અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છતા રોજ 1000 શ્રદ્ધાળુઓ ભરપેટ પ્રસાદી લે છે

અંબાજી : રાજ્યમાં કોરોના (corona) મહામારીના પગલે સરકાર દ્વારા જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શાળા-કોલેજ સહિત મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. હાલમાં અંબાજી મંદિરના (Ambaji Temple ) દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે. છતાં શ્રદ્ધાળુઓના ધસારો દર્શન માટે જોવા મળે છે. મંદિર બંધ હોવાના કારણે શ્રદ્ધાળુઓ મંદિરની શિખર અને ધજાના દર્શન કરીને પરત ફરી રહ્યા છે. પરંતુ અંબાજી થી કોઈ દર્શનાર્થી ભૂખ્યુ નથી જતું નથી. કારણ કે કોરોનાની ત્રીજી લહેર (third wave) વચ્ચે પણ ટ્રસ્ટના ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થા ચાલુ જ છે. શ્રદ્ધાળુઓને માત્ર 16 રૂપિયામાં ભરપેટ ભોજન અપાઈ રહ્યુ છે. દરરોજ એક હજાર જેટલા લોકો ભોજનનો લાભ લઈ રહ્યા છે.

રાજ્યભરમાં વધતા જતા કોરોનાના કેસને લઇ શ્રદ્ધાળુઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારની ગાઈડલાઈન અનુસાર શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. તેમ છતાં યાત્રિકો શ્રદ્ધાભેર અંબાજી મંદિર પહોંચી માતાજીના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ અનુભવી રહ્યા છે. તેવામાં અંબાજી આવતા યાત્રિકો ભૂખ્યા ન જાય તેનુ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓને ભોજનની સુવિધા મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે પોતાનું અંબિકા ભોજનાલય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલુ રાખ્યું છે અને માત્ર 16 રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી છે.

રવિવારની રજા હોવાથી અનેક યાત્રીઓ અંબાજી પહોચ્યા હતા અને ત્યાં જઈને અંબિકા ભોજનાલયમાં ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો. જોકે માત્ર 16 રૂપિયામાં બજારમાં નાસ્તો પણ થતો નથી ત્યાં મંદિર ટ્રસ્ટે 16 રૂપિયામાં ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી છે અને બાળકો માટે 11 રૂપિયા નક્કી કરાવામાં આવ્યા છે. હાલ આ ભોજનાલયમાં સરકારની સપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે યાત્રિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે અને ભોજનખંડમાં 50% સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી જમાડવામાં આવી રહ્યા છે.

અંબાજી મંદિરમાં દિવસ દરમિયાન સવાર સાંજ બંને ટાઇમ ભોજન પિરસવામાં આવી રહ્યા છે. સવારે 800 અને સાંજે 200 જેટલા મળીને રોજના એક હજાર જેટલા યાત્રિકો આ ભોજન વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. અંબાજી મંદિરના કેટરર્સના સંચાલક સુરેશ વ્યાસે જણાવ્યુ હતું કે ભોજનાલયમાં પૂરી વણવાની સિસ્ટમ ઓટોમેટીક વિકસિત કરવામાં આવી છે.

Most Popular

To Top