Business

સર્જન–વિસર્જન શ્રીજી તારાં કે અમારાં

શ્રીજીની મૂર્તિને રાખીબેન મનભરીને તાકી રહ્યાં. બસ હવે બાપ્પા કાલનો દિવસ છે, આવતીકાલે અનંત ચતુર્દશી છે તો વિસર્જન કરવું પડશે. ઘર પાછું ખાલી ખાલી થઈ જશે. અત્યારે કેવું હર્યું–ભર્યું લાગે છે. જાણે ઘરમાં તો પ્રસંગ આવ્યો હોય. બસ આ જ તો દુ:ખ છે ને કે ઘરમાં કદી કોઇ પ્રસંગ જ આવ્યો નથી. આવે તો પણ કોનો? બાળકો હોય તો નાના–મોટા પ્રસંગ આવે ને? બાળક હોય તો નાના–મોટા પ્રસંગ આવ્યા કરે. જેમ કે નાનું હોય ત્યારે બર્થ ડે પાર્ટી. મોટું થાય ને સ્કૂલે જતું થાય એટલે વળી એ પરીક્ષામાં પાસ થાય એની પાર્ટી થાય. નાનીમોટી રમતગમતમાં ભાગ લે તો ઇનામો મેળવે તો એના મેળાવડા અને પછી તો બાળકને કારણે ઘરમાં એના દોસ્તો આવે, એનાં મમ્મી–પપ્પા આવે, કરિયર બનાવે, લગ્ન કરે પછી એનાં બાળકો. કેટકેટલાં લોકો આવતાં જતાં રહેતાં હોત. ઘર કેટલું ભર્યું ભર્યું લાગે. ડીંગડોંગ…ઘરની બેલ વાગી અને રાખી વિચારમાંથી બહાર આવી. શ્રીજીના દર્શને કેટલાંક પાડોશી આવ્યાં હતાં.

‘ડુંગર આમને પ્રસાદ આપજે.’ રાખીએ બૂમ પાડી એટલે તરત ડુંગર પ્રસાદ લઇને આવી ગયો. પેપર ડીશમાં ચુરમા અને બુંદીનો લાડુ. સાથે એક સમોસું અને પછી ચા અને કોફી. લોકો વાતો કરે અને રાખી ખુશ થાય. કેટલી મજા પડે છે. થોડી વાર બેસીને બધાં ગયાં એટલે રાખીએ ડુંગરને ઘર સાફ કરવાની સૂચના આપી ને બેડરૂમમાં લંબાવ્યું. આખો દિવસ લોકોની દર્શન માટે અવરજવર રહે એના કારણે રાખી પણ થાકી ગઇ હતી. બેડ પર લંબાવ્યું અને આંખો બંધ કરી ત્યાં એકલતા ઘેરી વળી. ‘ક્યાં વિચાર્યું હતું કે કદી આવી રીતે પણ સુખ શોધવું પડશે.’પતિ–પત્ની બન્ને જોબ કરે. સવારે જાય તો સાંજે આવે. ઘરમાં કામ કરવા માટે નોકર–રસોઈઓ અને ગાર્ડન માટે માળી પણ ખરો એટલે રાખીને કોઈ કામનું ભારણ નહીં. મિત્રોનું મોટું સર્કલ, વીક એન્ડમાં મહેફિલો જામે. શિયાળામાં દેશમાં અને ઉનાળામાં વિદેશમાં વેકેશન માણવાનું. સાથે મિત્રો કયારેક હોય ક્યારેક બન્ને એકલાં ઊપડે. બસ એમના માટે ફરવા માટે બે બસ હતાં. કદી એકબીજાની કંપનીથી કંટાળ્યા નહોતાં એટલે જ કદી એક હદથી વધુ બાળકની કમી વરતાઈ નહોતી પણ એક દિવસ અચાનક રાખીના પતિ દીપકને હાર્ટએટેક આવી ગયો. કાર્ડિયાક અરેસ્ટ. જમવા માટે ટેબલ પર આવતા જ રસ્તામાં જ ઢળી પડ્યા. રાખીબેને દોડીને એમનું માથું ખોળામાં લીધું હતું. બસ ત્યાં જ શ્વાસ પૂરા થયા. ઉંમર માત્ર અઠ્ઠાવન વર્ષ. રિટાયર્ડ થવાને માત્ર બે મહિના બાકી. રાખીબેન દિવસો તંદ્રામાં રહ્યાં. દુ:ખમાં ભાગ પડાવવા કોણ આવ્યું, કોણ ગયું, કોણે શી વિધિ કરી તેની લેશમાત્ર ખબર ન હતી.

બસ આખો દિવસ એ ક જ રટણ, ‘દીપક ઊઠ ને આંખો ખોલ ને…!’ છેવટે સગાં–વહાલાં- મિત્રોના પ્રયાસથી ભાન આવ્યું કે રિટાયર્ડ થઇને સાથે વૃધ્ધાવસ્થામાં એકબીજાનો સહારો બનવાનું નક્કી કર્યું હતું તે વ્યક્તિ તો કોઇ આગોતરી જાણ કર્યા વિના જ અનંતની સફરે ઊપડી ગયો છે. રાખીબેનની આંખોમાં આસું આવી ગયાં. દિવસો નહીં વરસો પણ વિત્યાં પણ હવે એકલતા કઠતી નથી પણ કંટાળો તો આપે જ છે. રોજ રોજ કોણ ઘરે આવે? રોજ રોજ કોના ઘરે જાઉં? કાયમના એકલા છીએ એટલે રોજ રોજ તો ક્યાં રાવ ખાવી? એટલે એમણે ઘરને કિલ્લોતું રાખવાની ટ્રીક શોધી લીધી. દરેક તહેવાર ધામધૂમથી ઊજવવા. પછી એ ગણેશચતુર્થી હોય કે સંવત્સરી. મિચ્છામિ દુક્કડમ કહેવામાં ક્યાં ધર્મ નડે છે?

પણ હવે ચાર વર્ષથી તહેવારો ઉજવીને કંટાળ્યાં કારણ કે આ બધું કર્યા પછી એ જ સંભળાતું, એ તો એકલી છે એટલે બધું કરે છે. કોના માટે બચાવે એટલે ખર્ચે છે. ‘બેન હવે કામ છે કે ઘરે જાઉં?’ ડુંગરના અવાજથી રાખીબેને આંખો ખોલી.‘હા..જા..સાંભળ સવારે આવે ત્યારે કાલ માટે કચોરીનો ઓર્ડર આપેલો છે તે ભગવતી ફરસાણમાંથી લેતો આવજે અને ખાસ કહેજે કે સાંજે વિસર્જન માટે ફ્રેશ મોકલાવે. સવારની બનેલી ન ચાલે.’ ‘હા..બેન…!’ ડુંગર ગયો એટલે રાખીબેને ઘર બરાબર બંધ કર્યું. પછી પાછા સૂઇ જવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ તો દીપક ગયો તે દિવસથી એની સાથે જ ઊડી ગઈ છે. વારંવાર ખ્યાલ મનમાં આવે કે કાશ દીપક હોત તો!

પણ હકીકત સ્વીકારવી જ પડે કે દીપક નથી. રાખીએ ઊંઘની ગોળી લીધી અને બેડ પર સૂતાં. સવારે સાત વાગે બેલ વાગી અને એ ઊઠયાં. દૂધવાળા પાસેથી દૂધ લીધું. ચા બનાવીને હિંચકે બેઠાં અને ફટાફટ વિસર્જનની તૈયારીમાં લાગી ગયાં. ડિસ્પોઝેબલ પ્લેટસ, ચમચી, પાણીની બોટલ, ચા–કોફી માટેના કપ અને કંકુ, અબીલ, ગુલાલ વગેરે તૈયાર કર્યાં. વિસર્જન પછી એમણે જમણવાર રાખ્યો હતો જેથી સ્ત્રીઓ વિસર્જનમાં જોડાઈ શકે.

બપોર થતાં તો સગાં–વહાલાં, પાડોશીઓ આવવા લાગ્યા. બાપ્પાના ભજન ગવાયાં, પ્રસાદ વહેંચાયો અને પછી રાખીબેને આરતી કરીને બાપ્પાને વિદાય આપી. એ સાથે જ મ્યુઝિકના તાલે બાળકો નાચવા લાગ્યાં. ગુલાલની ગુલાબી છોળો ઊડી. પછી તો સ્ત્રીપુરુષો બધાં નાચગાનમાં જોડાયાં અને જમાવટ થઇ ગઇ. બધાં નાચતાંગાતાં સોસાયટીના કોમન ગાર્ડનમાં આવ્યા. ત્યાં ફરી ડિસ્કો ગીતો પર બાળકો સાથે મોટેરાં પણ નાચ્યાં. મોટા પીપમાં પાણી ભરવામાં આવ્યું હતું.

તેમાં પછી રાખીબેને હાથમાંનાં ગણપતિને ધીરે રહીને પધારાવ્યા અને એ સાથે જ ગણપતિ બાપ્પા મોર્યાના નારા ગૂંજી ઊઠયા અને રાખીબેનને દીપક યાદ આવી ગયો. શ્રીજીને પાણીમાં પધરાવીને વિદાય આપી તેમ દીપકને પણ અગ્નિમાં વિદાય આપી હતી ને! પંચમહાભૂતમાં જ તો બધું વિસર્જન થાય છે. દર વર્ષે ગણપતિનું વિસર્જન કરીએ છીએ તેમ ગણપતિનું સર્જન પણ કરીએ છીએ ને? સર્જન- વિસર્જનની પ્રકિયા નિરંતર છે તો મેં કેમ મારા મનને બાંધી રાખ્યું છે?’ બીજે દિવસે સીનિયર સિટિઝન મેરેજ બ્યૂરોમાં રાખીબેને પોતાનું નામ નોંધાવ્યું.

Most Popular

To Top