Editorial

હવાઇ મુસાફરો વધ્યા પણ વિમાનો અને વિમાની કર્મચારીઓની તંગી: અમેરિકાની આગવી કઠણાઇ

Making the Case for Managing Avionics Product Obsolescence Sustainably -  Aviation Today

અમેરિકામાં કોવિડ-૧૯ના રોગચાળાને કારણે હવાઇ યાત્રાઓ ઘણે અંશે બંધ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ એરલાઇનોએ તેમના નિષ્ક્રિય વિમાનો વિવિધ સ્થળે પાર્ક કરી રાખ્યા હતા, પણ હવે રોગચાળો અંકુશમાં આવ્યા બાદ હવાઇ મુસાફરો વધવા માંડ્યા છે પણ તેમના પરિવહન માટે પુરતા વિમાનોનો અભાવ જણાય છે. રોગચાળા પછી સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે ચીજવસ્તુઓની તંગી વચ્ચે મોંઘવારી પછી અમેરિકાની આ નવી કઠણાઇ છે.

રોગચાળાના કારણે નિયંત્રણો વચ્ચે બંધ થઇ ગયેલા હવાઇ પ્રવાસોને કારણે અમેરિકાની ડેલ્ટા, યુનાઇટેડ સહિતની અનેક એર લાઇનોએ તેમના વિમાનો વિવિધ સ્થળોએ પાર્ક કરી રાખ્યા હતા. કેટલાક વિશાળ લોજિસ્ટીક ગ્રાઉન્ડો અને રણ પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલ ખાસ પાર્કિંગ સ્થળોએ અમેરિકાની એર-લાઇનોના વિમાનો મોટી સંખ્યામાં પાર્ક કરી રાખવામાં આવ્યા હતા. હવે જ્યારે આ સુસ્ત પડેલા વિમાનોને ફરીથી આકાશમાં ઉડાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે અનેક વિમાનોના પૈંડાઓમાં તથા અન્ય ભાગોમાં વીંછી, સાપ જેવા જંતુઓને પોતાના ઘર બનાવી દીધા છે!

આ જંતુઓને કારણે મુસાફરોની સલામતી અંગે પણ ચિંતાઓ ઉભી થઇ છે અને જીવ જંતુઓ યોગ્ય રીતે સાફ કરીને જ વિમાનો સેવામાં મૂકવામાં આવે તે બાબત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રોગચાળાના અને રસીકરણને લગતા નિયંત્રણોને કારણે કર્મચારીઓની તંગી પણ મોટી સમસ્યા છે. નાતાલ પહેલાની થેંક્સગિવિંગની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો હવાઇ પ્રવાસો કરે તેવી આશા છે અને કર્મચારીઓને કામે બોલાવવા એર લાઇનો રઘવાઇ થઇ છે.

જો કે તેમને તરત પુરતા પ્રમાણમાં કર્મચારીઓ મળે કે કેમ? તે એક પ્રશ્ન છે. એશિયન દેશો કરતા પશ્ચિમી દેશોમાં રોગચાળાને કારણે વિવિધ ક્ષેત્રના કામદારો અને કર્મચારીઓની બાબતમાં ઘણી તકલીફો સર્જાઇ છે. વિદેશોથી આવેલા કર્મચારીઓ સ્વદેશ જતા રહ્યા હોય, સ્થાનિક કર્મચારીઓએ બીજો કોઇ વ્યવસાય અપનાવી લીધો હોય, રોગચાળામાં કેટલાક કર્મચારીઓના મૃત્યુ થયા હોય, તેવા અનેક કારણો કર્મચારીઓની આ તંગી માટે જવાબદાર હોઇ શકે છે.

ભારત સહિતના એશિયન દેશોમાં મોટું વર્કફોર્સ હાજર છે, તેવું પશ્ચિમી દેશોમાં નથી. ત્યાં શ્રમિકોની અને કેટલાક સેકટરોમાં તો વ્હાઇટ કોલર જોબમાં પણ સ્થાનિક કર્મચારીઓની તંગી અનુભવાય છે અને વિદેશોથી આવતા કામદારો, કર્મચારીઓ પર આધાર રાખવો પડે છે અને હાલના સંજોગોમાં શ્રમિકોની, કર્મચારીઓની ત્યાં જે તંગી વર્તાઇ રહી છે તેમાં એક મહત્વનું કારણ આ બાબત પણ છે. અમેરિકામાં હવે રોગચાળો ઘટતા અને નાતાલના તહેવારો નજીક આવતા હવાઇ મુસાફરો વધવા માંડ્યા છે. અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટોનું પ્રમાણ પણ ઘણુ વધારે છે અને દેશની અંદર જ હવાઇ મુસાફરીઓ ત્યાં મોટા પ્રમાણમાં થાય છે. હાલ ત્યાં હવાઇ મુસાફરો વધ્યા છે પણ તેમના માટે પુરતા પ્રમાણમાં વિમાનો અને વિમાની કર્મચારીઓ નથી, અમેરિકાની આ આગવી કઠણાઇ છે.

Most Popular

To Top