Editorial

કોવિડના રોગચાળાએ અમીરો અને ગરીબો વચ્ચેની ખાઇ વધુ પહોળી કરી

આર્થિક અસમાનતા એ દુનિયામાં કોઇ નવી બાબત નથી પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વભરમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ વધેલું જણાયું છે. ખાસ કરીને મુક્ત બજારનો અને ખાનગીકરણનો ખયાલ વધુ પ્રચલિત બન્યો  ત્યારપછીથી વિશ્વમાં આર્થિક અસમાનતા વધી છે એમ માનવામાં આવે છે અને તેમાં પુરુ તથ્ય જણાય છે. મુક્ત બજારનો ખયાલ પ્રચલિત બન્યા પછી જેની લાઠી તેની ભેંસ જેવો ઘાટ સર્જાયો છે. જેમની પાસે કમાણીના સંસાધનો  અને સ્ત્રોતો છે તેઓ વધુને વધુ ધનવાન થતા ગયા છે અને સ્ત્રોતહીન ગરીબ વર્ગ વધુ ગરીબ બનતો ગયો છે.

મુક્ત હરિફાઇ પ્રગતિ નોંતરશે એવો ખયાલ અનેક દેશોમાં ખોટો સાબિત થયો છે. જે કાંઇ પ્રગતિ જણાય છે તે પણ  ભ્રામક હોવાનું જણાય છે કારણ કે આ પ્રગતિના ફળ એક મર્યાદિત વર્ગને મળ્યા છે. વિશ્વના અનેક દેશોની સરકારોએ ખાનગી કરણને ઉત્તેજન આપીને નાગરિકોના કલ્યાણ માટેની યોજનાઓ બાબતે હાથ ખંખેરી લેવા માંડ્યા તે  પછી ગરીબો માટે તો શિક્ષણ અને અન્ય પાયાની સવલતો મેળવવાનું પણ દુષ્કર બનતું ગયું અને તેમને માટે વિકાસના દરવાજા બંધ થતા ગયા અને તેઓ વધુ ગરીબ બનતા ગયા.

આ જે માહોલ છેલ્લા કેટલાક દાયકાઓથી  સર્જાયો હતો તેમાં હાલનો રોગચાળો આવી પહોંચ્યો અને તેણે આર્થિક અસમાનતાને વધુ વકરાવી છે. ગરીબો માટે તો આમ પણ સારી રીતે જીવવાનું પણ દુષ્કર બનતું જતું હતું અને રોગચાળાએ વિવિધ નિયંત્રણોને કારણે  તેમની સ્થિતિ વધુ બગાડી. બીજી બાજુ રોગચાળાની સ્થિતિએ મર્યાદિત ધનવાન વર્ગને મબલખ કમાણીઓ કરવાની તક આપી અને વિશ્વભરમાં ધનવાનો અને ગરીબો વચ્ચેની ખાઇ વધુ પહોળી થઇ.

જે વિશ્વમાં પ્રવર્તતી આર્થિક અસમાનતા પર બારીક નજર રાખે છે તે ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા તેના હાલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે  કોવિડ-૧૯ના રોગચાળાને કારણે વિશ્વે દર ૩૦ કલાકે એક નવા અબજપતિનું  સર્જન થતું જોયું છે જ્યારે આ વર્ષે દર ૩૩ કલાકે દસ લાખ લોકો તીવ્ર ગરીબીમાં ધકેલાઇ જઇ શકે છે. ‘પ્રોફિટિંગ ફ્રોમ પેઇન’ મથાળાવાળો અહેવાલ ઓક્સફામે ડાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકના ટાણે જારી કર્યો છે.

આ  અહેવાલ જારી કરતા આ અધિકારવાદી જૂથે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આવશ્યક સામાનની કિંમતો વધુ ઝડપથી વધી રહી છે ત્યારે આહાર અને ઇંધણના સેકટરોમાં ધંધો કરી રહેલા અજબપતિતઓની મિલમતોમાં દર બે  દિવસે બે અબજ ડોલરનો વધારો થઇ રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, કે જે પોતાને જાહેર-ખાનગી ભાગીદારી માટ઼ેનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન ગણાવે છે તે બે વર્ષના ગાળા પછી ડાવોસમાં પોતાની વાર્ષિક બેઠક યોજી રહ્યું છે  તે પ્રસંગે ઓક્સફામે આ અહેવાલ બહાર પાડ્યો છે.

રોગચાળો અને તેના પછી હવે ખોરાકી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવોમાં તીવ્ર વધારાએ આ સેકટરોમાં રોકાણ કરતા ધનવાનો માટે તો મોટો લાભ ઉભો કરી આપ્યો છે.  દરમ્યાન, અત્યંત ગરીબીમાંથી લોકોને બહાર કાઢવાની દાયકાઓની પ્રગતિમાં હવે ઉંધી ગતિ થઇ છે અને લાખો લોકો સરળતાથી જીવતા રહેવા માટેની કિંમતમાં પણ અસહ્ય વધારાનો સામનો કરી રહ્યા છે એ મુજબ ઓક્સફામ  ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ડિરેકટર ગેબ્રિએલા બુચરે કહ્યું હતું. આ અહેવાલે દર્શાવ્યું હતું કે રોગચાળા દરમ્યાન ૫૭૩ લોકો અબજપતિ બન્યા હતા, જે દર ૩૦ કલાકના એકનો દર થાય છે. ‘’અમે ધારણા રાખીએ છીએ કે આ  વર્ષે ૨૬ કરોડ ૩૦ લાખ વધુ લોકો અત્યંત ગરીબીમાં ધકેલાઇ જઇ શકે છે જે દર ૩૩ કલાકે દસ લાખ લોકોનો દર થાય છે’’ એમ આ અહેવાલમાં કહેવાયું હતું. બુચર કહે છે કે અબજપતિઓની મિલકતો આટલી બધી એટલા  માટે વધી નથી કે તેઓ હોશિયાર કે સખત મહેનતુ છે, પરંતુ તેઓ ખાનગીકરણ અને મોનોપોલીનો લાભ ઉઠાવીને, કામદારોનું શોષણ કરીને અને કાળાધોળા કરીને ધનવાન બન્યા છે.

બીજી બાજુ, લાખો લોકો એવા છે કે જેઓ  એક ટંકનું ભોજન પણ છોડી દઇ રહ્યા છે, બિલો ભરી શકતા નથી કે ટકી રહેવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા છે. ઓક્સફામના અહેવાલમાં કદાચ થોડીક અતિશયોક્તિ હોય તો પણ વિશ્વમાં આર્થિક અસમાનતા છેલ્લા કેટલાક  સમયમાં વકરી છે અને રોગચાળાએ સ્થિતિ વધુ બગાડી છે તે એક નકારી નહીં શકાય તેવી બાબત છે. આમ તો દુનિયાભરમાં આર્થિક અસમાનતા છે પરંતુ ભારતમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. ભારત એ વિશ્વના એવા ટોચના દેશોમાંનો એક છે કે જ્યાં આર્થિક અસમાનતા ભયંકર છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં ટોચના એક ટકા  ધનવાનો પાસે દેશની ૫૮ ટકા મિલકતો છે અને જો ધનવાનોમાં ટોચના ધનપતિઓ ઉપરાંત તેમના કરતા થોડાક નાના એવા ધનપતિઓને પણ સમાવવામાં આવે તો દેશની કુલ વસ્તીના જે દસ ટકા ધનવાનો થાય તેમની પાસે  દેશની કુલ મિલકતોની ૮૦ ટકા મિલકતો છે.

એટલે કે બાકીની ૯૦ ટકા વસ્તીની પાસે દેશની કુલ મિલકતોમાંથી માત્ર ૨૦ ટકા મિલકતો છે! આર્થિક અસમાનતા ભારતમાં કેટલી ભયંકર છે તે આના પરથી સમજી શકાય છે અને  રોગચાળાએ ભારતમાં પણ સ્વાભાવિક રીતે જ આ સ્થિતિને વધુ વકરાવી છે તે સમજી જ શકાય છે કારણ કે કોવિડના રોગચાળાના સમય દરમ્યાન અહીં મોટા પ્રમાણમાં ગરીબો પાયમાલ થયા છે અને નીચલા મધ્યમ વર્ગમાંથી  નોંધપાત્ર વર્ગ ગરીબીમાં ધકેલાયો છે. જો આર્થિક અસમાનતા ઘટાડવી હશે તો અનેક આર્થિક નીતિઓ બાબતે ફેરવિચારણા કરવી પડશે અને ધનવાન ઉદ્યોગપતિઓને જ રાજી રાખવાની નીતિ ત્યજીને લઘુતમ વેતન ધારાના  કડક અમલ સહિતના પગલાઓ સરકારે પ્રમાણિકપણે ભરવા પડશે.

Most Popular

To Top