઝરાયેલના સુરક્ષાના મામલે ગમે તેટલાં વખાણ થતાં હોય પણ છેવટે તો માનવસહજ ભૂલ કોઈનાથી પણ થઈ શકે. આ કિસ્સમાં પણ અનેક જગ્યાએ ભૂલો થઈ છે. પ્રથમ ભૂલ તો એ કે ઇઝરાયેલ પ્રિઝન ઓથોરિટી અને પોલીસ દ્વારા અનેક વખત ચેતવણી આપવામાં આવી કે જેલની વ્યવસ્થામાં ખામી છે તેમ છતાં તેના પર કોઈ એક્શન ન લેવાયું. આપણા દેશમાં સામાન્ય રીતે જોવા મળતું આવું વલણ ઇઝરાયેલમાં પણ આ વખતે જોવા મળ્યું.

એ ઉપરાંત બીજી મોટી ભૂલ જે થઈ તે ગિલ્બોઆ જેલમાં. અહીંના સિક્યુરિટીને આટલું મોટું ‘ઓપરેશન’ કેદીઓએ પાર પાડી દીધું તેની ગંધ સુદ્ધાં ન આવી અને તેમાં પણ સૌથી મોટી ભૂલ જેલમાં સિક્યુરિટી ટાવર પરના સુરક્ષા કર્મચારીની છે. જે દિવસે આ કેદીઓ ભાગીને જેલ બહાર એક નાનકડી ટનલમાંથી નીકળ્યા તે જગ્યા જેલના સિક્યુરિટી ટાવરના કર્મચારીના નજરમાં આવે તેવી હતી પણ જે રાતે આ ઘટના બની તે રાતે આ સુરક્ષા કર્મચારી પોતાની ફરજ છોડીને ઊંઘ લઈ રહ્યો હતો. ફરજ પર ઊંઘી જવાની આ વાત પણ ઇઝરાયેલના સુરક્ષા કર્મચારી સાથે જોડાય તે આશ્ચર્ય છે પણ તેમ બન્યું છે.

જેલબ્રેકની આ ઘટના બની હવે તેની વિગત. હવે કેટલી પણ હાઇસિક્યુરિટી જેલ હોય રોજબરોજ વ્યક્તિને જે દૈનિક ક્રિયા માટે જગ્યાની જરૂર રહેવાની તે રહેવાની જ. એમ અહીંયા પણ કેદીઓ અર્થે બાથરૂમ અને વૉશરૂમની વ્યવસ્થા હતી. આ છ કેદીઓ અહીં જે બાથરૂમનો ઉપયોગ કરતા હતા તે જ જગ્યાએ તેમણે ટનલ ખોદી છે. જેલમાં જ્યારે કેદીઓ ટનલ ખોદે ત્યારે તેઓ એ રીતે ખોદે કે જ્યાંથી તેઓને ટનલનું ઓછું અંતર ખોદવું પડે અને જ્યાં તેઓ નીકળે ત્યાંથી તેઓ સરળતાથી ભાગી શકે. આ બધો જ અંદાજ તેઓને જેલના મેપ પરથી આવ્યો.

તપાસ એજન્સીઓ અત્યારે તો એવું દૃઢ રીતે માની રહી છે કે ભાગનારા કેદીઓ પાસે જેલનો નકશો હતો. જોગાનુજોગ આ કેદીઓની ઓરડી જેલની મુખ્ય દીવાલની નજીક પણ હતી તેથી પણ  ટનલ ખોદવામાં સરળતા રહી. જેલમાંથી ભાગી છૂટ્યા બાદ ક્યાં જવું અને કેવી રીતે જવું તે માટે પણ માઇક્રો લેવલનો પ્લાન કેદીઓ દ્વારા ઘડાયો હતો. હવે આ પ્લાન અર્થે બહારની કોઈ વ્યક્તિ સાથે સંપર્ક હોવો જરૂરી છે અને તે માટે ગેરકાયદેસર રીતે એક મોબાઈલની વ્યવસ્થા કેદીઓએ કરી હતી. મોબાઈલ કેદીઓ પાસે કેવી રીતે પહોંચ્યો તે હજુય કોયડો છે પણ ભારતની જેલોમાં કેદીઓ પાસે મોબાઈલ હોવાની વાત હવે નવાઈ પમાડતી નથી પણ ઇઝરાયેલમાં આવું બને તે ચોક્કસ આશ્ચર્ય અપાવે છે.

કેદીઓએ બાથરૂમમાંથી ટનલ બનાવવાનું નિશ્ચિત કરી દીધું. બહાર નીકળીને કોનો સંપર્ક કરવો અને કોની સાથે ભાગવું તે પણ નિશ્ચિત કરી દીધું. ટનલ ખોદવાનું કામ તો ચાલુ જ હતું. આ ટનલમાંથી જે માટી નીકળે તે કેદીઓએ ક્યાં નાંખી છે તેનો પત્તો હજુ ઇઝરાયેલ એજન્સીને લાગ્યો નથી. માણસ નીકળી શકે તેટલી ટનલ ખોદાય ત્યારે તેમાંથી ખાસ્સી માટી નીકળે પણ તેની ભાળ સુદ્ધાં જેલ પ્રશાસનને કેદીઓએ આવવા ન દીધી. આમ બધી જ જગ્યાએ ઇઝરાયેલના જેલ પ્રશાસનની મર્યાદાઓ દેખાય છે. આ ઉપરાંત, આ જેલમાં 2019-20 દરમિયાન ટ્રેનિંગ સેશન યોજાયું હતું ત્યારે પણ ઇઝરાયેલના પ્રિઝન ઓથોરિટીના એક અધિકારીએ એ નોંધ્યું હતું કે જેલના ફરતે પેટ્રોલિંગ કાર હોવી જોઈએ જે બહારના ક્ષેત્રની દેખરેખ રાખી શકે. જેલના ન્યૂનતમ સુરક્ષા માપદંડોમાં પેટ્રોલિંગ કારને જરૂરી ગણવામાં આવે છે, તેમ છતાં તેમના સૂચનની અવગણના કરવામાં આવી. આમ સામાન્ય લેખાતી ભૂલોના કારણે પૂરી ઘટના બની છે.

જ્યાં ટનલ ખોદાઈ રહી હતી ત્યાં પાંચ કેદીઓએ આ કામ કર્યું હતું અને છઠ્ઠો કેદી જે ત્યાંથી ભાગવામાં નાસી છૂટ્યો તે સીનિયર મોસ્ટ ઝકરિયા ઝુબેદી હતો. ઝકરિયા ઝુબેદી બીજા સેલમાં હતો. આશ્ચર્ય એ વાતનું પણ છે કે ઝકરિયા ઝુબેદીએ એક દિવસ અગાઉ જ જ્યાં પાંચ કેદીઓ ટનલ ખોદી રહ્યા હતા તે સેલમાં જવાની અનુમતિ માંગી હતી. કોઈ જ ઝાઝી તપાસ વિના અનુમતિ અપાઈ અને બીજા દિવસે આ ઘટના બની. કેદીઓ જેલની બહાર ટનલમાંથી નીકળ્યા ત્યારે તેઓએ જેલના કપડાં કાઢીને અન્ય કપડાં પહેર્યાં હતાં. આશ્ચર્ય લાગે એવી ઘટના એ પણ છે કે જેલમાંથી કેદીઓ નાસી છૂટ્યા તેની જાણ જેલ પ્રશાસનને બહારની એક વ્યક્તિએ કરી હતી. બાજુમાં આવેલાં એક ખેતરમાં રાતના બે વાગે સંદિગ્ધ વ્યક્તિઓ દેખાઈ અને તે વ્યક્તિએ જેલ પ્રશાસનને જાણ કરી, પછીથી પૂરી કવાયત આરંભાઈ અને રાતના એક વાગ્યે બનેલી આ ઘટનાની પુષ્ટિ રાતના ચાર વાગ્યે થઈ.

ઇઝરાયેલ-પેલેસ્ટીનીઓની જે રીતે અવિરત લડાઈ ચાલુ છે તે રીતે આ પૂરી ઘટનાને પેલેસ્ટીનીઓએ ‘હિરોઈક’ તરીકે ગણાવી. અને ઇઝરાયલની સુરક્ષાની સિસ્ટમને જે ધક્કો આપ્યો તેની ઉજવણી કરી. પેલેસ્ટાઈનની જાણીતાં ગ્રુપ હમાસે તો આને ‘ગ્રેટ વિક્ટરી’ કહી અને એવું નિવેદનેય આપ્યું કે અમારા સૈનિકોને જેલની અંદર પણ તમે હરાવી નહીં શકો. જો કે તેની સામે ઇઝરાયેલે પણ જોરશોરથી આ નાસી છૂટેલાં કેદીઓની ફરી ધરપકડ કરવાની કવાયત આદરી. તપાસ સાથે આ અભિયાનને પણ અગ્રીમતા આપીને તેની સૂક્ષ્મ તપાસ ઇઝરાયેલ એજન્સીઓએ કરી અને છેલ્લે મળેલાં ન્યૂઝ મુજબ અત્યાર સુધી છમાંથી ચાર કેદીઓ તો ફરી પાછા સળિયા પાછળ આવી ચૂક્યા છે. જો કે આ પૂરી ઘટનાએ ઇઝરાયેલની સુરક્ષાના માપદંડ પર સવાલ ખડા કર્યા છે અને હંમેશાં તેની વાહવાહી કરનારાઓને પણ વિચારતાં કરી મૂક્યાં છે.

Most Popular

To Top