Columns

ભલે જુદાં પણ મૂળે તો બધાનું જ શરીર પાંચ તત્ત્વોનું વસ્ત્ર છે

એક ગીતકારે પંચરંગી દુનિયા, તેની અનેકતા અને દુઃખો જોઈને તેના સર્જકને પૂછયું છે, દુનિયાને બનાવનાર, તેં આવી કેવી દુનિયા બનાવી? કદાચ જ્યારે દુનિયા બની હશે ત્યારે આવી નહીં હોય. પાછળથી આવી દુનિયા બની હશે. દુનિયામાં જે તનાવ, સંઘર્ષ અને યુદ્ધની સંભાવનાઓ છે તેનું કારણ અનેકતા તો નથી ને? જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે આપણે નારાઓ લગાવીએ છીએ કે ‘હમ એક હૈ’ એકતા એ મહાન શક્તિ છે. માનવજીવનના સાચા સુખ, શાંતિ માટેનું ગુલાબી સ્વપ્ન છે પરંતુ સવાલ એ છે કે એકતા સ્થપાય કેવી રીતે?

અનેકતામાં એકતાનું સર્જન કરવાના અઢળક પ્રયત્નો થયા છે. પરંતુ અત્યાર સુધીના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા છે, તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. જ્યારે આ માનવસૃષ્ટિમાં રહેલી અનેકતા કે વિવિધતાનો વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે અહીં બધું જ જુદું જુદું છે. સ્વતંત્ર અસ્તિત્વ ભોગવે છે. આપણને મળેલા માનવશરીરની જ વાત કરીએ તો ‘એક ન મળે બીજા સાથે’ એવી પરિસ્થિતિ છે. જેટલા પણ માનવ આત્માઓ છે તે બધાને જુદાં જુદાં માનવશરીર, ભિન્ન-ભિન્ન ચહેરા મળેલા છે. આમ, દરેક માનવ પોતપોતાની રીતે અલગ અલગ લાગે છે.

માનવશરીરને જુદા જુદા પ્રદેશો પ્રમાણે રંગ પણ કાળા અને ઉજળા મળેલા છે. અહીં એક મોટી વિભિન્નતા સર્જાઈ છે. કાળા અને ધોળા મનુષ્યોની રંગભેદની નીતિ સર્જાઈ છે. જેને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. દુનિયાએ આટલી પ્રગતિ કરી હોવા છતાં આફ્રિકામાં રંગભેદનું કલંક છે જ. માનવનું શરીર જ નહીં દરેકના વિચાર પણ જુદા હોય છે. દરેક વ્યક્તિની વિચારસરણી જુદી જુદી હોવાના કારણે મતભેદો અને ઝઘડાઓ થાય છે. જન્મ લેનાર જુદી જુદી વ્યક્તિઓના કુળ પણ જુદાં જુદાં હોય છે. વ્યક્તિની વિચારસરણી, રીતભાત, ચારિત્ર્ય વગેરે પરથી તે કયા કુળનો છે તે ઓળખાય છે.

સમાજ એ વ્યક્તિના ઘડતરનું મહત્ત્વનું પરિબળ છે. જે સમાજમાં બાળકનો જન્મ થાય છે તે સમાજની મોટાભાગની અસરો તે બાળક પર પડે છે. સમાજના જે રીતરિવાજો હોય છે, તે રીતરિવાજો તે અપનાવે છે. બાળક એ સમાજનો અરીસો છે. વિશ્વમાં સામાજિક રચના, સામાજિક રીતરિવાજો, સામાજિક વ્યવસ્થા અલગ અલગ હોવાને કારણે જુદા જુદા પ્રકારના માનવો તૈયાર થાય છે. આમ મૂળમાં ભિન્નતા છે. કોઈ પણ વ્યક્તિ માટે દેશ, ધર્મ અને ભાષા ઘણી અગત્યતા ધરાવે છે. જગત પાંચ ખંડો અને કેટલાયે દેશોમાં વહેંચાયેલ છે.

દરેક વ્યક્તિને પોતાના દેશનું ગૌરવ અને પોતે અમુક દેશનો છે તે ભાન, બીજા દેશવાસીથી ભિન્ન છે તેનું ભાન કરાવે છે. જુદા જુદા દેશો પણ પોતપોતાના દેશને ઊંચો લાવવાના પ્રયત્નો કરતા હોય છે તો ક્યારેક પોતાની સરહદો વધારવાના પ્રયત્નો કરતા હોય છે. અલગ અલગ દેશ હોવાને કારણે સરહદોની સુરક્ષા પાછળ પણ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. ઈતિહાસ નોંધે છે કે બે દેશો વચ્ચેનું યુદ્ધ નાના અથવા મોટા પ્રમાણમાં સતત ચાલતું જ રહ્યું છે. અત્યાર સુધી અંગ્રેજો કેટલાક દેશો પર હકૂમત ચલાવતા હતા.

આ દુનિયામાં ધર્મના ભેદભાવના કારણે જેટલા મરણ થયા હશે તેટલા બીજા કોઈ કારણસર નહીં થયાં હોય. ધર્મના નામે લોકો પ્રાણની પણ આહુતિ આપવા તૈયાર છે અને કરુણતા એ છે કે જે ધર્મો આપણને અહિંસા શીખવે છે, તે ધર્મના રક્ષણ કાજે આપણે શસ્ત્રો ઉઠાવીએ છીએ. ધર્મ આજે રાજકારણનો હાથો બની ગયો છે. ધાર્મિક મતમતાંતરની ભિન્નતા અત્યારે માનવોને સુખનો શ્વાસ લેવા દેતી નથી. દરેક પોતાના ધર્મને સત્ય ઠેરવવાનો પ્રયત્ન કરે છે. ભલેને ધર્મમાં કહ્યું હોય કે ‘તમારા ધર્મ જેટલું જ જ્યારે પણ ધર્મના કારણે હુલ્લડો થાય છે ત્યારે નિર્દોષોના મોત થતા હોય છે.

મનુષ્ય સૃષ્ટિમાં વ્યક્તિઓ વચ્ચેના કાર્યનો સેતુ ભાષા છે. ભાષાઓની ભિન્નતા એક મોટી ભિન્નતા છે જે તે દેશની જ નહીં પણ જુદાં જુદાં રાજ્યો અને તેના પણ જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ભાષાઓ વપરાય છે. એક જ ભાષાના ઉચ્ચારો પણ થોડા થોડા અંતરે બદલાતા જતા જોઈએ છીએ. જૂની કહેવત છે ‘બાર ગાઉએ બોલી બદલાય’ તે સત્ય છે. ભાષાના પ્રયોગથી માણસ ભિન્ન પડી જાય છે. લોકો શિક્ષણ પણ પોતાની માતૃભાષામાં જ લેવાનો આગ્રહ રાખે છે. આપણા દેશમાં રાષ્ટ્રભાષા હિંદીને પ્રચલિત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કારણ કે ભાષા પણ એકતાનું એક માધ્યમ છે. એક દેશમાં તો લોકો બીજાની ભાષા પ્રત્યે એટલો જ પૂર્વગ્રહ રાખે છે. રાષ્ટ્રના વડાઓ બીજા દેશમાં જાય ત્યારે તે પોતાની રાષ્ટ્રભાષામાં જ ઉદ્દબોધન કરે છે. અરસપરસ બન્ને સમજી શકે તેવી ભાષા જાણતા હોવા છતાં તે પોતાની જ ભાષામાં દુભાષિયા દ્વારા વાતચીત કરે છે.

દુનિયાના ફલક પર વિભિન્નતા-અનેકતા જ નજરે પડે છે. એકતા માટે શું આ બધી બાબતોમાં સમાનતા લાવવી જરૂરી છે? સૌથી મોટો સવાલ એ છે કે આ વિભિન્નતા સૃષ્ટિની સ્થાપનાથી જ છે કે સ્થાપના બાદ ધીરે ધીરે તેમાં વિભિન્નતા આવતી ગઈ છે? આનો જવાબ કોઈની પાસે નથી. એક દેશ, એક ધર્મ, એક ભાષા, એક કુળ અને એક કુળની દુનિયા કલ્પનાતીત માનવામાં આવે છે. જેમ અંધકાર વધતો જાય છે, તેમ તેમ પ્રકાશની આશા વધતી જાય છે, તેમ તેમ વિવિધતામાં એકતાની આશા વધતી જાય છે. કલિયુગી પતિત ભ્રષ્ટાચારી અંધકારમય દુનિયાના અંત બાદ સતયુગી દુનિયાનું આગમન રાત્રી પછી પ્રભાતની જેમ જ નિશ્ચિત છે.

સર્વ મનુષ્યાત્માઓ એક જ પ્રકારના આત્માઓ છે. વર્તમાન સંસ્કારો તેમના ભલે ભિન્ન છે, પરંતુ આત્માના આદિ સંસ્કારો શાંતિ, આનંદ, પ્રકાશ, સુખ અને પવિત્રતા છે જે સમાન છે. સર્વ આત્માઓના પિતા એક જ નિરાકાર – પરમાત્મા શિવ છે. ભલે જુદા જુદા ધર્મોમાં તેમના નામ, રૂપ, ગુણ અલગ અલગ આપ્યા, પરંતુ સર્વ ધર્મના અને સર્વ આત્માઓના પિતા શિવ એક જ છે તેમ આખી દુનિયા માને છે. તેથી સર્વ આત્માઓ વાસ્તવમાં ભાઈ-ભાઈ છે. આ સૃષ્ટિ એક રંગમંચ છે અને સર્વ આત્માઓ સૃષ્ટિમાં પાર્ટધારી કલાકારો છે. આપણી જીવન નૈયાને અવિનાશી હકીકતો, સત્ય-પ્રેમના સપાટ મેદાનોમાંથી પસાર થતી નદીમાં હંકારીશું તો સહીસલામત સુખ, શાંતિ, પવિત્રતાની આવતી કાલની દુનિયારૂપી સાગરમાં પહોંચીશું. ભલે અનેકતા હોય, વિવિધતા હોય પણ તેમાં ‘આત્મા – આત્મા ભાઈ’ના સથવારે સૌ પ્રગતિ, ઉન્નતિ કરતા રહો એ જ શુભેચ્છા.

Most Popular

To Top