National

Encounter Live: કાશ્મીરમાં 1 કલાકમાં 5 આતંકવાદીઓ ઠાર, બેની ધરપકડ

કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે એક કલાકની અંદર સુરક્ષા દળોએ બે એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે સુરક્ષા દળોએ પોમ્બાઈ અને ગોપાલપુરા ગામમાં એન્કાઉન્ટરમાં આ આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં બંને જગ્યાએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.

એટલું જ નહીં, પોલીસ અને સુરક્ષા દળોએ પુલવામામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ આતંકવાદી હુમલાની તૈયારીમાં હતા. આવી સ્થિતિમાં, તેમની ધરપકડ સાથે, સુરક્ષા દળોએ એક મોટો ખતરો ટાળવાનું કામ કર્યું છે. ધરપકડ કરાયેલા બે આતંકવાદીઓની ઓળખ અમીર બશીર અને મુખ્તાર ભટ તરીકે થઈ છે. નાકા પર ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી IED મળી આવ્યા છે. હાલ બંનેની તપાસ ચાલી રહી છે. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ એક ગુપ્ત માહિતીના આધારે એન્કાઉન્ટર કર્યું હતું. કુલગામના પોમ્બે વિસ્તારમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને તેમને ભાગવાની એક પણ તક આપવામાં આવી ન હતી. સુરક્ષા દળોએ પણ સુરક્ષા માટે સમગ્ર વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને વાહનવ્યવહાર પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ સિવાય કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં પણ આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. ત્યાં બે આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સેના એક સાથે બે જગ્યાએ એન્કાઉન્ટર કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લાં ઘણા દિવસોથી સુરક્ષા દળો દ્વારા આતંકીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભિષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય આતંકવાદીઓને મદદ કરનારા વધુ બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો, ત્રણ લોકો ઘાયલ
જ્યારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાન અને એક નાગરિક ઘાયલ થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં પલહલ્લાન ચોક પાસે સવારે 11.15 વાગ્યે ગ્રેનેડ હુમલો કર્યો.” 

Most Popular

To Top