National

ભારતમાં હવામાનની બેવડી અસર: ક્યાંક આકરી ગરમી તો કયાંક કમોસમી વરસાદને કારણે પૂર

દિસપુર: જયાં ઉત્તર ભારત ઉનાળાની ગરમીમાં સળગી રહ્યું છે, ત્યાં આસામ અને કેરળના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) પડી રહ્યો છે. જેના કારણે પૂરની (Flood) સ્થિતિ સર્જાઈ છે અને 12 ગામોમાં ભૂસ્ખલન (Landslides) થયું છે. હવામાન વિભાગે રવિવારે કેરળના ઘણા સ્થળોએ વરસાદનું રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં બીજી તરફ દેશભરમાં પડી રહેલી આકરી ગરમીએ (Heat) લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. હવામાન વિભાગએ રવિવારે દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહારના ઘણા ભાગોમાં ગરમીની લહેર આવવાની આગાહી કરી છે. આ રાજ્યોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ (Orange Alert) પણ જારી કરવામાં આવ્યું છે.

આસામમાં કમોસમી વરસાદ
આસામમાં પડેલા કમોસમી વરસાદને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીંના દિમા હસાઓમાં વરસાદના કારણે 12 ગામોમાં ભૂસ્ખલન થયું છે. આ ઉપરાંત અન્ય ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આસાની ચક્રવાતને કારણે વરસાદની આ સ્થિતિ સર્જાઈ છે. હાફલોંગ, દિમા હાસાઓમાં ભૂસ્ખલનમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. અન્ય ઘણા વિસ્તારોમાં રોડ ઓવરફ્લો થવાના બનાવો નોંધાયા છે.

કમોસમી વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદથી છ જિલ્લાના 94 ગામોમાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. જેમાં કચર, ધેમાજી, હોજાઈ, કાર્બી આંગલોંગ વેસ્ટ, નાગાંવ અને કામરૂપ (મેટ્રો) પણ સામેલ છે. કમોસમી વરસાદ અને ભૂસ્ખલનને કારણે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) ના લુમડિંગ-બદરપુર સેક્શનમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત માયબાંગ અને માહુર વચ્ચેના રેલ માર્ગો પ્રભાવિત થયા છે. અહીં ટ્રેનો મોડી દોડી રહી છે.

ગરમીથી બેહાલ ઉત્તર ભારતવાસીઓ
જો ઉત્તર ભારતની વાત કરીએ તો ત્યાંના લોકો ગરમીમાં બેહાલ થઈ ગયા છે. દિલ્હીમાં રવિવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે, જ્યારે મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉપરાંત, હવામાન વિભાગે રવિવારે ભોપાલ સહિત 20 જિલ્લાઓમાં હીટ વેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં પણ રવિવારે ગરમીનો પારો 48 ડિગ્રીને પાર કરી ગયો છે. યુપીના બાંદા જિલ્લામાં સૌથી વધુ ગરમી રહી હતી. ત્યાં તાપમાન 49 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. હવામાન વિભાગે રવિવારે યુપીના 12 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે.

Most Popular

To Top