Business

અલૂણામાં આરોગવામાં આવતા સૂકા મેવામાં પણ કોરોના: મધ્યમવર્ગની ખરીદીમાં ઉદાસીનતા

સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા ઉત્સાહ સાથે ઊજવવામાં આવશે. જો કે, કોરોનાની મારને લીધે સામાન્ય મધ્યમ વર્ગ (Middle class)ની ખરીદશક્તિ ઓછી થતાં ડ્રાય ફ્રૂટના વેપાર (Dry fruit business)ને વ્યાપક અસર થઇ છે.

ચાલુ વર્ષે 50 ટકા વેપાર ઓછો રહેવાની શક્યતા હોલસેલર વ્યક્ત કરી રહ્યા છે. અલૂણા મહોત્સવના એક સપ્તાહ પહેલાં કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, અંજીર, લાલ અને કાળી દ્રાક્ષની ખરીદી નીકળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે. શહેરના અગ્રણી વેપારી વિનોદ દોરાબદારૂવાલાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે આલુમાં બજાર ડાઉન જોવા મળ્યું છે. ફર્સ્ટ ક્વોલિટીના આલુનો કિલોદીઠ ભાવ 880 રૂપિયા છે. જે ગયા વર્ષે 600 રૂપિયા હતો. એવી જ રીતે પ્યોર અમેરિકન બદામનો ભાવ 800 રૂપિયા થયો છે. જે ગયા વર્ષે 680 રૂપિયા કિલો હતો.

અમેરિકન બદામ કરતાં ઓસ્ટ્રેલિયન બદામનો ભાવ કિલોએ 50થી 70 રૂપિયા ઓછો છે. પરંતુ બંને પ્રકારની બદામની ખરીદી માટે અગાઉનાં વર્ષો જેવી ડિમાન્ડ નથી. ગોવાના કાજુનો ભાવ ગયા વર્ષ જેટલો જ 1080 રૂપિયા કિલો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાથી આવતા કાજુનો ભાવ 800 રૂપિયે કિલો છે. કાજુનું માર્કેટ પણ નરમ જોવા મળી રહ્યું છે. કાશ્મીરી અખરોટનો ભાવ ગયા વર્ષ કરતાં કિલોએ 80 રૂપિયા ઓછો છે. ગયા વર્ષે 800 રૂપિયાનો ભાવ હતો. પીસ્તાના ભાવ 1600 રૂપિયે કિલોની ઊંચાઇએ સ્થિર છે. તેમાં કોઇ વધઘટ જોવા મળી છે. અંજીરનું માર્કેટ પણ ડાઉન છે.

ફર્સ્ટ ક્વોલિટીના અંજીરના ભાવ 1200 રૂપિયા કિલો છે. જ્યારે ડાર્ક કલરના અંજીરના ભાવ 900થી 1000 રૂપિયા કિલો ચાલી રહ્યા છે. પ્યોર ઇરાની ચમન લાલ દ્રાક્ષનો ભાવ 480 રૂપિયા છે. જ્યારે લાલ ખાટી મીઠી રશિયન દ્રાક્ષનો ભાવ 400 રૂપિયા કિલો છે. કાળી દ્રાક્ષનો ભાવ ગયા વર્ષે 600 રૂપિયે કિલો હતો. તેમાં ચાલુ વર્ષે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે અલૂણાના બે દિવસ પહેલા સંયુક્ત પરિવારો અને સાધન સંપન્ન પરિવારો કિલો, બે કિલો તમામ પ્રકારના ડ્રાય ફ્રૂટની ખરીદી કરતા હોય છે. ચાલુ વર્ષે આ પ્રકારના પરિવારોની ખરીદીમાં ઓટ આવી છે. હવે પછીના દિવસોમાં સામાન્ય ગરીબ મધ્યમ વર્ગની ઓછી-વત્તી ખરીદી જોવા મળશે.

ચાલુ વર્ષે ડ્રાય ફ્રૂટનો વેપાર નરમ રહેવાની શક્યતા

આઇટમ ગયા વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ
આલુ 600 880
બદામ 680 800
કાજુ 1080 1080
અખરોટ 800 720
પીસ્તા 1600 1600
અંજીર 1200 1200
લાલ દ્રાક્ષ 480 480
કાળી દ્રાક્ષ 600 560

Most Popular

To Top