World

ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયના લીધે ભારતીય સ્ટુડન્ટ્સની મુશ્કેલી વધી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) તેના વિઝા અને માઈગ્રેશન નિયમોને (Visa And Migration Policy) કડક બનાવી રહ્યું છે, જેના કારણે ભારતમાં (India) ચિંતા વધી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે સોમવારે તા. 11 ડિસેમ્બરના રોજ જાહેર કર્યું કે તેઓ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ (Students) અને ઓછું ટેલેન્ટ ધરાવતા કામદારો માટે વિઝા નિયમો કડક કરી રહ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થનારાઓની સંખ્યા અડધી કરવાનો છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલ મુજબ નવી પોલિસી હેઠળ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અંગ્રેજીની એક્ઝામમાં વધુ માર્ક્સ મેળવવા પડશે. હાઈ રેટિંગ મેળવવું પડશે. આ સાથે ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહેવા માંગતા વિદ્યાર્થીઓ જ્યારે બીજી વખત વિઝા માટે અરજી કરશે ત્યારે તેનું સંપૂર્ણપણે રિચેકિંગ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લે ઓ’નીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વધતા જતા પ્રવાસીઓને રોકવા માટે અમે નવી સ્ટ્રેટજી બનાવી છે. આ નવી પોલિસીના લીધે અન્ય દેશોમાંથી ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં ઘટાડો થશે. આ સાથે ગૃહમંત્રીએ બાબત સ્પષ્ટ કરી માત્ર સ્થળાંતર રોકવા માટે નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નવી પોલિસી બનાવાઈ વિશે છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના સ્થળાંતર સંખ્યાને સસ્ટેનેબલ લેવલ સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓને લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે. તેથી નવેસરથી બનાવવાની જરૂર પડી છે.

તમને જણાવી દઈએ કે પાછલા કેટલાંક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેટન્સની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. વર્ષ 2022-23માં નેટ ઈમિગ્રેશન 510,000 પર પહોંચી હતી. આ એક રેકોર્ડ હતો. આ આંકડા જોયા બાદ ઓસ્ટ્રેલિયન સરકારે વિઝા નિયમોને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે. ઓ’નીલે કહ્યું કે 2022-23માં માઈગ્રેશનમાં આ વધારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કારણે થયો છે.

દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયા જાય છે
દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર, જુલાઈ 2023 સુધીમાં 118,869 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે.

ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયની વેબસાઈટ અનુસાર જૂન 2021ના અંત સુધીમાં ભારતીય મૂળના 710,380 લોકો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. 30 જૂન, 2011ના રોજ, આ સંખ્યા અડધા (337,120) કરતા પણ ઓછી હતી. બ્રિટન પછી ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે.

Most Popular

To Top