Comments

શિક્ષણ ક્ષેત્રે થોડા નિષ્ઠાવાન લોકો આવે તો શિક્ષણનું કલ્યાણ થશે

ભારતમાં સરકાર નિયંત્રિત શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ ક્ષેત્રની નિર્ણાયક જગ્યાઓ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રિય કક્ષાએ યુજીસી, એનસીઆરટી, કે રાજય કક્ષાએ સરકારી યુનિવર્સિટી, પાઠય પુસ્તક મંડળ, શિક્ષણ બોર્ડ કે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ‘નોડલ ઓફિસ’ તરીકે જાણીતી કેસીજી જેવી સંસ્થાઓ કામ શિક્ષણ ક્ષેત્ર માટે કરે છે. નિર્ણયો શિક્ષણ ક્ષેત્રના કરે છે પણ તેમાં નિર્ણાયક સ્થાનો પર સરકાર દ્વારા નિયુકિત થાય છે અને સરકાર દ્વારા નિયુકિત થવાની હોય ત્યારે વ્યકિતની યોગ્યાની સાથે સાથે તેની રાજકીય યોગ્યતા પણ જોવાય છે.

સત્તા પક્ષ તરફની વફાદારી પણ જોવાય છે. આદર્શની રીતે બંધારણની રીતે આ તમામ શૈક્ષણિક સંસ્થાસો સ્વાયત્ત છે. પણ આ સંસ્થાઓ સરકાર પ્રેરીત કામો જ કરે છે તે હકીકત છે. આ સ્વાયત્ત સંસ્થાના સત્તાસ્થાનો પર બેઠેલી વ્યકિતએ રોજબરોજ તો શિક્ષણના નિર્ણયો લેવાના હોય છે પણ આ બધામાં જે નિતિવિષયક નિર્ણયો હોય છે તે પૂર્ણત: રાજકીય હોય છે અને હવે તો શિક્ષણ સંબંધી નિર્ણયો પણ રાજકીય થવા લાગ્યા છે.

ખેર, કોંગ્રેસના શાસનમાં પણ શિક્ષણ બોર્ડના ચેરમેન, પાઠય પુસ્તક મંત્રીના ચેરમેન, યુનિવર્સિટીના કુલપતિ કે ઉપકુલપતિ કે રાજયા કક્ષાએ એનસીઆરની યુજીસીના સત્તાસ્થાનો પર કોંગ્રેસ તરફ નમેલા લોકો જ બેસાડવામાં આવતા એટલે ભાજપના શાસકો પણ એજ પરંપરામાં પોતાના સ્નેહીઓને બેસાડે પણ કોંગ્રેસને એક કુદરતી ફાયદો હતો અને તે એ કે મૂળ સ્વતંત્રતાની ચળવળ વખતે ગાંધી સરદારથી પ્રેરાઇને કોંગ્રેસ તરફ જોડાયેલા લોકોમાં મૂળ કેળવણીકારો, લેખકો, ચિંતકો ખરા સમાજશાસ્ત્રીઓ હતા.

અરે સમયનો પ્રભાવ ગણો કે બીજુ કોઇ પણ તે સમયે આગેવાન નેતાઓ પણ ખૂબ અભ્યાસુ વિશાળ વાચન ધરાવતા. ભાજપના મૂળ જયાં છે તે જનસંઘમાં અત્યંત વિદ્વાન અભ્યાસુ અને ભારતીય પરંપરા સાથે ખરી નિસ્બત ધરવતા લોકો હતા એટલે થતું એવું કે શિક્ષણ સંસ્થાના ઉચ્ચ સ્થાનો પર નિયુકિત ભલે રાજકીય પસંદગીથી થતી પણ તે વ્યકિતઓ શિક્ષણ સાથે નિસ્બત ધરાવતી એટલે શિક્ષણ ક્ષેત્રના રોજબરોજના નિર્ણયો માત્ર શિક્ષણના હિતોને ધ્યાનમાં લઇ લેવાતા! વળી ખાનગીકરણ હતું નહિં એટલે શિક્ષણમાં કમાણી જેવું હતું નહિ. શિક્ષણ સંસ્થાઓ સરકાર ખોલે કે જાહેર ટ્રસ્ટ ખોલે ખર્ચો કરવાનો હતો આવકો થવાની ન હતી.

પણ એક તરફ ખાનગીકરણ આવ્યું. બીજી તરફ જાહેર જીવનમાં વાચન, અભ્યાસ, મૂળભૂત નિસબત ધરાવતા લોકો ઓછા થયા. શિક્ષણ ક્ષેત્રે પણ લાંચ, ભ્રષ્ટાચાર, લાગવગ, ડોનેશન દ્વારા ભરતીઓ થવા માંડી અને 1991-92માં ભરતી થયેલા લોકો આજે શિક્ષણ ક્ષેત્રમાં ‘ત્રીસ ત્રીસ વર્ષના અનુભવી’ ગણાવા લાગ્યા. હવે સરકારી ક્ષેત્રમાં સિનિયોરીટીમાં જ્ઞાન ઢેબે ચડે છે એટલે આ સિનિયરો ઉમરની લાયકાથી સત્તાસ્થાનોમાં પહોંચ્યા. બીજી બાજુ જ્ઞાતિવાદી સમિકરણોએ શિક્ષણની નિમણૂકોને પણ ગ્રહણ લગાડયું. સરકાર ભાજપની છે પણ ભાજપમાં પણ બે પ્રકારના લોકો છે.

એક એવા છે જે મૂળ જનસંઘના સમયથી ભાજપીન વિચારધારાને વરેલા છે. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો તરફના પ્રેમને કારણે ભાજપમાં રહ્યા છે. જયારે બીજો એક મોટો વર્ગ માત્ર સત્તાના કારણે ભાજપમાં આવ્યો છે. જેને ખબર છે કે સંઘ પરિવાર અને તેની ભગીની સંસ્થાઓમાં આગેવાની લઇ કાર્યક્રમોમાં ફોટા પડાવી અને પછી પાઠયપુસ્તક મંડળ, સાહિત્ય પરિષદ યુનિવર્સિટીના સત્તાસ્થાનોમાં ઘુસી જવાનું અને ખાનગીકરણના ભરપૂર લાભ ઉઠાવી બે પાંદડે થવાનું!

ભાજપની નવનિયુકત પ્રધાનોવાળી સરકારને વિનંતી કે આવનારા વર્ષમાં જો નવી શિક્ષણ નીતિ જમીન ઉપર અમલ કરવો હશે. નવા પાઠયક્રમો, નવા પુસ્તકો લખવા હશે, નવી પરિક્ષા પધ્ધતિઓ, નવી શિક્ષણ વ્યવસ્થાઓ વિકસાવવી હશે તો ચોક્કસ પણે અભ્યાસુ લોકોની જરૂર પડશે. તમે સંઘ કે ભાજપની વિચારધારાવાળા લોકોને જ જુદી જુદી જગ્યાએ નિયુકત કરજો. પણ વિદ્વાન અને અભ્યાસુ લોકોને મૂકજો. બોલકા, મિડિયોકર,છૂપા વેપારીઓને ઘૂસી જવા ન દેતા.

જે ખરી નિસ્બવાળા લોકો છે તે સત્તાપક્ષની દરેક મિનિટે હા એ હા નહિ કરે. મૂળ શિક્ષણના નિર્ણયો તમે કહેશો તેમ અક્ષરસહ નહિ કરે.પણ એ મૂળભૂત વિચારધારાને નહિં છોડે! શિક્ષણને ડાબરીઓ કે જમણેરીઓ કરતા શિક્ષણશાસ્ત્રીઓના વેશમાં ઘૂસી ગયેલા વેપારીઓએ વધારે નુકશાન પહોંચાડયું છે. તેમાય નાની નાની યુનિવર્સિટીઓ સ્થપાયાપછી તેમા જે તે પ્રદેશના જ્ઞાતિવાદી નેતાઓ ચડી બેઠા છે તેમણે ખૂબ નુકશાન કર્યું છે. આ બાબત સરકારના જ હાથમાં છે કે તે યોગ્ય લોકોને શિક્ષણ ક્ષેત્ર સોંપે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top