National

ગૌતમ અદાણીએ ચૂંટણી અંગેની અટકળો ઉપર આ રીતે મૂક્યું પૂર્ણવિરામ

નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) દેશભરના 15 રાજ્યોની 57 બેઠકો માટે ચૂંટણીની (Elections) જાહેરાત કરી છે. આ માટે 10 જૂને ચૂંટણી યોજાશે. ત્યાર બાદ ચૂંટણીને લઇને ઘણી અટકળોએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રખ્યાત ઉદ્યોગપતિ અને વિશ્વના ટોચના ધનિકોમાંના એક ગૌતમ અદાણીના પરિવાર વિશેના એક સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૌતમ અદાણી અથવા તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે. હવે અદાણી ગ્રુપે આ દાવા પર સ્પષ્ટતા રજૂ કરી છે. તેથી હવે ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે. 

અદાણી ગૃપે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમને એક સમાચાર અહેવાલ વિશે જાણવા મળ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાની બેઠકો આપવામાં આવી રહી છે. આ પ્રકારના અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે જે રાજ્યસભાની બેઠક ખાલી થયા બાદ આવે છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્વાર્થને કારણે અમારું નામ આવા બનાવટી મીડિયા અહેવાલોમાં ખેંચવામાં આવ્યું છે. ગૌતમ અદાણી કે ડો. પ્રીતિ અદાણી કે તેમના પરિવારમાંથી કોઈને પણ રાજકીય કારકિર્દીમાં કે કોઈ પક્ષમાં જોડાવામાં કોઈ રસ નથી.

5 લાખ રૂપિયાથી અબજોનું સામ્રાજ્ય બનાવ્યુ
અદાણીએ માત્ર 5 લાખ રૂપિયાની કંપની સાથે બિઝનેસ શરૂ કર્યો અને ધીમે ધીમે એક વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની આ અજોડ સફળતા પાછળ તેમની મહેનત, ચતુરાઈ, કૌશલ્ય, નેટવર્કિંગ જેવા ગુણો છે. ગૌતમ અદાણી, જેઓ પોતાનું કોલેજનું શિક્ષણ પણ પૂરું કરી શક્યા ન હતા, તેમની વાર્તા હીરાના વ્યવસાયથી શરૂ થાય છે. તેઓ 16 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા અને હીરાનો વ્યવસાય શીખવાનું શરૂ કર્યું. બાદમાં તેઓ 1981માં ગુજરાત પરત આવ્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

સૌથી ધનિક લોકોની યાદીમાં 5મા સ્થાને અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અદાણી ની કુલ નેટવર્થ $123.1 બિલિયન હોવાનો અંદાજ છે. તેણે બર્કશાયર હેથવેના વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું.

Most Popular

To Top