Gujarat Main

જુનાગઢ ફેમિલી કોર્ટનો ડ્રાઈવર નકલી DYSP બની ફાંકા ફોજદારી કરતો હતો, પકડાયો

જુનાગઢ (Junagadh): નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બાદ હવે રાજ્યમાંથી નકલી ડીવાયએસપી (Fake Dysp) ઝડપાયો છે. જુનાગઢમાંથી નકલી ડીવાયએસ પકડાયો છે. આરોપી મૂળ અમદાવાદનો અને હાલ વડોદરા રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચે વિનીત બંસીલાલ દવે (ઉં.વ. 37) નામના ઈસમને પકડ્યો છે. કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો આ આરોપી યુવાનોને પોલીસ ખાતામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને છેતરતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ 17 જેટલાં યુવકો સાથે 2.11 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી પાસેથી ડીવાયએસપી રેન્કનો બોગસ આઈકાર્ડ પણ મળી આવ્યો છે. પકડાયેલો આરોપી વિનીત દવે મૂળ અમદાવાદનો છે. તે જુનાગઢમાં ફેમિલી કોર્ટનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ડીવાયએસપી હોવાનો રૌફ જમાવી લોકોને છેતરતો હતો.

પોલીસે આરોપીની અટકાયત કરી ત્યાર બાદ ઝીણવટભરી તપાસ કરતા તેની પાસેથી ગુજરાત પોલીસના ડીવાયએસપી રેન્કનું નકલી આઈકાર્ડ મળીઆવ્યું હતું. તે ઉપરાંત જુનાગઢના સરનામાનું આધારકાર્ડ, ફેમિલી કોર્ટનું કર્મચારી તરીકેનું આઈકાર્ડ, પ્રિન્સીપલ સિનિયર સિવિલ જ્જ જુનાગઢના નામનું ફોટો કોપી કરેલું આઈકાર્ડ, બેન્કોના ડેબિટ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યા હતા.

આરોપી વિનીત દવે પાસેથી અંકિતસિંહ રાજપુત અને કનસિંહ રાજપુત પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તરીકેના આધાર પુરાવા પણ મળ્યા છે. તેથી આ કેસની તપાસ પાટણ સુધી લંબાઈ તેવી શક્યતા જોવાઈ રહી છે. આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિઓના નામના ડુપ્લીકેટ કોલ લેટર પણ મળી આવ્યા છે.

લોકો પાસેથી કરોડો પડાવ્યા
આરોપી વિનીત દવેએ સરકારી નોકરી અપાવવાના બહાને સૌરાષ્ટ્ર અનેક જિલ્લાના 17 લોકો પાસેથી 2 કરોડથી વધુ રકમ પડાવી લીધી હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. વિનીત જુનાગઢ, રાજકોટ, સોમનાથના યુવકોને છેતરતો હતો.

થોડા સમય પહેલાં મંત્રીનો નકલી પીએ પકડાયો હતો
નકલી ડીવાયએસપી પકડાયો તેના થોડા દિવસો પહેલાં જુનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીનો નકલી પીએ પકડાયો હતો. આ મહાશયે 25 લાખની સહાય આપવાના બહાને લાખોની ઠગાઈ કરી હતી. તે કારમાં એમએલએનું પાટીયું રાખીને ફરતો હતો. રાજેશ જાદવ નામના આરોપીને જુનાગઢ પોલીસે પકડી લીધો હતો.

Most Popular

To Top